તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:નવસારી જિલ્લાના 75 ગામમાં 100%ને રસી, 161 ગામ 100% નજીક

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના મંદિર ગામે પણ 100 ટકા રસીકરણ. - Divya Bhaskar
જલાલપોર તાલુકાના મંદિર ગામે પણ 100 ટકા રસીકરણ.
  • નવસારી જિલ્લાના કુલ 396 ગામમાંથી બહુમતિ ગામોમાં મહત્તમ વસતિનું રસીકરણ થઇ ગયું

નવસારી જિલ્લામાં જ્યાં 75 ગામમાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે ત્યાં 161 ગામ 100 ટકાથી નજીક છે. જિલ્લામાં 396 ગામ છે.

નવસારી જિલ્લામાં કોવિડ રસીકરણ શરૂ થયું ત્યારે શરૂઆતમાં ગામડાઓમાં રસીકરણ પ્રમાણમાં ધીમું હતું. એમાંય આદિવાસી વિસ્તારમાં તો રસીકરણ ખૂબ જ ઓછું હતું. જોકે છેલ્લા 35 દિવસમાં રસીકરણની આખી સ્થિતિ બદલાઈ ગઈ છે અને જિલ્લાભરના મહત્તમ વિસ્તારમાં સર્વગ્રાહી રસીકરણ વેગ પકડ્યું છે. રસીકરણની સંખ્યા વધતા નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં વધુ ને વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થઈ રહ્યું છે. હાલ સુધીમાં જિલ્લામાં 75 ગામમાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે 6 દિવસ અગાઉ તો માત્ર 43 ગામોમાં જ 100 ટકા રસીકરણ હતું, 6 દિવસમાં વધુ 32 ગામોમાં 100 ટકા થઈ ગયું છે. જ્યાં 75 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે ત્યાં વધુ 161 ગામો 100 ટકા રસીકરણની નજીક છે. આ ગામોમાં 80 યા કેટલાય ગામોમાં તો 90ટકાથી વધુ રસીકરણ થઈ ગયું છે.જે ગામોમાં 80 ટકાથી બધું રસીકરણ થઈ ગયું છે તે તાલુકવાર જોતા નવસારીમાં 23, જલાલપોરમાં 4, ગણદેવીમાં 3, ચીખલીમાં 47, ખેરગામમાં 13 અને વાંસદા તાલુકામાં 71 ગામો છે. આગામી દિવસોમાં વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થઇ જશે.

વધુ રસીકરણના બે મુખ્ય કારણ વધુ ડોઝની ફાળવણી, લોકોમાં જાગૃતિ
નવસારી જિલ્લામાં હાલના દિવસોમાં વધુને વધુ ગામોમાં રસીકરણે વેગ પકડવાનું અને વધુને વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થવાનું મુખ્ય બે કારણ છે. એક કારણ સરકાર દ્વારા વધુ સંખ્યામાં ફળવાતા ડોઝ અને બીજુ કારણ અગાઉ કરતા લોકોમાં રસીકરણ લેવા અંગે આવેલી વધુ જાગૃતિ છે. એક મહિના અગાઉ જ્યાં જિલ્લામાં માંડ 4થી 7 હજાર ડોઝ આવતા હતા તે છેલ્લા 35 દિવસ દરમિયાન સરેરાશ 11 હજારથી વધુ ફાળવાયા છે. આ 35 દિવસ દરમિયાન જ 4 લાખથી વધુ રસીકરણ થયું છે.

હવે એક વિસ્તાર નહીં, સાર્વત્રિક રસીકરણ
જિલ્લામાં રસીકરણની શરૂઆતના દિવસોમાં શહેરી વિસ્તારો તથા કેટલાક ગામડામાં જ રસીકરણ વધુ થઈ રહ્યું હતું. અનેક અંતરિયાળ ગામોમાં રસીકરણ ખુબ ઓછુ હતું. રસીકરણ અંગે ગેરસમજ પણ અનેક લોકોમાં હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં થઈ રહેલા રસીકરણ સાર્વત્રિક છે. મોટાભાગના વિસ્તારમાં રસીકરણે વેગ પકડ્યો છે.

શહેરી વિસ્તારમાં પણ વધુ રસીકરણ
ગામડાઓની સાથે જિલ્લાના નવસારી-વિજલપોર, ગણદેવી, બીલીમોરામાં શહેરી વિસ્તારમાં પણ રસીકરણ વધુ થઈ રહ્યું છે. અનેક રહેણાંક વિસ્તારમાં મહત્તમ રસીકરણ થઈ ગયું છે. જોકે શહેરી વિસ્તાર મોટો છે અને વસતિ વધુ હોય 100 ટકા થયાની માહિતી નથી.

જિલ્લામાં 75 ટકાથી વધુને પહેલો ડોઝ
નવસારી જિલ્લામાં હાલ સુધીમાં 18 વર્ષથી વધુ વયના 75 ટકા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. આ ઉપરાંત 37.81 ટકા એ બીજો ડોઝ પણ લઈ લીધો છે. જિલ્લામાં વધુ રસીકરણની પરંપરા રવિવારે પણ જારી રહી વધુ 11190 જણાએ રસી લીધી હતી,જેમાં 4614 જણાએ પહેલો અને 6576 જણાએ બીજો ડોઝ લીધો હતો. રવિવારે થયેલ રસીકરણ તાલુકાવાર જોતા નવસારીમાં 2244, જલાલપોરમાં 2538, ગણદેવીમાં 1440, ચીખલીમાં 2085, ખેરગામમાં 1315 અને વાંસદા તાલુકામાં વધુ 1578 જણાએ કોવિડ રસી લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, મંગળવારે મેગા રસીકરણ અંતર્ગત 20હજારથી વધુને રસી અપાયા બાદ દરરોજ 11હજારથી વધુને છેલ્લા કેટલાક દિવસથી રસી અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...