અમદાવાદથી મુંબઈ સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યારે નવસારી જિલ્લાના નસીલપોર ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે. આ પ્રોજેક્ટની મહત્વપૂર્ણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પીલર પર આધુનિક પદ્ધતિ દ્વારા ગર્ડર ફિટ કરીને ટ્રેક બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ટ્વીટ કરી કામગીરીની માહિતી આપી હતી.
સંપાદિત જમીન પર ઉભા કરાયેલા પીલર પર આધુનિક પદ્ધતિ દ્વારા ગર્ડર ફિટ કરીને ટ્રેક બનાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વર્ષ 2026 સુધીમાં પૂર્ણ થઈ તેના પર ટ્રેન દોડતી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જમીન સંપાદન બાદ બુલેટ ગતિએ ટ્રેક નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અવારનવાર નવસારીના નસીલપોર સાઈડ પર આવતા હોય છે. નસીલપોર પાસે કાર્યરત સાઈટ ઉપર હાલમાં તમામ પિલર ઉભા થઇ ગયા છે અને તેના ઉપર ગર્ડર સેટ કરીને કામગીરી ડેડલાઇન સુધી પૂર્ણ કરવા માટે એલ એન્ડ ટી કંપની કમર કસી રહી છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક અને ટ્રેક સંબંધી કામોની ડિઝાઇન અને બાંધકામ માટે બીજો કોન્ટ્રાક્ટ 3141 કરોડનો આપવામાં આવ્યો છે. નવસારી પાસે આવેલા નસીલપોરમાં હેવી મશીનો દ્વારા રૂટ નિર્માણની કામગીરી ચાલી રહી છે. ટ્રેક નાખવા માટે ત્રણ પેકેજ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના સંપૂર્ણ રૂટ પર ટ્રેક સબંધિત કામોના કોન્ટ્રાક્ટ અપાયા છે, જેના ભાગરૂપે ટ્રેક સ્ટેશન ડેપો સહિત નિર્માણની કામગીરીએ જોર પકડ્યું છે. બુલેટ ટ્રેનના રસ્તામાં આવતી નદીઓ પર 20 પુલ બનાવવાનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.