નવસારી ભાજપના ઉમેદવાર અંચેલી ગામે ટ્રેનના સ્ટોપેજ બાબતે બહિષ્કારના બેનર મારતા તેમના સમાધાન બાબતે ગ્રામજનોને મળવા ગયા હતા. લોકોએ 11 માસ નો ગુસ્સો ઠાલવી ભાજપના ઉમેદવાર અને પ્રમુખને હવે વાયદા નહીં પણ ટ્રેનના સ્ટોપેજ જ એજ અમારી આખરી માંગ કહીં ભાજપના નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી. તમે 6 માસ માટે અંચેલી રહેવા આવો અને કેવી મુશ્કેલીઓ અમે ભોગવીએ છીએ તે ભોગવો તેમ જણાવી ભાજપના નેતાઓને સ્થાનિકોએ પોતાના મતની તાકાત બતાવી હતી. જેનો વિડીયો વહેતો થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ગણદેવી તાલુકાના અંચેલી ગામ અને અમલસાડ પંથકના ગામોમાં છેલ્લા 11 માસથી ટ્રેનોના સ્ટોપેજ બાબતે વારંવાર રજૂઆત બાદ છેલ્લા એક માસથી બેનર મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ચૂંટણી આવી હોય હવે અમલસાડ પંથકના 17 ગામોના લોકોએ એકતા બતાવીને ‘જ્યાં સુધી ટ્રેન નહીં ત્યાં સુધી મત નહીં, મતપેટી ખાલી જશે’ના નારા સાથે આ વિસ્તારના લોકોએ રાજકીય પક્ષોને આવવાની ના પાડી દીધી હતી.
જોકે ભાજપના નવા નવસારીના ઉમેદવાર, જિલ્લા ભાજપ પ્રમુખ, મંત્રી અને ભાજપ અગ્રણીઓ સમાધાન કરવા જતા ગ્રામજનોએ તેમના ઉપર સવાલોનો મારો ચલાવ્યો હતો. ગ્રામજનોની તકલીફ કોઈએ સમજી નથી. ચૂંટણી પહેલા ટ્રેનના સ્ટોપેજ નહીં મળે તો 17 ગામની મતપેટી ખાલી જશે એવું જણાવ્યું હતું. ભાજપ અગ્રણીઓને હાલ જનાક્રોશનો પરચો મળી ગયો હતો. આ વિડીયો વહેતો થતા હવે જનતા જાગ્રત થઈ ગઈ હોય લોલીપોપ નહીં કામ જોઈએ તેવી ચર્ચા પણ ચાલી હતી.
45 સેકન્ડનું સ્ટોપેજ રેલવે વિભાગ કેમ આપી શકતી નથી
અંચેલી ગામે ટ્રેનોના સ્ટોપેજ બાબતે છેલ્લાં 11 માસથી કલેક્ટર, રેલવે વિભાગ અને સરકારમાં રજૂઆત કરતા હતા. કોરોના બાદ ટ્રેનો શરૂ થઈ હતી. જેમાં લોકલ ટ્રેન વેડછા અને અમલસાડ સ્ટેશને ઉભી રહે પણ 45 સેકન્ડ અંચેલી સ્ટોપેજ નહીં મળતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. કોઈપણ પક્ષવાળાએ આવવું નહીં. જો ટ્રેનના સ્ટોપેજ મળે નહીં તો મત પેટી ખાલી જશે એવી આખરી ચીમકી પણ આપી હતી.
ડબલ એન્જિનની સરકાર અન્ય સ્થળે ટ્રેન આપે છે પણ અહીં સ્ટોપેજ નહીં
ભાજપના નેતાઓ દ્વારા રેલવે કેન્દ્ર સરકારના હસ્તક આવે તેમ જણાવતા લોકોએ જણાવ્યું કે આજે કેન્દ્ર અને ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે. બધુ થઈ શકે. જો એક નેતાના ઈશારે નંદુરબાર ટ્રેન શરૂ થતી હોય તો વળી વડનગર ટ્રેન શરૂ થતી હોય અને હાલના ભાજપ પ્રમુખ જો પ્રમુખ બને તો બે ટ્રેન રાજસ્થાન તરફ પણ કરી દે તેમ જાહેરમાં જણાવી ભાજપના નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી.
તાલુકા પંચાયતના સભ્ય બોલવા જતા લોકોએ તેમને બેસી જવા મજબૂર કરી દીધા
સ્થાનિકો જેમને રજૂઆત કરી તે ગણદેવી તાલુકા પંચાયતના સભ્ય ભાજપના નેતાઓ આવ્યા હોય તેમણે જણાવ્યું કે મેં પણ ઘણી રજૂઆત કરી છે એમ સ્થાનિકોને જણાવતા તેમને બેસવા માટે સ્થાનિકોએ મજબૂર કરી હતી.
સુરત તરફ બાઇક પર નોકરી કરવા જતો દીકરો સાંજે હેમખેમ આવશે કે કેમ તેની સતત ચિંતા
સ્થાનિકોએ ભાજપના નેતાઓને જણાવ્યું કે, ટ્રેનના સ્ટોપેજ બાબતે ઘરનો કમાઉ દીકરો વાહન પર સુરત જાય અને સાંજે હેમખેમ પાછો ફરશે કે કેમ તેની ચિંતા થાય છે. અકસ્માત વધ્યા બાદ આ ગામોના લોકોની સામૂહિક ચિંતા છે. તમે અમારી જગ્યા ઉપર આવે તો સમસ્યા શું છે તેની ખબર પડે.
લોકોએ એકતાની તાકાત બતાવી છે
અંચેલી વિસ્તારમાં 11 માસથી ટ્રેનોના સ્ટોપેજ બાબતે ગ્રામજનોનો વિરોધ છે. અમે જે તે વિભાગને જાણ કરી હતી પણ કોઈએ રસ દાખવ્યો નથી. કોરોના બાદ વેડછા અને અમલસાડમાં ટ્રેનના સ્ટોપેજ મળે પણ અંચેલીને નહીં મળે તે બાબતે લોકોએ બેનર માર્યા પણ વહીવટી તંત્રે તે કાઢી લીધા પણ લોકોએ ઘરે ઘરે વિરોધના બેનર મારીને સ્વયંભૂ વિરોધ પ્રદર્શિત કર્યો છે. ટ્રેન નહીં તો મતપેટી ખાલી જ જશે. લોકોએ એકતાની તાકાત બતાવી છે. જેનો અનુભવ આજે રાજકારણીઓને થઇ ચૂક્યો છે. અન્ય એ પણ તેના પરથી બોધપાઠ લેવો રહ્યો. > હિતેશભાઈ પટેલ, સ્થાનિક, અંચેલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.