રજૂઆત:પરવાનગી વગર ચાલતો મેળો તાત્કાલિક રદ કરો : સ્થાનિકો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારીના પરમાર હોસ્પિટલની સામે ચાલતો મેળો. - Divya Bhaskar
નવસારીના પરમાર હોસ્પિટલની સામે ચાલતો મેળો.
  • કાંકરીયા જેવી ર્દુઘટના ન બને તે માટે રજૂઆત કરાઇ
  • મામલતદારે મેળામાં જઇ મોટી રાઇડ બંધ કરાવી

નવસારીમાં વેકેશનના માહોલને લોકો માણી શકે તે માટે ખાદી ગ્રાઉન્ડ પર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આવેલી રાઈડ્સ અને લોકોની રાત્રિના સમયે થતી બૂમાબૂમને કારણે ત્યાં આવેલી બે હોસ્પિટલ અને સ્થાનિકો હેરાન થતા હોવાથી તાત્કાલિક મે‌ળો બંધ કરવા કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે.

હાલમાં વેકેશનમાં લોકો આનંદ કરી શકે તે માટે નવસારીના લાયન્સ હોસ્પિટલની બાજુમાં અને પરમાર હોસ્પિટલની સામે ખાદી ગ્રાઉન્ડ પર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ચકડોળ, ડ્રેગન ટ્રેન જેવી વિવિધ રાઈડ્સની લોકો અને બાળકો મજા માણી શકે અને ખરીદી કરી શકે તે માટે દુકાન પણ લગાવાય છે.

આ મેળાના સંચાલકોએ તેમની રાઈડ્સ અંગે સરકારી અધિકારીઓ પાસે કોઈ તપાસણી પ્રમાણપત્ર નહીં લેતા કાંકરિયામાં જે દુર્ઘટના બની હતી તેનું પુનરાવર્તન નહીં થાય તે માટે કેટલાક જાગૃત નગરિકોએ આ રાઈડ્સ અંગેના ફિટનેસ સર્ટીફિકેટ બાબતે કલેકટરને રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે કલેકટરે કાર્યપાલક ઈજનેરને તપાસ માટે પત્ર લખ્યો છે પરંતુ હજુ સુધી કોઈ તપાસ કરી નહીં હોવાની માહિતી મળી છે. જોકે આ બાબતે નવસારી મામલતદારે રાત્રિના સમયે આકસ્મિક ચેકિંગ કરી એક મોટી રાઈડ બંધ કરાવી હોવાની માહિતી મળી છે.

નવસારી શહેરમાં ખાદી ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા મેળાના સંચાલકો કોઇપણ જાતની પરવાનગી વગર મેળો ચલાવી રહ્યા છે. જેમાં પાર્કિંગની કોઇ સુવિધા નહીં અને કોઇપણ ર્દુઘટના થાય તો ત્યારે સાવચેતીના કોઇ સાધન ન હોવાની માહિતી મળી છે.

નવસારી શહેરમાં ર્દુઘટના ન બને તે માટે કલેકટરને અરજી કરાઇ
તાજેતરમાં અમદાવાદના કાંકરિયા ખાતે મેળાના સંચાલકોએ રાઈડ્સ અંગે ફિટનેસ સર્ટીફિકેટ નહીં મેળવતા એક દુર્ઘટના થઈ હતી. જેથી આવી કોઈ દુર્ઘટના નવસારીમાં નહીં થાય તે માટે કલેકટરને જાણ કરી છે. -આશિષ સિસોદીયા, જાગૃત નાગરિક, નવસારી

પાર્કિંગની પણ વ્યવસ્થા નથી
અમારા એપાર્ટમેન્ટની સામે આવેલા મેળાના સંચાલકોએ પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરી નથી. જેથી રાત્રિના સમયે ગમે ત્યાં વાહન પાર્કિંગ થાય છે. રાત્રિના સમયે રાઈડ્સમાં બેસતા લોકોની ચીચીયારીથી ઘણાં લોકોને ઉંઘમાં તકલીફ ઉભી થાય છે. - અભિષેકભાઈ પરમાર, સ્થાનિક, નવસારી.

અન્ય સમાચારો પણ છે...