• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • If The Support Price Policy For Paddy Purchase Is Not Changed, 50 Thousand Farmers Of The District Will Not Get Affordable Price For The Second Year In A Row.

જગતનો તાત મજબૂર બન્યો:ડાંગર ખરીદીની ટેકાના ભાવની નીતિ ન બદલાય તો નવસારીના 50 હજાર ખેડૂતોને સતત બીજા વર્ષે પોષણક્ષમ ભાવ નહીં મળે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે નવસારી જિલ્લાના મોટેભાગના ખેડૂતોએ ટેકાના ભાવથી ઓછા ભાવે ડાંગર આપ્યું હતું,ચાલુ સાલ પણ આવી જ સ્થિતિ રિપીટ થઈ શકે

જો સરકાર ડાંગરના ટેકાના ભાવની નીતિ ન બદલે તો નવસારી જિલ્લાના 50 હજાર જેટલા ખેડૂતોને સતત બીજા વર્ષે પણ ડાંગરના ટેકાના ભાવ પણ મળશે નહીં. આમ તો નવસારી જિલ્લામાં ખરીફ અને ઉનાળુ ડાંગર બન્ને પાક લેવાય છે પણ વધુ સંખ્યામાં વરસાદ આધારિત ચોમાસામાં ખરીફ ડાંગરનો પાક જ લેવાય છે.અંદાજે 50 હજાર જેટલા ખેડૂતો ખરીફ ડાંગરનો પાક લે છે. આમ તો નવસારી, જલાલપોર તાલુકામાં અગાઉના વર્ષોમાં અહીંના સહકારી સંઘો સરકાર દ્વારા જાહેર કરાતા ટેકાના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને આપતી હતી,જેથી ટેકાના ભાવનું ખાસ મહત્વ રહેતું ન હતું.

જોકે ગત વર્ષથી સ્થિતિ બદલાઈ ગઈ છે. ગત વર્ષે ટેકાના ભાવ જ્યાં 140 કિલોના કોમનના 2615 રૂપિયા અને એ ગ્રેડના 2643 જાહેર થયા હતા,સ્થાનિક સંઘો તેનાથી ઓછા ભાવ આપ્યા હતા,જોકે સરકારની ટેકાના ભાવની નીતિ ખેડૂતો માટે યોગ્ય ન હોય જિલ્લામાં માત્ર 42 ખેડૂતોએ જ ટેકાના ભાવે ડાંગર આપ્યું હતું. ચાલુ ખરીફ સિઝન માટે હાલ સરકારે ડાંગરના ટેકાના ભાવ ગત વર્ષ કરતા વધુ જાહેર કર્યા છે.જેમાં 140 કિલોના કોમનના 2716 રૂપિયા અને એ ગ્રેડના 2744 જાહેર કર્યા છે.

આ ટેકાના ભાવ પણ સંઘો આપે એવી શક્યતા ઓછી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.જોકે સરકાર ટેકાના ભાવની ખરીદીની નીતિ ન બદલે તો સતત બીજા વર્ષે જિલ્લાના 50 હજારથી વધુ ખેડૂતો નાછૂટકે ટેકાના ભાવથી ઓછા ભાવે સંઘ યા વેપારીઓને ડાંગર આપવા મજબૂર થશે.

વાંસદા તાલુકામાં ખેડૂતોની સ્થિતિ વધુ દયનિય

ડાંગરના સારા ભાવ મળવામાં હવે તો આખા જિલ્લામાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે પરંતુ વાંસદા વિસ્તારના ખેડૂતોને તો વર્ષોથી સારા ભાવ મળતા નહીં હોવાનું જાણવા મળે છે. નવસારી પંથકના ખેડૂતોને જે ભાવ મળતા હતા તેનાથી ઓછા ભાવ મળી રહ્યાં છે.

ટેકાનો ભાવ મળવો જોઈએ કારણ..
સરકાર દ્વારા ટેકાન ભાવ ખેડૂતો દ્વારા થતું રોકાણ, મજૂરીનો ખર્ચ વગેરે ધ્યાને લઈ બહાર પડાય છે. ટેકાના ભાવને ઓછામાં ઓછો ભાવ ખેડૂતોને મળવો જ જોઈએ એમ પણ કહીં શકાય. આ સ્થિતિમાં ખેડૂતોને ટેકાના ભાવ સરળ નીતિથી મળે એ પણ જોવું જરૂરી છે. જો ટેકાનો ભાવ પણ ન મળે તે સ્થિતિ આદર્શ ન કહેવાય.

ગત વર્ષે 42 ખેડૂતોનું જ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન
જિલ્લામાં ખરીફ ડાંગરનું વાવેતર 50 હજાર ખેડૂતો કરે છે. ગત વર્ષે પણ કર્યું હતું. ગત વર્ષે બજારમાં ભાવ ટેકાના ભાવ કરતા ઓછા રહ્યાં હોવા છતાં માત્ર 42 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવી ટેકાના ભાવે ડાંગર આપ્યું હતું. મોટેભાગના ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર આપ્યું ન હતું. ચાલુ સાલ પણ આ સ્થિતિ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ટેકાના ભાવની નીતિમાં શરતો મુશ્કેલ
મળતી માહિતી મુજબ સરકારે ટેકાના ભાવની ખરીદી માટે નીતિ બનાવી છે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં ડાંગર લુઝ (છૂટુ)માં લઈ જવાતું હોય છે, જે ખેડૂતો માટે લઈ જવુ મુશ્કેલ છે. બીજુ કે ક્વોલિટી માટે પણ પેરામીટર છે, જેમાં કેટલાક ડાંગરની ગુણવત્તામાં મુશ્કેલી પડે એમ છે. લુઝમાં ડાંગર લઈ જવાયા બાદ ‘રીજેક્ટ’ થાય તો મુશ્કેલી પડે એમ છે. આવી અન્ય શરતો પણ છે. તંત્ર જો સ્થાનિક સંઘો સાથે સંકલન સાધી ખરીદીની નીતિ બદલે તો રાહત થાય એમ છે એવું જાણકારો જણાવે છે.

મધ્ય ગુજરાતનું ઠલવાતુ ડાંગર એક ફેક્ટર
મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતમાંથી ઓછા ભાવે ડાંગર નવસારી જિલ્લામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક સંઘો માટે વધુ ભાવ પાડવા ખુબ જ મુશ્કેલ પડી રહ્યાં છે. સંઘોમાં ડાંગરનો જથ્થો પણ ઘટ્યાનું જાણવા મળે છે. આ સ્થિતિમાં ખેડૂતોને ડાંગરની ખેતી માટે ટકાવવા ટેકાના ભાવ મળે એ જરૂરી છે.તો જ જગતનો તાત આર્થિક રીતે ટકી શકશે.

અન્ય સમાચારો પણ છે...