રજૂઆત:જમીનનું યોગ્ય વળતર ન મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોની ચીમકી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી-ગણદેવી રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગી કરવાનું આયોજન
  • સાલેજ, ગડત, ખખવાડા જમીન વળતર સમિતિની કલેકટરને રજૂઆત

નવસારી-ગણદેવી રાજ્ય ધોરીમાર્ગને ફોર લેન કરવા માટે જરૂર જમીનનુ વળતર યોગ્ય ચૂકવવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

સાલેજ, ગડત, ખખવાડા જમીન વળતર સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું કે,નવસારી જિલ્લામાંથી પસાર થતો જિલ્લાના દરેક તાલુકો જોડતો રાજ્ય ધોરીમાર્ગ જેનો જૂનો નંબર 6 તથા નવો નંબર 88 પર આવેલા સાલેજ, ગડત તથા ખખવાડા ગામના ખેડૂતોની ખેતીની જમીન રસ્તાને ચારમાર્ગી કરવા માટે જનાર છે. જેમાં ખેડૂતોની જમીન, ફળાઉ ઝાડો અને ફેન્સિંગ, બોર-કૂવા, મકાનો વગેરે જનાર હોય તે માટે હાલમાં જ બૂલેટ ટ્રેન માટે જાહેર કરેલ એવોર્ડ કરતા રસ્તાની બાજુની જમીન હોવાને લીધે ખેડૂતોને વધુ વળતર મળે તે અપેક્ષા દરેક ખેડૂતોએ રાખી છે. મોટાભાગના ખેડૂતો નાના સીમાંત છે. તદઉપરાંત ગામતળમાં આવેલી જમીન, મકાન કે આદિવાસીઓના ઘરોના બારણામાંથી પણ રસ્તા માટે જમીન જનાર હોય દરેકને યોગ્ય વળતરની અપેક્ષા છે. રસ્તાની બાજુમાંથી ગટર દ્વારા પાણીનો નિકાલ થાય છે તો રસ્તાની સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ યોગ્ય રીતે થાય તે મુજબ જમીન સંપાદન થાય અને તે મુજબ વળતર ચૂકવાય એવી અપેક્ષા છે.

નવસારી-ગણદેવી રોડ પર ડાંભેર ગામના પાટીયા પાસેથી સાલેજની હદ શરૂ થાય છે, તે અજરાઈની ટેકરી પાસે ખખવાડા ગામની હદ પૂરી થાય છે. આટલા વિસ્તારમાં વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી રસ્તાનું કામ ચાલુ ન કરવા અનુરોધ કરાયો હતો. જો કામ ચાલુ રહેશે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ જરૂર જણાશે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

છેલ્લા ઘણાં લાંબા સમયથી ખેડૂતો સાથે છેતરપિંડી કરાઇ રહી હોય તેવો ભાસ ખેડૂતોને થઇ રહ્યો છે. જેને લઇ ખેડૂતો હવે એકજૂથ થઇ રહ્યા છે. સરકાર દ્વારા બુલેટ ટ્રેન, હાઇવે અને પછી રાજ્ય ધોરીમાર્ગની પહોળાઇ વધારવાનું આયોજન કરાતા નવસારી જિલ્લાના મહત્તમ ખેડૂતોની જમીન આ માર્ગોમાં જઇ રહી છે. જેને લઇને ખેડૂતોની સ્થિતિ બગડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સરકાર દ્વારા વળતર મામલે પણ અન્યાય થતા હવે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...