ટોલના 1000 બચાવવાના ચક્કરમાં અકસ્માત:જો કન્ટેનર ચાલકે ટોલ-વે પર જ કન્ટેનર ચલાવ્યું હોત તો 5 જિંદગી મોતના મુખમાં જતા બચી જાત, નવસારીની ઘટના

નવસારી19 દિવસ પહેલા
  • કન્ટેનર ચાલકે ટોલ બચાવવા માટે જાહેરનામાનો ભંગ કરી સ્ટેટ હાઈવે પર કન્ટેનર ચલાવ્યું હતું
  • ધોળાપીપળાના પડઘા પાટીયા પાસે કન્ટેનર અને ઈકો વચ્ચે અકસ્માત થયો હતો

નવસારીના ધોળાપીપળાના પડઘા પાટીયા પાસે ગઈકાલે કન્ટેનર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. જેની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પોલીસને જાણકારી મળી હતી કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા માટે ડ્રાઈવરે આ રૂટ પસંદ કર્યો હતો. ત્યારે 1 હજાર જેવી નજીવી રકમના કારણે એક પરિવારનો માળો વેખેરાયો હતો. જો કન્ટેનર ચાલકે ટોલ-વે પર જ કન્ટેનર ચલાવ્યું હોત તો 5 જિંદગી મોતના મુખમા જતા બચી ગઈ હોત.

કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો
કન્ટેનર ચાલકો મોટેભાગે ટોલના પૈસા બચાવવા માટે શહેરના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ રસ્તાઓ પરથી પસાર થતા કાર અને ટુ-વ્હીલર સાથે અકસ્માત થતા મોટી દુર્ઘટના બનતી હોય છે. ગઈકાલે સાંજે 5:30 વાગ્યે નવસારીના ધોળાપીપળા પડઘા પાટીયા પાસે કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતા પારખી કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ સહિત કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દોડી આવ્યાં હતા. ત્યારે આજુબાજુના ગ્રામજનોએ પણ ગેરકાયદેસર રીતે રોડનો ઉપયોગ થતો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.

ટોલનાકાના એક હજાર રૂપિયા બચાવવા માટે આ રૂટ પસંદ કર્યો
નવસારી ગ્રામ્ય પોલીસે સ્થળ પરથી જ 55 વર્ષીય ડ્રાઈવર સંજય ઠાકુરની ધરપકડ કરી હતી અને તેની પુછતાછ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે, તે 25 વર્ષથી ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે ગઈકાલે કન્ટેનર ટર્ન લેવામાં ગફલત થતાં અકસ્માત થયો હતો. પોલીસે વધુ જાણકારી મેળવી હતી કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા માટે તેણે આ રૂટ પસંદ કર્યો હતો. સાથે જ મોટાભાગના કન્ટેનર ડ્રાઈવરો ટોલનાકાના પૈસા બચાવવા માટે આ રૂટ પરથી પસાર થતા હોય છે. કન્ટેનર ચાલકે ટોલ બચાવવા માટે જાહેરનામાનો ભંગ કરી આ હાઈવે પર કન્ટેનર ચલાવ્યું હતું. જેને લઈ માત્ર 1 હજાર રૂપિયા જેવી નજીવી રકમના કારણે એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં આ ડ્રાઇવર વિરુદ્ધ ફીટકારની લાગણી વરસી રહી છે.

ડ્રાઈવરે ટર્ન લેવામાં ગફલત કરતા અકસ્માત થયો
આ સમગ્ર કેસની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ પટણીએ જણાવ્યું હતું કે, આ ડ્રાઈવરે કન્ટેનરને ટર્ન લેવામાં ગફલત કરી હતી, જેથી પ્લાસ્ટિકના દાણા ભરેલું કન્ટેનર ઇકો કાર પર પડતા અકસ્માત થયો હતો. ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા તેણે આ રોડ પરથી પસાર થવાનું પસંદ કર્યું હતું.

એક સાથે ચાર લોકની અંતિમયાત્રા નીકળી હતી
એક સાથે ચાર લોકની અંતિમયાત્રા નીકળી હતી

આંબરી અને કસ્બાના ગ્રામજનોએ પણ આ મામલે વિરોધ નોંધાવીને અનેક વખત રજૂઆત કરી હતી. તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ મોટા વ્હીકલ આ ધોરીમાર્ગ પરથી ગેરકાયદેસર રીતે પસાર થતા અકસ્માતની ઘટના બની રહી છે.

નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. પુરઝડપે આવી રહેલા કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કન્ટેનર ઈકો પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકોમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું.

મોરારીબાપુએ પણ સંવેદના વ્યક્ત કરી
ઉત્તર પ્રદેશના લલિતપુર ખાતે હાલ મોરારિબાપુની રામકથા શરૂ છે ત્યારે બાપુને આ અકસ્માતની ઘટનાની જાણ થતા તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમજ મોરારીબાપુએ મૃતક દીઠ પાંચ હજાર એમ પાંચ મૃતકોના પરિવારજનોને 25,000 રૂપિયા આપવા માટે તેમણે પોતાના પ્રતિનિધિને મૃતકોના પરિવારને ત્યાં મોકલ્યો હતો.
ચિખલી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી હનુમાનજીની સાંત્વના રુપે પ્રત્યેક મૃતકનાં પરિવારજનોને રૂપિયા પાંચ હજાર તેમજ રામનામી મોકલાવેલા છે.

અન્ય સમાચારો પણ છે...