વાંસદાના ધારાસભ્ય અને અન્ય જેટકોના કર્મચારીઓ પર અત્યાર અને અમાનુષી વ્યવહાર કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન થાય તો રોડ રોકો આંદોલનની ચીમકી પણ આપી છે.
નવસારી કોંગ્રેસના પ્રમુખ શૈલેશ પટેલ, ધર્મેશ માલી, જય પટેલ, પ્રભાબેન વલસાડીયા, સી.પી. નાયક અને અન્ય અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ 31મેનાં રોજ ધારાસભ્ય અનંતભાઇ પટેલનાં નેતૃત્વમાં જીઇબી જેટકોનાં આઉટ સોર્સિગ કર્મીઓને થતા અન્યાય અને સેલેરી ડિફરન્સ તેમજ અન્ય હકો બાબતે રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે રેલીનું આયોજન કરાયું હતું.
જેની 30મેનાં રોજ પરવાનગી માંગી હતી, પરંતુ રેલીની પરવાનગી નહીં મળતાં નિર્ધારિત સમય પર લુન્સીકૂઈ ખાતે ધારાસભ્ય અનંતભાઇ પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જેટકોના કર્મચારીઓ એકત્રિત થયા અને 3 જૂને રેલી કાઢવાનું આયોજન કરવા માર્ગદર્શન આપી રહ્યાં હતા.
એલસીબી પીઆઇ દિપકભાઈ કોરાટ અને ડીવાયએસપી સંજય રાય પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને ત્યાંથી ધારાસભ્ય પટેલને ગરદનમાંથી દબાવી બળજબરીપૂર્વક ધારાસભ્યને કોઈ રીઢા ગુનેગારને પકડતા હોય તે રીતે અમાનુષી રીતે ધરપકડ કરાઇ હતી.
પોલીસ પ્રશાસનની કઠપૂતળી છે
આદિવાસી લોકપ્રતિનિધિની ખોટી રીતે ધરપકડ કરનારા પોલીસ અધિકારીઓ ઉપર એટ્રોસિટીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે. જો ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ રોડ રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. પોલીસ પ્રશાસનની કઠપૂતળી છે. - શૈલેષભાઈ પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.