ન્યાય માટે લડત:દીપ મૃત્યુ મામલે 10 દિવસમાં ન્યાય નહીં મળે તો ધરણાં

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવેદનપત્રમાં નવસારી પ્રજા શક્તિ મોરચાનું જિલ્લા કલેકટરને અલ્ટીમેટમ

જલાલપોરના એથાણ ગામના એકના એક 17 વર્ષિય દીકરા દીપના મૃત્યુથી એક તરફ તેના પરિવારના આંસુ સુકાઇ નથી રહ્યાં તો બીજી તરફ શહેરમાં બનેલી ઘટનાને લઇને નગરજનોમાં ગુસ્સો દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થાને લઇને તંત્ર પર સવાલ ઉભા થયા છે. ચૂંટાયેલા નેતાઓ હોય કે પછી આરોગ્ય વિભાગના અધિકારીઓ લાગે છે કોઇને પણ દીપના મૃત્યુ મામલે તેના પરિવારને ન્યાય અપાવવાની ઇચ્છા નથી. તંત્રને તો જાણે જવાબદારો સામે પગલા ભરવામાં કોઇ રસ જ નથી તે રીતે ધીમી ગતિએ કાર્ય કરી રહી છે. દીપના મૃત્યુ મામલે નેતાઓ હોય, રાજકીય પાર્ટી હોય કે પછી સામાજિક સંસ્થાઓ દરેક જવાબદારો સામે પગલા ભરી દીપ અને તેના પરિવારને ન્યાય અપાવાની માગ કરી ચૂક્યાં છે.

પ્રજા શક્તિ મોરચા પાર્ટી દ્વારા બુધવારે કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે, આરોગ્ય વ્યવસ્થાને કારણે લોકોમાં ભયનો માહોલ અને રોષની લાગણી ફેલાઇ છે. દીપના પરિજનો દ્વારા શહેરની શ્રદ્ધા હોસ્પિટલ, યશફિન હોસ્પિટલ, પારસી જનરલ હોસ્પિટલ તથા સી.એચ.સી સેન્ટર મંદિર ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવેલ પરંતું બધી હોસ્પિટલોમાં માનવતા મરી પરવારી હોય એમ સારવાર ન અપાતા અંતે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો અને અંતે મૃત્યુ પામ્યો હતો. જિલ્લાનું આરોગ્ય વિભાગ આવા રેઢીયાળ તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કે ખાનગી હોસ્પિટલો વિરૂદ્ધ યોગ્ય તપાસ કરાવીને કાર્યવાહી કરવામાં નહીં આવે તો દીપના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું અને તેની સંપુર્ણ જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારી અને પ્રશાસનની રહેશે.

આ મામલે કલેકટરે પ્રથમવાર આવેદનપત્ર જાતે સ્વીકાર્યું છે. જાેકે કલેક્ટર કોઈપણ જવાબ આપે તેવી સ્થિતિમાં નથી માટે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાથી બચી રહ્યા છે. તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલો પાસે જવાબ માંગવામાં આવ્યા હતાં. જેમાંથી જણાવાયું છે કે અમુક હોસ્પિટલના આવી ગયા છે અને અમૂકના બાકી છે. જોકે કોના જવાબ આવ્યા બચે અને કોના નથી આવ્યા તે હજુ તંત્ર દ્વારા અંકબંધ રાખવામાં આવ્યું છે.

તો... ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં કરાશે
દીપ આહિરના મૃત્યુ મામલે તંત્ર ખૂબ જ ઢીલાસથી કામગીરી કરી રહી છે તેવું લાગી રહ્યું છે. જો આ મામલે 10 દિવસમાં જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરીને પગલાં ભરવામાં નહીં આવે અને દીપના પરિજનોને ન્યાય નહીં મળે તો પ્રજા શક્તિ મોરચો કલેક્ટર કચેરીએ ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં કરાશે. > વિશાલ સૂર્યવંશી, જિલ્લા પ્રમુખ, પ્રજા શક્તિ મોરચો

અન્ય સમાચારો પણ છે...