આશા પર પાણી ફરી વળ્યું:નવસારીમાં વાવાઝોડાથી 557 ખેડૂતના વૃક્ષોને નુકસાની, જેમાંથી સરકારી સહાય માત્ર 3ને જ મળી!

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતેના કારણે નવસારી જિલ્લામાં ફળો ઉપરાંત 1843 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષ નાશ થયા તો કેટલાકમાં નુકસાન થયું
  • 50 ટકા ઝાડ ઉખડી ગયા કે નાશ પામ્યાં હોય તેને જ સહાયનું સરકારે ઠરાવતા મોટાભાગના ખેડૂતોને વૃક્ષની સહાયનો ડીંગો જ મળ્યો

નવસારી જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી 557 ખેડૂતના વૃક્ષને નુકસાની થઈ પણ સહાય માત્ર 3 ખેડૂતને જ ચૂકવાશે. સરકારના પરિપત્રથી આ સ્થિતિ સર્જાઈ છે. 17 અને 18 મેના રોજ તાઉતે વાવાઝોડાની અસર હેઠળ નવસારી જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ફૂંકાયો હતો. જેને લઈને જિલ્લામાં કેરી, ચીકુ, ડાંગર, કેળ સહિતના ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું.

વાવાઝોડામાં ફળને તો નુકસાન થયું હતું પણ વૃક્ષ પણ નુકસાની પામ્યાં હતા. સરકારે આ નુકસાની અંગે સહાય ચૂકવવા સરવે કરાવ્યો હતો. જેમાં વૃક્ષને થયેલ નુકસાની પણ ધ્યાને લેવાય હતી. વૃક્ષ ઉખડી, ભાંગી યા નાશ પામેલ ધ્યાનમાં લેવાયા હતા. સરવે દરમિયાન જિલ્લામાં 557 જેટલા ખેડૂતના 1843 વિવિધ ઝાડો નુકસાની પામ્યાંનું નોંધવામાં આવ્યું હતું. આ ખેડૂતોને સહાયની આશા પણ હતી,જોકે સરકારે સહાય અંગે બહાર પાડેલા ધારાધોરણ એ મોટાભાગના ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે.

રાજ્ય સરકારે વક્ષોની નુક્સાનીની સહાય અંગે કરેલ ઠરાવની ફાઇલ તસવીર.
રાજ્ય સરકારે વક્ષોની નુક્સાનીની સહાય અંગે કરેલ ઠરાવની ફાઇલ તસવીર.

આ ધારાધોરણમાં સરકારે ખેડૂતના 50 ટકા ઝાડ ઉખડી, નાશ પામ્યા હોય તેને જ એક હેકટરના 1 લાખ રૂપિયા બે હેકટરની મર્યાદામાં ચૂકવવા ઠરાવ્યું. જેને લઈ જિલ્લામાં 557માંથી માત્ર 3 જ ખેડૂત સહાયની કેટેગરીમાં આવી શક્યાં છે.આ ત્રણેય ખેડૂત જલાલપોર તાલુકાના અબ્રામા ગામના હોવાનું જાણવા મળે છે,અન્ય 554 ખેડૂતના વૃક્ષની નુકસાની છતાં સહાય મળશે નહીં. અહીં પ્રશ્ન એ છે કે શું અન્ય ખેડૂતોના ઓછા ઝાડ પડી ગયા યા નાશ પામ્યાં તે નુકસાની નથી?

પ્રોજેક્ટ માટે સંપાદનમાં વૃક્ષદીઠ રૂપિયા 30થી 80 હજારનું વળતર
સરકારના અનેક પ્રોજેકટોમાં જમીન સંપાદન કરાઈ રહી છે અને વૃક્ષોને નુકસાની પણ થઈ રહી છે. આ પ્રોજેકટોમાં વૃક્ષદીઠ નુકસાની સરકાર ચૂકવે છે અને તે ફળાઉ ઝાડ દીઠ થોડી નહીં પણ 30 હજારથી લઈ 50-80 હજાર રૂપિયા હોવાનું જાણવા મળે છે.

મુખ્યમંત્રીએ વૃક્ષ નુકસાનીની જાહેરાત કરી પણ..
વાવાઝોડાની નુકસાની બાદ મુખ્યમંત્રીએ ખેડૂતોને ‘આર્થિક પેકેજ’ આપવાની 26મી મે એ જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં મુખ્યમંત્રીએ પ્રથમ વખત જ બહુવર્ષાયુ ફળાઉ વૃક્ષ કાયમી નાશ પામ્યાના કિસ્સામાં પણ, સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી જિલ્લાના જે ખેડૂતોના વૃક્ષ નુકસાની પામ્યાં તેમને સહાયની આશા બંધાઈ હતી. જોકે પાછળથી 50 ટકા નુકસાનીનો ઠરાવ આવતા આશા ઠગારી નીવડી છે.

સંપાદનની જેમ વૃક્ષદીઠ જ વળતર ચૂકવવું જોઈએ
સરકાર વૃક્ષદીઠ નુકસાનીનું વળતર ન ચૂકવે એ અનીતિ છે. ખરેખર તો વિવિધ પ્રોજેક્ટોમાં વૃક્ષદીઠ ખેડૂતોને જે વળતર 80 હજાર સુધી ચૂકવાય છે તે રીતે જ વાવાઝોડાની નુકસાનીમાં પણ સહાય ચૂકવાવી જોઈએ. મારા મતે સરવે પણ અધૂરો જ થયો છે. > સિદ્ધાર્થ દેસાઈ, વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂત, આમડપોર

33 ટકા નુકસાનીના ધારાધોરણથી હજારો ખેડૂતોને સહાય નહીં
વાવાઝોડાના કારણે નવસારી જિલ્લામાં બાગાયતી પાકો ઉપરાંત ડાંગર વગેરે પાકને પણ ભારે નુકસાન થયું હતું. આ અંગે સરકારી સરવેમાં જિલ્લામાં અંદાજે 16200 હેકટર જમીનમાં ખેતીપાકને નુકસાની થયાનું સ્વીકારાયું હતું. જોકે અહીં પણ ખેડૂતોની નુકસાની 33 ટકાથી વધુ હોય તેને જ સહાય કરવાનું ધારાધોરણ આવ્યું હતું. જેને લઈને અંદાજે 8700 જેટલા ખેડૂતને 6200 હેકટરમાં થયેલી નુકસાની જ ધ્યાને લેવાઈ હતી, અન્ય 10 હજાર હેકટર જમીનમાં થયેલી ઓછી નુકસાની ધ્યાને નહીં લેવાતા હજારો ખેડૂતોને કોઈ સહાય મળવાપાત્ર થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...