તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:તૌકતે વાવાઝોડું 17 કે 18એ ત્રાટકી શકે, નવસારી જિલ્લાના દરિયા કાંઠાના 36 ગામને એલર્ટ કરાયા, તંત્ર સાબદુ

નવસારી/બીલીમોરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના દરિયાકાંઠાના 36 ગામને વહીવટી તંત્રએ તૌકતે વાવાઝોડુંના મંડરાઇ રહેલા ખતરાને પગલે એલર્ટ કર્યા છે. વધુમાં માછીમારોને દરિયો નહીં ખેડવા પણ સૂચના અપાઈ છે. વાવાઝોડા સામે પહોંચી વળવા સરપંચ, તલાટી, ગ્રામજનોને સૂચના આપી તમામ જરૂરી તૈયારી કરી લેવા અનુરોધ કરાયો છે. દરિયાકાંઠાના ધોલાઈ બંદરેથી માછીમારી કરવા દરિયામાં ગયેલા તમામ બોટોને પરત બોલાવવામાં આવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ઉદભવેલ તૌકતે વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

દૂર દરિયામાં ઉઠેલું વરસાદી વાવાઝોડું લક્ષદ્રીપ તરફથી આગામી 16 થી 18મી મે દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અથડાવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જેથી નવસારી જિલ્લામાં આવેલા 52 કિલોમીટરના દરિયાકિનારા પર આવેલા ગામોને એલર્ટ જાહેર કરાયા છે. વાવાઝોડું સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડાની ગતિવિધિ અને તે કેટલા વિસ્તારને ઘમરોળશે તે અંગેનું સતત મોનિટરિંગ અને તાગ મેળવાઈ રહ્યો છે. અધિકારીઓ સાથે મિટિંગોનો દોર સતત ચાલી રહ્યો છે.

વહીવટીતંત્ર કોઈપણ આફતને પહોંચી વળવા સજ્જ બન્યું છે. જરૂરી દરેક ટીમોને આકસ્મિક સમયે તુરંત પહોંચી વળવા સૂચના આપી દેવાઇ છે. આ તૌકતે વાવાઝોડા અંતર્ગત નવસારી કલેક્ટર કચેરીએ શુક્રવારે બેઠક મળી હતી. જેમાં જલાલપોર તાલુકાના 26 અને ગણદેવી તાલુકાના 10 ગામોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. વાવાઝોડા સાથે ભારે પવન અને વરસાદની પણ સંભાવના હોવાથી લોકોને બિનજરૂરી બહાર કામ વગર નહીં નીકળવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

હાલ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ મધદરિયે જ વાવાઝોડુ શાંત થાય તો વાવાઝોડાની દહેશત ટળી શકે છે છતાં વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સાબદુ બન્યું છે. ધોલાઈ બંદરેથી માછીમારી કરવા નીકળેલી બોટોને પરત ફરવા અને દરિયો ન ખેડવા ખેડૂતોને ફિશરીઝ વિભાગે સૂચના આપી છે. આ વિસ્તારમાં અધિકારીની નિમણૂક કરી તલાટી-સરપંચને એલર્ટ કરાયા હતા. વાવાઝોડાનું સંકટ નહીં ટળે ત્યાં સુધી તલાટીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તેમજ બદલાતી સ્થિતિની વિગતો મોકલવા સૂચના અપાઈ હતી. જિલ્લા તાલુકા વહીવટી ટીમો સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

ધોલાઈ બંદરેથી 500 બોટ માછીમારી કરવા જાય છે
ધોલાઇ બંદર પરથી 500થી વધુ બોટ દરિયામાં માછીમારી કરવા જતી હોય છે. જેમને આ તૌકતે વાવાઝોડાને પગલે તેમનો સંપર્ક કરી ધોલાઈ બંદર પર પરત આવવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. અમુક ખલાસીઓએ પોતાની બોટ ઓખા, પોરબંદર અને વેરાવળ જેવા બંદરો ઉપર લગાવીને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે.

કાંઠાના આ 36 ગામને એલર્ટ કરાયા છે
જલાલપોર તાલુકાના દાંતી, દીપલા, ઉભરાટ, વાંસી, બોરસી, માછીવાડ, દાંડી, સામાપોર, મટવાડ, કરાડી, ઓંજલ માછીવાડ, કૃષ્ણપુર, પનાર, કણિયટ-ચોરમલાભાઠા, કનેરા, ચીજગામ, ભીનાર, દેલવાડા, આટ-ખંભલાવ, સુલતાનપુર, મગોબભાઠા, પરસોલી, માંગરોળ, મછાડ, નિમલાઈ અને ગણદેવી તાલુકા દરિયાકિનારાના કાંઠા વિસ્તારનાં ધોલાઈ, બીગરી, પોંસરી, મેંધર ભાટ, માસા, મોવાસા, માછીયાવાસણ, વાડી, ભાગડ ગામને એલર્ટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...