હર્ષ સંઘવિની પ્રતિક્રિયા:નવસારીની યુવતીના કથિત આપઘાત પ્રકરણમાં હર્ષ સંઘવીએ આખરે મૌન તોડ્યું, આરોપી પકડાશે તેવી હૈયાધારણા આપી

નવસારી14 દિવસ પહેલા
  • નવસારીની યુવતી સાથે વડોદરામાં અજુગતી ઘટના બન્યા બાદ ટ્રેનમાં તેની લાશ મળી આવી હતી

સુરતમાં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યારે આજરોજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સ્વ.ગ્રીષ્માના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે ગૃહ રાજ્ય મંત્રીએ નવસારીની યુવતીના કથિત આપઘાત મામલે પણ પ્રતિક્રિયા આપી હતી અને નવસારીની યુવતનીને પણ ન્યાય મળશે તેવી હૈયાધારણા આપી હતી.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.5મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને આજરોજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સ્વ.ગ્રીષ્માના પરિવારજનોના નિવાસસ્થાને જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં. ગ્રીષ્માના હત્યારાને ખૂબ જ ઝડપથી ફાંસીની સજા મળશે તેવું તેના પરિવારને આપેલું વચન પૂર્ણ થવાનો મંત્રીએ સંતોષ વ્યકત કર્યો હતો. આ દરમિયાન પત્રકારોને જવાબ આપતી વેળાએ નવસારીની યુવતીને પણ ન્યાય મળશે તેવી પ્રતિક્રિયા આપી હતી અને આ સમગ્ર કેસને ઉકેલવા માટે હજી ટીમો કામે લાગી હોવાની વાત તેમણે કરી હતી.

પીડિત પરિવારજનો
પીડિત પરિવારજનો

નવસારીની યુવતીના કથિત આપઘાત મામલે પીડિત પરિવારને મળવા માટે સર્કિટ હાઉસમાં ગૃહ મંત્રી ગયા હતા ત્યારે તેમણે પરિવારને હૈયાધારણા આપી હતી અને આરોપી વહેલી તકે પકડાઈ જશે તેવી હૈયાધારણા આપી હતી. આ સમગ્ર કેસને છ મહિના વિતવા છતાં પણ આરોપીઓ ન પકડાતાં નિર્ભયાની માતા હતાશ થઈ હતી અને તેમણે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, મારી દીકરીના હત્યારાઓ ક્યારે પકડાશે.

નવસારીની યુવતી વડોદરાની ઓએસિસ સંસ્થામાં ફેલોશિપનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે તેની સાથે 29 મી ઓકટોબરે વડોદરામાં કંઈ અજુગતી ઘટના બને છે અને ત્યારબાદ તે 31મી ઓક્ટોબર ઘરે પરત ફરે છે. જે બાદ 3જી નવેમ્બરે બપોરે સુરત કોઈ કામ અર્થે જાય છે અને ત્યાંથી કોઈ પ્રાઈવેટ કંપની નોકરી મેળવવા માટે ફોન કરે છે. તે જ રાત્રિએ તેનું ભેદી સંજોગોમાં મોત થાય છે. આ સમગ્ર મામલે વડોદરા, વલસાડ, અમદાવાદ સહિત રાજ્યની તમામ મોટી તપાસ એજન્સીઓ તેની આત્મહત્યા કે હત્યાની તપાસમાં જોતરાય છે છતાં 6 મહિના બાદ પણ પોલીસના હાથ ખાલીના ખાલી જ છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં ઓએસિસ સંસ્થા સામે શંકાની સોય અનેકવાર ટાંકવામાં આવી હોવા છતાં સંસ્થા સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું યુવતીની માતા કહી રહી છે.

આ ઘટના સમયે ગુજરાતની ટોપ મોસ્ટ પોલીસની એજન્સીઓ આ કેસ ઉકેલવા માટે કાર્યરત હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તપાસમાં ઢીલ આવતી ગઈ હોય તેમ પરિવાર માની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...