તાતને હાશ:ઉનાઈ માઇનોર કેનાલમાં સિંચાઇનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ માઈનોર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને વર્ષો બાદ સિંચાઇ માટે પાણી મળવાની શરૂઆત થઇ છે. - Divya Bhaskar
ઉનાઈ માઈનોર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને વર્ષો બાદ સિંચાઇ માટે પાણી મળવાની શરૂઆત થઇ છે.
  • વર્ષ-1982માં બનેલી ઉનાઇ માઇનોર કેનાલમાં ટેસ્ટીંગ બાદ પ્રથમવાર સિંચાઇનું પાણી આપવામાં આવ્યું, ઉનાઇ પંથકના ખેડૂતોને હવે સિંચાઇનો લાભ મળશે

1982માં ઉનાઈ માઇનોર કેનાલ બન્યા બાદ પ્રથમવાર સિંચાઈનું પાણી આપવામાં આવતા ઉનાઈ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. બારતાડ, ચરવી, ઉનાઈ,સિણધઈ જેવા ગામોમાંથી પસાર થતી ઉનાઈ માઇનોર કેનાલ દ્વારા સિંચાઇનું પાણી મળી રહે એ હેતુથી બનાવવામાં આવી હતી. જોકે વર્ષો બાદ પણ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નહીં હોય તેમજ દર વર્ષે તંત્ર દ્વારા કેનાલ રિપેરીંગ કરવામાં આવતી હતી.

જેથી આ વર્ષે ઉનાઈ પંથકના ખેડૂતોએ કેનાલના રિપેરીંગ મુદ્દે વિરોધ કરી લેખિત રજૂઆત કરી હતી કે જો કેનાલમાં સિંચાઈનું પાણી આપવામાં આવતું નહીં હોય તો ખોટા ખર્ચ કરવાનો શું ફાયદો એમ કહી ખેડૂતોએ કેનાલનું કામ બંધ કરાવી દીધું હતું. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં 9મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલને પગલે નહેર ખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતો સાથે ચર્ચાવિચારણા કરી જેમ બને તેમ માઇનોર કેનાલનું કામ જલ્દી પૂર્ણ કરી એપ્રિલ એન્ડિંગ સુધીમાં નહેરમાં પાણી છોડવામાં આવે એવી બાંહેધરી આપી હતી.

જે બાદ ઉનાઈ માઇનોર કેનાલનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું પરંતુ કામગીરીમાં થોડો સમય થતા આખરે મે મહિનામાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જોકે હાલમાં ચોમાસુ નજીક હોય છેલ્લા રોટેશન પ્રમાણે હાલમાં એક સપ્તાહ સુધી સિંચાઈના પાણીનો લાભ ઉનાઇ પંથકના ખેડૂતોને મળશે આવતા વર્ષે ઉનાળામાં રેગ્યુલર રોટેશન પ્રમાણે પાણી આપવામાં આવશે.

એપ્રિલમાં ટેસ્ટીંગ કરી હાલ પાણી આપવામાં આવી રહ્યું છે
ઉનાઈ માઇનોર કેનાલ મુદ્દે ખેડૂતો દ્વારા થયેલા વિવાદ બાદ ખેડૂતો સાથે મુલાકાત કરી સિંચાઈનું પાણી આપવા માટે અમે બાંહેધરી આપી હતી. જે બાદ ઉનાઈ માઇનોર કેનાલની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી એપ્રિલમાં ટેસ્ટિંગ કરી હાલમાં રોટેશન પ્રમાણે સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે તેમજ આવતા વર્ષે ઉનાળામાં રાબેતા મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવશે. >આર.આર.ગાવિત, કાર્યપાલક ઈજનેર, જૂજ ડેમ વાંસદા

વાંસદા કાર્યપાલક ઈજનેરે કામગીરી વહેલી પૂર્ણ કરવા તાકીદ કરી હતી
વાંસદા કાર્યપાલક ઈજનેર આર.આર.ગાવિત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉનાઈ માઇનોર કેનાલમાં એપ્રિલમાં ટેસ્ટિંગ કર્યા બાદ સિંચાઈનું પાણી આપવાનું હોય કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. જે બાદ રાત દિવસ યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી માઈનોર કેનાલમાં સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું. -હિરેનભાઈ, કોન્ટ્રાકટર

આવતા વર્ષે પણ આજ રૂટિન પ્રમાણે પાણી મળે એવી તમામ ખેડૂતોને આશા
ઉનાઈ માઇનોર કેનાલમાં આટલા વર્ષોબાદ સિંચાઈનું પાણી આપવામાં આવ્યું એ ખુબજ મહત્ત્વની બાબત છે. ખેડૂતોનો વિરોધ તેમજ મીડિયા દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો જેને લઇ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી માઇનોર કેનાલમાં ઉનાઇ પંથકના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શક્યો છે. આ વિસ્તારના ખેડૂતો માટે મહત્ત્વની બાબત છે. આવતા વર્ષે પણ આજ રૂટિન પ્રમાણે પાણી મળશે એવી આશા રાખીએ છીએ. -મનિષભાઈ પટેલ, સરપંચ, ઉનાઈ

અન્ય સમાચારો પણ છે...