ચીખલી તાલુકામાં કોંગ્રેસને મળેલ મતોમાં ભારે અસમાનતા જોવા મળી છે જ્યાં વાંસદા બેઠકના અડધા તાલુકામાં કુલ મતોમાં અડધોઅડધ મળ્યા ત્યાં ગણદેવી બેઠક પર માત્ર 10થી 15 ટકા જ મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં પરિણામ તો મહદઅંશે ધારણા મુજબ આવ્યાનું કહેવાય છે પણ લીડ એ ઘણાંને ચોંકાવી દીધા છે.
ચીખલી તાલુકાના મતોમાં તો ભારે અસમાનતા જોવા મળી છે. આ તાલુકામાં વાંસદા તાલુકા જેટલા આદિવાસી મતદાર તો નથી પણ 70 ટકા જેટલા તો છે જ. આ તાલુકો લગભગ અડધો અડધો બે બેઠકમાં વહેંચાયેલો છે. 35 જેટલા ગામો વાંસદા બેઠકમાં તો 33 જેટલા ગામો ગણદેવી બેઠકમાં છે. જો કે આ તાલુકામાં પડેલ મતોમાં રાજકીય દૃષ્ટિએ ભારે અસમાનતા જોવા મળી છે.
આ અંગેની વિગતો જોઈએ તો વાંસદા બેઠક ઉપરના ચીખલી તાલુકામાંથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને કુલ મતદાનમાં લગભગ સરેરાશ 45થી 55 ટકા જેટલા સારા મતો મળ્યા અને સારી લીડ પણ કોંગ્રેસને મળી હતી. જોકે આજ તાલુકામાંથી ગણદેવી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને ઓછા મત મળ્યા છે. અહી કુલ મતદાનમાં સરેરાશ 10થી 15 ટકા જ મત મળ્યા છે. જોકે કેટલાક બુથ પર 30 ટકા યા તેથી વધુ પણ મળ્યા છે અને કેટલાક પર 8 ટકાથી ઓછા પણ મળ્યા છે. લોકોએ પક્ષ નહિ ઉમેદવાર જોઈએ મત આપ્યા યા અન્ય કોઈ કારણ હતું એ ચર્ચાનો જ વિષય છે.
અનંત પટેલ વાંસદા બેઠક તો સારી લીડથી જીત્યા પણ વાંસદા નગરમાં હાર્યા
ગુરુવારે જાહેર થયેલ પરિણામના વાંસદા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પટેલનો 34 હજારથી વધુ મતોથી વિજય થયો હતો. જોકે, વાંસદા નગરમાં ભાજપના ઉમેદવારને તેમના કરતાં વધુ મત મળ્યા હતા. કુલ 10 બૂથમાં 2 બુથ પર જ અનંત પટેલે લીડ મેળવી હતી. અન્ય 8 બુથ ઉપર પાછળ રહ્યા હતા.
બે MLA મળ્યા તે આટમાં 81% મત ભાજપને
આ વખતે નવસારી જિલ્લાના એક ગામને બે ધારાસભ્ય મળ્યા છે. જલાલપોર બેઠકના વિજયી ભાજપના ઉમેદવાર આર સી પટેલ તો આટ ગામના છે, પણ નવસારી બેઠકના વિજયી ઉમેદવાર રાકેશ દેસાઈ પણ મૂળતઃ આટ ગામના જ છે. તેઓ ભલે નવસારી કેટલાક સમયથી રહે છે પણ આટમાં જ તેમની જમીન અને ઘર પણ છે. બે-બે ધારાસભ્યવાળા આ ગામના મતદારોએ પણ ભાજપને ખોબે ખોબે મત આપ્યા હતા. કુલ મતદાનમાં 81 ટકા મત ભાજપના ઉમેદવારને જ મળ્યા હતા.
ઉમેદવાર બીલીમોરાનો પણ શહેરમાં કોંગ્રેસ ધોવાઇ
ગણદેવી બેઠક ઉપર કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે બીલીમોરાના રહેવાસી અશોક પટેલને ઉતાર્યા હતા. જોકે, પરિણામ જોતા શહેરના તમામ બુથો ઉપર કોંગ્રેસ પક્ષને હરિફ ભાજપ કરતા ઓછા મત મળ્યા હતા. અશોક પટેલ હાલ બીલીમોરા પાલિકામાં કાઉન્સિલર પણ છે અને પાલિકાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.