વિવાદ:સરકારે ગાઇડલાઇનને અવગણીને ક્વોરી અને ક્રશર પ્લાન્ટને મંજૂરી આપતા આંદોલનની ચીમકી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BTTS એ CMને ઉલ્લેખીને ચીખલી મામલતદારને આપેલું આવેદન પત્ર

ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા ક્વોરી ક્રશર પ્લાન્ટને સરકારની ગાઈડલાઈન અવગણીને આપેલી પરવાનગીથી ગામના લોકોને (આદિવાસીઓને) થતી તકલીફો બાબતે મુખ્યમંત્રી ને ઉદ્દેશીને ચીખલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાના મંત્રી પકજ એલ.પટેલ, નાનુભાઈ પટેલ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ, વત્સલ પટેલ, અક્ષય પટેલ સહિત અગ્રણીઓએ ચીખલી મામલતદારને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં અંદાજે 100 જેટલી ક્વોરી અને ક્રશર પ્લાન્ટ આવેલા છે.

જે પ્લાન્ટ સરકારે નક્કી કરેલી ગાઈડલાઈનને અવગણીને મંજૂરી આપી છે. આ ગામમાં આવેલા ક્વોરીમાંથી સતત પાણી ઉલેચીને બહાર ફેંકવામાં આવે છે. જે કુદરતી પાણીના લેવલને ડિસ્ટર્બ કરે છે, જેના કારણે આ ગામના ખેડૂતોને તથા ખાવા-પીવાના પાણીની તકલીફ પડે છે. જો આવા જ સંજોગો રહ્યા તો લોકોએ સ્વંય પાણીનો બગાડ થતો અટકાવવા ક્વોરી ઉપર પહેરો (ચેકિંગ) કરવાની ફરજ પડશે.

ક્વોરીનો આદિવાસી વિસ્તાર (અનુસુચિ નં.5) વિસ્તારમાં આવેલો છે, જેથી આદિવાસીના બંધારણીય અધિકાર પણ છીનવામાં આવ્યા છે. મોટાભાગની ક્વોરીના માલિક બિનઆદિવાસી છે. આ વિસ્તારમાં આવેલ ગામના આદિવાસીઓને યોગ્ય રોજગારીની તકો પણ આપી નથી. ફક્ત મજુરી કરવા જ આદિવાસીઓનો ઉપયોગ થાય છે તથા ક્વોરીના ઠેકા, ઓફિસમાં કે ટ્રાન્સપોર્ટમાં પણ સ્થાનિકને નકારવામાં આવે છે.

ક્વોરીની મંજૂરી પહેલા તપાસ જરૂરી
અત્યારે ક્વોરી માલિકો ક્વોરી ઝોનની માંગણી કરી રહ્યાં છે. અમારી અગાઉની અરજીમાં ક્વોરીની કરવાની માંગણી કરવામાં આવેલી તેનો સરકાર તરફથી કોઈ અમલ નથી. જો ક્વોરીની માપણી કરવામાં આવે તો ઘણા મોટો કૌભાંડો બહાર આવે એમ છે. જે ક્વોરી પર્યાવરણની મંજૂરી (એ.સી.) પૂરી થઈ હોય તેને ફરીથી રિન્યુ આપતાં પહેલા પૂરી તપાસ કરવી જોઈએ. ચીખલી-વાંસદા હાઈવે જાણે કવોરી માટે જ બન્યો હોય એમ લાગે છે. રોડની બન્ને તરફ નજીકમાં પ્લાન્ટની મંજૂરી આપેલી છે જે આ વિસ્તારની પ્રજાને જાનનું જોખમ ઉભું કરે છે. ઉપરાંત રસ્તો દેખાતો નથી. આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય નહીં લેતો આગામી સમયમાં આંદોલન કરીશું. - પંકજ પટેલ, મહામંત્રી, BTTS ગુજરાત રાજ્ય

અન્ય સમાચારો પણ છે...