નિમણુંક:ભારત સરકારે કેરસી દેબુની નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના સભ્ય તરીકે નિમણુંક કરી, પારસીઓની વસતી દેશમાં વધે તેવા પ્રયત્નો કરવા કેરસી દેબુની હાકલ

નવસારી2 મહિનો પહેલા
  • દેશમાં અન્ય જ્ઞાતિઓની સરખામણીએ પારસી જ્ઞાતિની વસતી સતત ઘટી રહી છે
  • સરકાર દ્વારા જીયો પારસી નામની યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવ્યું
  • ગુજરાત માઇનોરિટીઝ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ડિરેક્ટર પણ રહી ચુક્યા છે કેરસી દેબુ

નવસારીમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટી સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા એવા પ્રતિષ્ઠિત એડવોકેટ કેરસી દેબુની ભારત સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે તેમણે પારસીઓની વસતી દેશમાં વધે તેવા પ્રયત્નો કરવા માટેની હાકલ કરી હતી.

દેશમાં અન્ય જ્ઞાતિઓની સરખામણીએ પારસી જ્ઞાતિની વસતી સતત ઘટી રહી છે, જેના કારણે સરકારે તેમની વસ્તી વધે તે માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે. સાથે જ જીયો પારસી નામની એક યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે.આ માયનોરિટી કમીશનમાં દેશની લઘુમતી જ્ઞાતિઓના વિકાસ માટે સકારાત્મક અને વિવિધ હિતવર્ધક કાર્ય કરવામાં આવશે. ત્યારે પારસી જ્ઞાતિના ઉત્થાન માટે નવસારીમાંથી કેન્દ્રીય કક્ષાએ કેરસી દેબુની નિમણુંક થવા પામી હતી. ત્યારે દિવ્યભાસ્કરે તેમને પારસી જ્ઞાતિમાં વસ્તી વધારાને લઇને પૂછેલા પ્રશ્નોને લઈને તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આગામી સમયમાં તેમની વસ્તી વધે તે માટે તેઓ આ કમિશનમાં કાર્ય કરશે તેવી વાત કરી હતી.

કેન્દ્ર સરકારે ગેઝેટ ઓફ ઇન્ડિયા બહાર પાડીને કેરસી દેબુની સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે વરણી કરી હતી. આ પહેલા રાજ્યમાં તેઓ ગુજરાત માઇનોરિટીઝ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના વર્ષ 2011થી 2015 સુધી ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અનેક સંસ્થાનોમાં તથા સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે. વર્ષ 1978થી તેઓ નવસારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા છે અને છેલ્લા 12 વર્ષથી તેઓ સેક્રેટરી ફરજ નિભાવી રહ્યાં છે.

આ સિવાય રોટરી આઇ ઇન્ટીટ્યુટ એન્ડ કોલેજ ઓફ ઓપ્થોમોલોજી, દાબુ જનરલ હોસ્પિટલ, નવસારી કેળવણી મંડળ, દિનશા દાબુ ચેરીટી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે તેઓ કાર્યરત છે. આ સાથે જ નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પણ તેઓ સભ્ય છે. તો નવસારી કૃષિ યુનિવર્સિટીના એનએસએસ પ્રોગ્રામના પણ તેઓ એડવાઇઝર છે. કેરસી દેબુની નિમણૂક થવાને કારણે પરિજનો, મિત્રવર્તુળ અને શહેરીજનોએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...