મહેસાણાના ચાર વિદ્યાર્થી અમેરિકામાં ઝડપાયા:નવસારીની હોટલમાં IELTSની પરીક્ષા આપી હતી, અંગ્રેજીનો A પણ આવડતો ન હોવા છતાં પરીક્ષામાં 8 બેન્ડ લાવી પાસ થયા

નવસારી13 દિવસ પહેલા
  • મહેસાણામાં IELTS પરીક્ષા કૌભાંડના તાર નવસારી સાથે જોડાયા, જે હોટલમાં પરીક્ષા આપી હતી તેના મેનેજર સહિતનાનું નિવેદન લેવાયું

મહેસાણાના ચાર વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર 2021માં IELTS(International English Language Testing System)ની પરીક્ષા આપી હતી. અંગ્રેજી આવડતું ન હોવા છતાં પણ IELTSમાં 8 બેન્ડ લાવી પાસ થયા હતા. ત્યારે આ વિદ્યાર્થીઓને અંગ્રેજીનો A પણ આવડતો નહીં હોવાનું સામે આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી. જે બાદ મહેસાણા પોલીસ તપાસમાં જોતરાઈ છે. આ મામલે હવે IELTS પરીક્ષા કૌભાંડના તાર નવસારી સાથે જોડાયા છે.

હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી
નવસારીની હોટલ ફન સીટીમાં ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સીટી સાથે વાર્ષિક ટાયઅપ કરવામાં આવ્યું છે અને અહીં મહિનામાં એક અથવા બે વાર પરીક્ષા લેવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે.

પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ન મળ્યાં
ગત 24 સપ્ટેમ્બર 2021 માં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આ ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ એ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાંબો સમય હોવાથી મળ્યા નથી. જેથી પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસને વેગ આપ્યો છે. જેમાં આજે IELTSના કર્મચારીઓને મહેસાણા બોલાવ્યાં હોવાનું પણ જાણવા મળ્યુ છે.

આશુતોષ તિવારી, મેનેજર, હોટલ ફન સીટી
આશુતોષ તિવારી, મેનેજર, હોટલ ફન સીટી

શું છે સમગ્ર મામલો?
મહેસાણા, વીસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થી વિદેશ જવા માટેની IELTSના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતા, જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઈ, યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થી અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા.

અમેરિકન એમ્બેસીએ પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી
IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી વિદેશ પહોંચેલા આ વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકતા ન હોવાથી શંકા જતાં અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. મુંબઈ સ્થિત ભારત એમ્બેસીના ચોંગલે મેજબિન એમ નામના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો, જેને પગલે એસપી અચલ ત્યાગીએ એસઓજીને તપાસ સોંપી હતી. પીઆઇ ભાવેશ રાઠોડ અને ટીમે તપાસ શરૂ કરી અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીનાં પરિવારજનો, એજન્ટો સહિતનાં નિવેદનો લેતાં IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાનું મનાય છે.

મહેસાણા એસઓજીના પીઆઈ ભાવેશ રાઠોડે જણાવ્યું હતું કે, 31 મેના રોજ અમને તપાસ સોંપાઇ હતી, જેમાં ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનો અને ભારતથી કેનેડા મોકલનારા સહિત બે એજન્ટનાં નિવેદન લીધાં છે, જેમાં ચારેય વિદ્યાર્થી કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વિના ડાયરેક્ટ IELTSનું સેટિંગ કરી વિદેશ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થી

1. પટેલ ધ્રુવ રસિકભાઈ

(રહે.પરાવાસ, માંકણજ, તા.મહેસાણા)

2. પટેલ નીલ અલ્પેશકુમાર

(રહે.ધામણવા, તા.વીસનગર)

3. પટેલ ઉર્વીશ શૈલેષભાઈ

(રહે.રામનગર, ખદલપુર, તા.જોટાણા)

4. પટેલ સાવન રાજેન્દ્રકુમાર

(રહે.સાંગણપુર, તા.જિ. મહેસાણા

અન્ય સમાચારો પણ છે...