નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં જ્વેલર્સ સાથે NEFT ટ્રાન્જેક્શનનો ખોટો મેસેજ બતાવી ગઠીયાએ 1 લાખ 20 હજાર રૂપિયાની સોનાની ચેન પડાવી હતી. જલાલપોલ પોલીસે છેતરપિંડી કરનારા સુરતના ભેજાબાજની ધરપકડ કરી છે. જ્યારે તપાસમાં આરોપીએ અમરેલી,અમદાવાદ અને સુરતમાં પણ છેતરપિંડી કર્યાની વાત સામે આવી છે.
પોતાની જાળમાં ફસાવી સોનાની ચેન મેળવી
જલાલપોરમાં રહેતા 38 વર્ષે જીતેન્દ્રકુમાર ધનજીભાઈ કોરાટની ભવાની જ્વેલર્સ નામની દુકાન આવેલી છે જ્યાં તેઓ વર્ષોથી જ્વેલર્સનો વેપાર કરે છે. ગયા વર્ષે 24મી ઓક્ટોબરના રોજ સાંજના આશરે 6:30 વાગ્યે તેમના મોબાઈલ પર મનીષ પટેલ નામના ગઠિયોનો ફોન આવ્યો હતો. તે ફોન પર જણાવે છે કે હું નવસારીના એરુ ચાર રસ્તા પાસે આવેલા અવધ બંગલોમાં રહું છું અને મારે તાત્કાલિક સોના મઢેલ રુદ્રાક્ષની માળા જોઈએ છે. જેથી વેપારીએ તે ન હોવાની વાત કરતા ગઠિયો સોનાની ચેન પણ ચાલશે તેવું કહ્યું હતું. જેથી વેપારીએ whatsapp પર ચેનનું સેમ્પલ મોકલ્યું હતું. મનીષને આ સેમ્પલ ગમી જતા તેણે હું બારડોલીથી આવું છું ચેન તૈયાર રાખો તેવી વાત થઈ હતી. ગઠિયો સાંજે વેપારીના ઘરે આવીને સોનાના ચેનની ડિલિવરી લઈ લેતા પહેલા પોતાના મોબાઈલ ફોનમાંથી NEFT દ્વારા પૈસા સેન્ડ થઈ ગયા હોવાનો મેસેજ બતાવ્યો હતો અને વેપારીનો ભરોસો મેળવતા ચેન મેળવી હતી.
આરોપીએ અન્ય જગ્યાએ પણ ગુનાઓ આચર્યા
અડધો કલાક વિતવા છતાં પણ જ્વેલર્સ વેપારીના ખાતામાં પૈસા ન આવતા ફોન કરતા મનીષ પટેલે બીજા એકાઉન્ટમાંથી પૈસા નાખવાની વાત કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. થોડા સમયમાં જ્વેલર્સને પોતે ઠગાયા હોવાની અહેસાસ થતાં જલાલપોર પોલીસ મથકે ફરિયાદ કરતા જલાલપુર પોલીસે સુરત રહેતા ભેજાબાઝ મનીષ પટેલની ધરપકડ કરીને આવા જ પ્રકારના અમદાવાદ, અમરેલી અને સુરતમાં આચરેલા ગુનાને પણ ઉકેલ્યા છે.
કોર્ટે ચાર દિવસની રિમાન્ડ મંજૂર કરી
જલાલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જલાલપોર પોલીસે નવસારી સહિત ચાર જિલ્લાના ગુનાઓ ઉકેલ્યા છે, પરંતુ રાજ્યના બીજા અન્ય શહેરોમાં આવા પ્રકારના ગુના આચર્યા છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.