ગાંધી વિચાર:ગાંધીજીના જીવન મૂલ્યોને ઘરે ઘરે પહોંચાડવાનો સંકલ્પ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંડીથી દિલ્હી સુધીની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવતા BSFના આઇજી અને કુલપતિ

ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં ભારત કી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે બી.એસ.એફ.ગુજરાત ફ્રન્ટીયર ગાંધીનગર દ્વારા દાંડીથી રાજઘાટ દિલ્હી સુધીની સાયકલ રેલીને સોમવારે રાષ્ટ્રીય નમક સ્મારક દાંડીથી બી.એસ.એફના ઇન્સ્પેકટર જનરલ જી.એસ.મલીક તથા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડ પી.પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી અંકલેશ્વર, કરજણ, આણંદ, અમદાવાદ, મહેસાણા, દાંતીવાડા, આબુરોડ, સીરોહી, સુમેરપુર, પાલી, રાજપુર, અજમેર, દુદુ, જયપુર, શાહપુરા, બેહરોર, માનેસર પસાર કરી 2જી ઓકટોબરે રાજઘાટ પહોંચશે.

આ અવસરે બી.એસ.એફ.ના આઇ.જી. જી.એસ.મલીકે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા માટે આઝાદીકા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહવાન કર્યું હતું. તેમણે પૂ.બાપુની દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરી દેશના સ્વાધિનતા સંગ્રામમાં દાંડીયાત્રા દીવાદાંડી સમાન સાબિત થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂ. મહાત્મા ગાંધીની દાંડીયાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની એક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી દેશની આઝાદીના લડવૈયાઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ સમાન છે. પૂ. ગાંધીબાપુના જીવનમૂલ્યો સત્ય, અહિંસા, સ્વચ્છતાના સંદેશાને જન-જન સુધી પહોંચાડવા સાથે આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, ગ્રીન વિલેજ અંગે જાગૃત કરવા આયોજીત આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ રેલી પૂજ્ય બાપુનાં સત્ય અને અહિંસાના વિચારો વિશ્વના ખુણે-ખુણે પહોંચાડશે.

અંદાજિત 1308 કિ.મી. લાંબી આ રેલીમાં બીએસએફના જવાનો સહભાગી થયા છે તે તમામને મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બીએસએફના જવાનો દ્વારા દેશભકિતના ગીત પર નૃત્ય, બી.એસ.એફ.બેન્ડ દ્વારા ગાંધીજીના પ્રિયભજનોની સુરાવલી, ફયુઝન સહિતના કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, બી.એસ.એફના વરિષ્ઠ અધિકારીઓ તેમજ જવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...