તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજથી 91 વર્ષ પૂર્વે છઠ્ઠી એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી નમકના કાળા કાયદાનો ભંગ કરી બ્રિટીશ સલ્તનતના પાયાને લૂણો લગાડ્યો હતો. ભારતની આઝાદીની ચળવળની આ ગૌરવવંતી ઘટના ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થઇ હતી. ગાંધીજી માટે તે સમયે મીઠુ સંતાડી રાખનાર યુવાન એટલે જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામનો છીબુભાઇ કેશવજી પટેલ સી.કે.ના હુલામણાં નામથી કાંઠા વિસ્તાર અને કોળી સમાજમાં પંકાયેલા આ યુવાનના પરાક્રમથી સમગ્ર કાંઠો વિસ્તાર આજે ગૌરવ અનુભવે છે.
દાંડીમાં મીઠાના અગરો જ નહોતા
સુલતાનપુર ગામના બોરી ફળિયાના વતની પ્રખર ગાંધીવાદી એવા 94 વર્ષીય હીરાભાઇ વાલા પટેલ કે જેમણે છીબુભાઇ કેશવજીની આગેવાનીમાં વર્ષો સુધી સાથે કામ કર્યુ હતું. તેમની સાથે થયેલી એક મુલાકાતમાં તેઓ છીબુભાઇ કેશવજી અંગે માહિતી આપતા જણાવે છે કે ગાંધીજી જયારે નમક સત્યાગ્રહ માટે દાંડી આવ્યા તે સમયે દાંડીમાં કોઇ મીઠાંના અગરો ન હતા. દરિયા કિનારાની આસપાસની ખારખાંજણની જગ્યામાં જે દરિયાઇ ભરતીના પાણી ભરાતાં હતાં તેમાં કુદરતી રીતે જે મીઠું પાકતુ હતું તે મીઠું જ ત્યાં હતું.
અંગ્રેજોને સત્યાગ્રહની ખબર પડી ગઈ હતી
ગાંધીજી દ્વારા મીઠું ઉપાડી સત્યાગ્રહ કરવાની વાતને લઇને અંગ્રેજ સરકારે જે કુદરતી મીઠું પાકેલું હતું તેના ઉપર ઘોડા દોડાવી કે અન્ય રીતે આ મીઠુંને કાદવકીચડમાં ભેળવી દઇ રફેદફે કરી મીઠાંનો નાશ કરી દીધો હતો. ગાંધીજીના નમક સત્યાગ્રહમાં જોડાવા અને ગાંધીજીના દર્શન કરવા અમારા સુલતાનપુર, બોરી ફળિયાના કેટલાક યુવાનો 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી ગયા હતા. આ યુવાનો સાથે 1897માં જન્મેલા બોરી ફળિયાના વતની અને તે વખતે 33 વર્ષની ઉંમર ધરાવતા યુવાન છીબુભાઇ કેશવજી પટેલ પણ દાંડી ગયા હતા.
છીબુભાઈએ મીઠું ખાડામાં છુપાવી દીધું
તેમણે અંગ્રેજ પોલીસ દ્વારા મીઠાનો નાશ કરાતા દૃશ્યો દાંડીમાં નિહાળ્યા હતા.મીઠાંનો નાશ થતા દૃશ્યો જોઇ તેમના મનમાં એવો વિચાર આવ્યો હતો કે જો મીઠું ન રહેશે તો આવતીકાલે એટલે કે 6ઠ્ઠી તારીખે મહાત્મા ગાંધીજી મીઠું ક્યાંથી ઉપાડશે અને નમક સત્યાગ્રહ કેવી રીતે કરશે એમ વિચારી છીબુભાઇએ ખાર ખાંજણમાંથી અંગ્રેજ પોલીસો ન જુએ તે રીતે મુઠ્ઠી ભરી મીઠું શોધી લાવી કાદવમાં નાનો ખાડો ખોદી તેમાં મીઠું નાંખી તેના ઉપર ઝાડી ઝાંખરાના કાંટા નાંખી મીઠુંને સંતાડી દીધુ હતું.
ગાંધીજીએ આખરે ચપટી ભરી કાયદો તોડ્યો
બીજા દિવસે જ્યારે વહેલી સવારે ગાંધીજીએ દરિયામાં સ્નાન કરી નમક સત્યાગ્રહ માટેની તૈયારી કરી ત્યારે આસપાસ કોઇ જગ્યાએ મીઠું જોવા મળ્યું ન હતું. બસ એજ સમયે છીબુભાઇ કેશવજી ગાંધીજીને તેમણે આગલા દિવસે ખાડામાં સંતાડેલા મીઠાં તરફ દોરી ગયા અને ખાડા ઉપર નાંખેલા ઝાડી ઝાંખરાં ખસેડીને ગાંધીજીને મીઠું બતાવતાં ગાંધીજીએ વાંકા વળી ચપટી મીઠું ઉપાડયું. આસપાસ ઊભેલા સેંકડો લોકોએ ગગનભેદી હર્ષનાદ કર્યો નમક કા કાનૂન તોડ દિયા. ચપટી મીઠું હાથમાં લઇ યજ્ઞપુરૂષ ગાંધીજીએ ભવિષ્યવાણી ઉચ્ચારી કે બ્રિટીશ સામ્રાજયની ઇમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું.આમ છીબુભાઇ પટેલની સૂઝબૂઝના કારણે ગાંધીજી દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી નમક સત્યાગ્રહ કરવામાં સફળ થયા હતા.
છીબુભાઈએ રાષ્ટ્રીય શાળાની સ્થાપ્ના કરી હતી
ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી કરેલા નમક સત્યાગ્રહમાં છીબુભાઇ કેશવજી પટેલનું મહત્વ પણ ઓછું આંકી શકાય નહી. છીબુભાઇ પટેલે ધરાસણા સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. વધુમાં હીરાભાઇ પટેલ જણાવે છે કે છીબુભાઇ કેશવજીએ ઇ.સ.1921માં સુલતાનપુરના બોરી ફળિયા ખાતે રાષ્ટ્રીય શાળાની સ્થાપના પણ કરી હતી. તેના તેઓ જીવનપર્યત પ્રમુખ રહ્યા હતા. આ શાળામાં આઝાદી મળી ત્યારે સૌ પ્રથમ તિરંગો લહેરાવેલો તે સ્થંભ આજે પણ મોજૂદ છે. છીબુભાઇ પટેલનું 1989માં નિધન થયુ હતું. તેઓ જયાં સુધી જીવિત હતા અને સ્વસ્થ હતા ત્યાં સુધી રાષ્ટ્રીય શાળામાં તેમના હસ્તે જ ધ્વજવંદન કરવામાં આવતું હતું. તેઓ સુલતાનપુરથી બોરી ફળિયા સુધી બળદ ગાડામાં જ ધ્વજવંદન કરવા માટે આવતા હતા. છીબુભાઇ પટેલ સુરત લોકલ બોર્ડના પ્રમુખ પણ રહ્યા હતા.
દાંડીના ઇતિહાસમાં છીબુભાઇ વિસરાયાનું દુ:ખ
દાંડી ખાતે ગાંધીજીએ નમક સત્યાગ્રહ કરેલો તે સમયે ત્યાં સેંકડો લોકો હાજર હતા. તે પૈકીના એકમાત્ર છીબુભાઇ કેશવજીએ તેમની સૂઝબૂઝથી નમક સત્યાગ્રહ માટે મીઠું સંતાડી રાખવા જેવું ઉમદા કાર્ય કરેલું. જો કદાચ છીબુભાઇ કેશવજીને પણ અન્ય લોકોની જેમ મીઠું સંતાડી રાખવાનો વિચાર ન આવ્યો હોત તો ગાંધીજી માટે પણ ચપટી મીઠું ઉપાડી નમક સત્યાગ્રહ કરવો મુશ્કેલ બન્યો હોત પરંતુ આ કામ છીબુભાઇએ ગાંધીજી માટે સરળ કરી દીધું હતું અને જે ઇતિહાસ રચાયો તેના ભાગીદાર છીબુભાઇ પણ બની ગયા તેમ કહેવું કંઇ ખોટું નથી.
જોકે છીબુભાઇની નમક સત્યાગ્રહમાં ગૌરવપદ કામગીરી છતાં ઐતિહાસિક દાંડી ખાતે આ વાતને સમર્થન આપતી કોઇ જ તકતી કે છીબુભાઇની તસવીર જોવા મળતી નથી. દાંડીમાં બનેલા નમક સત્યાગ્રહ મેમોરિયલમાં છીબુભાઇ પટેલની એક તસવીર અને તેમણે નમક સત્યાગ્રહમાં ભજવેલી ભૂમિકાની તાસીર બતાવતી તક્તી મુકવામાં આવે તેવી કાંઠા વિભાગની જનતામાં માંગ ઉઠી છે ત્યારે પૂર્ણ થવી જોઈએ. -હર્ષદ પટેલ, સામાજીક કાર્યકર, બોરી ફળિયા, સુલતાનપુર
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.