કોરોના કહેર:નવસારીની બંને કોવિડ 19 હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર, તમામ સ્ટાફની કોરોના વોરિયર્સની ભૂમિકા

નવસારી3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઓછા કેસ બહાર આવ્યા છે ત્યારે હોસ્પિટલની સેવા, સુવિધા પૂરતી મળી રહેતા કોઇ ફરિયાદ સામે આવી નથી
 • હજુ સુધી 21 પોઝિટિવ દર્દી દાખલ, જોકે સરકારી અને ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં 100 -100 બેડ તૈયાર રખાયા છે

નવસારીની કોવિડ 19 હોસ્પિટલ બનાવેલ બંને સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોએ હાલ સુધી કોરોનાના દર્દીઓને સારી ટ્રીટમેન્ટ અને સુવિધા પૂરી પાડયાનું બહાર આવ્યું છે. કોરોના વાઈરસનો ભોગ બનેલા દર્દીઓને સારવાર આપવા માટે નવસારી જિલ્લામાં સરકારે ત્રણ હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ બનાવી હતી,જેમાં વાંસદાની ઉદિત હોસ્પિટલમાં તો બે કેસ જ દાખલ કરાયા છે,બાકીના 21 પોઝિટિવ દર્દીને નવસારીની સરકારી એવી નવસારી સિવિલ હોસ્પિટલ અને ખાનગી ટ્રસ્ટની એવી નવસારીમાં જ આવેલી યશફીન હોસ્પિટલમાં જ દાખલ કરાયા છે. નવસારીની બંને હોસ્પિટલમાં 100 -100 આઇસોલેસન બેડની સુવિધા હોવા છતાં જિલ્લામાં વધુ કેસ ન હોઈ અને 21 જ કેસ  દાખલ થયા હોય અપૂરતા બેડની બુમરાણ થઈ નથી.

સિવિલ તો સરકારી હોસ્પિટલ છે પણ ખાનગી ટ્રસ્ટની યશફીન સાથે પણ સરકારે કોવિડ 19 માટે કરાર કર્યો હોય ત્યાં પણ દાખલ કોરોનાના દર્દીને ટ્રીટમેન્ટ, ભોજન, રહેવાનું યા અન્ય કોઈ બાબતે એક પૈસો ચૂકવવાનો નથી. દર્દી વતી સરકાર જ ટ્રસ્ટની હોસ્પિટલને પણ નાણા ચૂકવશે એવો કરાર છે. ઉલ્લેખનીય બાબત એ છે કે વિનામૂલ્યે આ હોસ્પિટલોમાં સારવાર અપાતી હોવા છતાં દર્દીને સારી ટ્રીટમેન્ટ,સ્ટાફ-ડોકટરનો સહયોગ અને કેર, પૌષ્ટિક ભોજન આપવા સાથે હોસ્પિટલને અવારનવાર સેનીટાઈઝેશન પણ કરવામાં આવે છે. આ વાતો કોવિડ 19ના પોઝિટિવ દર્દીઓ કરી રહ્યા છે. આ તમામ બાબતોને લઈ 8 જણા તો કોરોનામુક્ત થઈ ગયા છે અને હજુ મૃત્યુ નોંધાયુ નથી.

સરકારી, ખાનગી હોસ્પિટલનું પેરામીટર

નવસારી સિવિલ હોસ્પિટલ

 • દૂધ, જ્યુસ સહિતનો પ્રોટીનયુક્ત ખોરાક
 • આખી હોસ્પિટલમાં ત્રણેક વખત સેનિટાઈઝેશન
 • 100 બેડની કેપેસિટી, હાલ 9 પોઝિટિવ દાખલ
 • કોવિડ-19 વિસ્તારમાં અન્ય રોગનો દર્દી નથી
 • એક દિવસમાં સેમ્પલ ચકાસણી રિપોર્ટ
 • પરિવાર સાથે ફોન ઉપર વાતચીત કરી શકાય

યશફીન હોસ્પિટલ (ખાનગી)

 • દૂધ,જ્યુસ સહિતનો પૌષ્ટીક આહાર
 • હોસ્પિટલમાં ત્રણ યા તેથી ય વધુ વખત સેનિટાઈઝેશન
 • 100 બેડની કેપેસિટી, હાલ 4 પોઝિટિવ દાખલ
 • કોવિડ-19 વિસ્તારમાં અન્ય રોગનો દર્દી નથી
 • એક દિવસ સેમ્પલ ચકાસણી રિપોર્ટ
 • પરિવાર સાથે ફોન ઉપર વાતચીત કરી શકાય

બંને હોસ્પિટલ ખાલી થઈ હતી
આમ તો નવસારીમાં બે હોસ્પિટલ થકી 200 બેડ કોવિડ-19ના દર્દી માટે તૈયાર રખાયા છે પરંતુ 8મો દર્દી કડોલીનો યુવાનને ડિસ્ચાર્જ કરાતા જિલ્લો કોરોનામુક્ત થઈ ગયો હતો અને નવસારીની બંને હોસ્પિટલમાં એકપણ કોરોના પોઝિટિવ રહ્યો ન હતો અને ખાલી થઈ ગઈ હતી.

ખરી કસોટી દર્દીઓ વધે ત્યારે
નવસારીમાં હોસ્પિટલની કેપેસિટીની સામે હજુ સુધી દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી હોય સુવિધા સારી અપાઇ રહી છે. જોકે, ખરી કસોટી અાગામી સમયમાં કદાચ દર્દીઓ વધે ત્યારે પણ હોસ્પિટલો આવી જ સારી સુવિધા આપે છે કે નહીં તે સમયે થશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જેવા શહેરોમાં દર્દીઓની સંખ્યા ખૂબ વધતા હોસ્પિટલની સેવા ખોરવાયેલી જોવા મળી રહી છે.

સિવિલમાં સારવાર-સગવડ સારી મળી
 હોસ્પિટલમાં જમવાનું સારુ મળતું હતું. રૂમમાં સારવાર ઉપરાંત પંખા સહિતની સગવડો નવી સિવિલમાં પરફેકટ હતી. ફોન ઉપર હું અવારનવાર વાત પણ કરી શકતો હતો. જોકે ઘણીવાર રૂમમાં હંુ ઝાડુ પોતા જાતે પણ કરી લેતો હતો. > દિનેશ રાઠોડ, જિલ્લાનો કોવિડ-19નો પ્રથમ પેશન્ટ, હાંસાપોર
યશફીનમાં ટાઈમ ટુ ટાઈમ બધુ મળતું હતું
 યશફીન હોસ્પિટલમાં ટાઈમ ટુ ટાઈમ જમવાની, ટ્રીટમેન્ટ વગેરે સુવિધા મળતી હતી. કોઈ જ તકલીફ પડતી ન હતી. પરિવારના લોકો સાથે ફોન ઉપર પણ વાત કરતો હતો. કોઈ ચાર્જ પણ લેવાયો ન હતો. - ઈશ્વરભાઈ પટેલ, કોવિડ-19નો પેશન્ટ રહેલ, નસીલપોર
હોસ્પિટલમાં સ્ટાફની સંતોષકારક સેવા
 યશફીન હોસ્પિટલમાં સ્ટાફ ખુબ સારો, મદદકર્તા હતો. રૂટીનમાં ગ્રીન ટી, ફ્રૂટ ડીશ સહિત બે ટાઈમ ભોજન, નાસ્તો તો અપાતો જ હતો સાથે મારી માગ મુજબ હળદરવાળુ દૂધ પણ અપાતું હતું. પરિવાર સાથે મોબાઈલ પર વાત પણ કરી શકતી હતી. - ડો. નેહલ સાકરીયા, કોવિડ-19 પેશન્ટ રહેલ, અંબાડા

અન્ય સમાચારો પણ છે...