નવસારી વિધાનસભા બેઠક ઉપર ડમી સિવાય 3 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.જિલ્લાની 4 બેઠક ઉપર 23 ઉમેદવાર રેસમાં રહ્યા છે. નવસારી જિલ્લાની 4 લોકસભા બેઠક ઉપર ઉમેદવારીપત્રક ભરવાની મુદત સોમવારે પૂર્ણ થયા બાદ મંગળવારે યુક્ત ચારેય બેઠકો ઉપર ભરાયેલ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી.
આમ તો અગાઉની ચૂંટણીઓની જેમ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં સત્તાવાર જાહેર થયેલ ઉમેદવાર કે જેમનો પક્ષે મેન્ડેટ આપ્યો તેમના ફોર્મ મંજૂર થયા હતા પણ તેમની સાથે યુક્ત પક્ષના જે ડમી ઉમેદવારે ફોર્મ ભર્યું તેમનો મેન્ડેટ નહીં હોય આપોઆપ રદ કરવામાં આવ્યા હતા.આવું ચારેય બેઠકો પર બન્યું હતું. નવસારી વિધાનસભા બેઠક ઉપર વધુ સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જોકે તેમાં ડમી સિવાય પણ 3 -3 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા,જેમાં 2 ફોર્મ તો રાજકીય પક્ષના નામે ભરાયા હતા.
એક ફોર્મ ગરવી ગુજરાત પાર્ટીના નામે અને બીજું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના નામે ભરેલા ઉમેદવારોના ફોર્મ એક યા બીજા કારણે રદ થયા હતા. આ ઉપરાંત એક અપક્ષ ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું હતું. ફોર્મ ચકાસણી થયા બાદ હવે જિલ્લાની 4 બેઠકો પર 23 ઉમેદવાર રહ્યાં છે.જેમાં બેઠકવાર જોઈએ તો નવસારીમાં 7, વાંસદા અને જલાલપોરમાં 6 -6 અને ગણદેવીમાં 4 ઉમેદવાર છે.
આપ લીગલ સેલ અગ્રણીનો બળવો
નવસારી જિલ્લામાં આ વખતે ચારેય બેઠકો ઉપર આમ આદમી પક્ષ પણ રેસમાં ઉતર્યું છે. જોકે જલાલપોર બેઠક ઉપર પક્ષમાં બળવો થયો છે. આપે સત્તાવાર ઉમેદવાર પ્રદીપ મિશ્રાને જાહેર કર્યા છે તો પક્ષના જિલ્લા લીગલ સેલના ઈનચાર્જ એડવોક્ટ અમિત કચવે એ હોદ્દા પરથી રાજીનામુ તો આપ્યું પરંતુ અપક્ષ તરીકે ઉમેદવારી પણ કરી દીધી છે.
17મીએ હજુ ઉમેદવારી ઘટી શકે છે
ફોર્મ ચકાસણી બાદ તો જિલ્લાની 4 બેઠકો ઉપર હાલ 23 ઉમેદવારો રેસમાં રહ્યાં છે પરંતુ 17મીએ ફોર્મ ખેંચવાની મુદત બાદ તેમાં વધુ ઘટાડો થવાની પૂરી શક્યતા છે, કારણ કે આપના ડમી ઉપરાંત અન્ય કોઈક અપક્ષ પણ ખેંંચી શકે છે. 17મી એ ઉમેદવારી પત્રક ખેંચવાનો દિવસ હોય તે દિવસે જ ઉમેદવારોની સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે તથા ચૂંટણીનો સિનારીયો પણ સ્પષ્ટ થશે.
આપના ડમીએ ફોર્મ ખેંચવું પડશે નહીં તો..
ફોર્મ ચકાસણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવારના ફોર્મ તો ધારાધોરણ મુજબ મેન્ડેટ નહીં હોય રદ થઈ ગયા હતા પરંતુ આમ આદમી પાર્ટીના કેસમાં આવુ બન્યું ન હતું. મેન્ડેટ વગરના બીજા ડમી ઉમેદવારના ફોર્મ ચારેય બેઠક પર રદ થયા નહીં. મળતી માહિતી મુજબ આપ એ ગુજરાતમાં રજીસ્ટર્ડ પક્ષ છે પણ હજુ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નહીં હોય ઉમેદવારના 10-10 ટેકેદાર ફોર્મમાં લીધા છે અને નિયમો મુજબ મેન્ડેટ વિનાના બીજા ઉમેદવારે ખેંચવું પડશે. જો નહીં ખેંચે તો અપક્ષ ઉમેદવાર તરીકે ‘ટ્રીટ’ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.