અનંત પટેલનું વિવાદિત નિવેદન:વાંસદાના પૂર્વ MLAએ ગણદેવીના ધારાસભ્યને 'નરેશમોગરી' કહ્યાં, નરેશ પટેલે કહ્યું- 8મીએ જનતા બદલો લેશે

નવસારી2 દિવસ પહેલા

વાંસદાના પૂર્વ ધારાસભ્ય અનંત પટેલે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલને તેમની માતાના નામ સાથે સંબોધી 'નરેશમોગરી' કહેતા પૂર્વ મંત્રી નરેશ પટેલ નારાજ થયા હતા. નરેશ પટેલે સ્ટેજ પરથી હુંકાર ભર્યો હતો. આદિવાસી સમાજ મારા વતી 8મી બદલો લેશે તેવું જણાવી નરેશ પટેલ ભાવુક થયા હતા. નરેશ પટેલની સ્વર્ગીય માતાનું નામ મોગરીબેન છે, ચૂંટણી પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય અનંત પટેલ આવેશમાં આવીને નરેશ પટેલને 'નરેશમોગરી 'અને નારંગી ગેંગના સભ્ય તરીકે સંબોધ્યા હતા. જેને લઈને નરેશ પટેલને આ સંબોધનથી લાગી આવ્યું હતું અને ચૂંટણીના પ્રચારમાં પોતાની સ્વર્ગીય માતા વિશે આ પ્રકારના શબ્દો બોલવામાં આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. આજે કેન્દ્રીય મંત્રી રૂપાલાનો પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્ટેજ પરથી પૂર્વ મંત્રી નરેશ પટેલે આદિવાસી જનતા 8મી તારીખે બદલો લેશે તેવો હુંકાર ભર્યો હતો.

​​​​​​પૂર્વ મંત્રી નરેશ પટેલ નારાજ થયા
ચૂંટણીના સમરાંગણમાં ક્યારેક ઉમેદવારો એકબીજા ઉપર વ્યક્તિગત આક્ષેપો કરતા હોય છે. જેને લઈને મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેક મનમાં ઊંડો ઘા કરતા હોય છે આવું જ કંઈક પૂર્વ મંત્રી નરેશ પટેલ સાથે થયું છે. ચૂંટણી જંગમાં વાંસદાના પૂર્વ ધારાસભ્ય અનંત પટેલે પૂર્વ મંત્રી નરેશ પટેલની માતાનું નામ સંબોધતા તેઓ નારાજ થયા હતા અને સ્ટેજ પરથી આદિવાસી જનતા બદલો લેશે તેવી વાત કરી હતી.

ચૂંટણી સભામાં અનંત પટેલે નરેશ પટેલની માતાના નામનો ઉલ્લેખ કર્યો
થોડા દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આવેશમાં આવીને નરેશ પટેલને નરેશમોગલી અને નારંગી ગેંગના સભ્ય તરીકે સંબોધ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ પૂર્વ મંત્રી નરેશ પટેલ પાસે પહોંચતા તેમને આ સાંભળી દુઃખ થયું હતું. તેમની માતાનો સ્વર્ગવાસ થયો છે અને આ ચૂંટણી જંગમાં તેમની માતાના નામનો આ પ્રમાણે ઉલ્લેખ કરતા પૂર્વ મંત્રી નારાજ થયા હતા. આ ઘટનાને પગલે આજે સંબોધનમાં જવાબ આપવાને બદલે આદિવાસી સમાજ આઠમી ડિસેમ્બરના દિવસે જવાબ આપશે તેવું કહીને પોતાનો દોષ ઠાલવ્યો હતો.

તેમના ગામના લોકો જ તેમને નરેશમોગલી કહીને સંબોધે છેઃ અનંત પટેલ
આ સમગ્ર મુદ્દે વાંસદાના પૂર્વ ધારાસભ્ય અનંત પટેલનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલની માતાનું નામ મોગલી નથી તેમના ગામના લોકો જ તેમને નરેશમોગલી કહીને સંબોધે છે કારણ કે મંત્રી નરેશ પટેલ વધુ ભણ્યા નથી જેથી મેં તેમની માતાનું અપમાન કર્યું નથી પણ તેમના ગામના જ લોકો તેમને નરેશ મોગલી કરીને સંબોધે છે એટલે મેં પણ આવા પ્રકારનું સંબોધન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...