તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નવસારીમાં યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખની હત્યા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં નવરાત્રીમાં થયેલી નિલેશની હત્યાની અદાવતમાં મૃતકના ભાઇ ઉમેશ અને સાથી મિત્રોનો શૈલેષ પરમાર પર હુમલો
  • 6 હત્યારા રિક્ષામાં આવી ઘેલખડી વિસ્તારમાં રાત્રે તિક્ષ્ણ હથિયારના 15 ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું, 4 હત્યારાને પોલીસે તુરંત જ ઝડપ્યા

નવસારીના ઘેલખડીમાં વર્ષ-2017માં ગરબા રમવા બાબતે થયેલી તકરારમાં એક યુવાનની હત્યા થઈ હતી. તેની હત્યામાં સંડોવણી હોવાની અદાવત રાખીને નવસારીના ઘેલખડી વિસ્તારમાં યુવાનની 15 ઘા ઝીંકી હત્યા કરી હતી. આ કેસમાં ગણતરીના કલાકમાં પોલીસે 4 જણાંની ધરપકડ કરી લીધી હતી. આ અંગે દાખલ ફરિયાદ તથા મળતી માહિતી મુજબ નવસારીના ઘેલખડીમાં વર્ષ-2017માં નવરાત્રિ દરમિયાન ગરબા રમવાની બાબતે ઉમેશ સત્યનારાયણ વનમ (રહે. પૂર્ણેશ્વર કોમ્પ્લેક્સ, ઘેલખડી)ના ભાઈ નિલેશ વનમ અને શૈલેષ પરમારના મિત્રો સાથે બોલાચાલી બાદ હાથપાઈ થઈ હતી.

જેમાં નિલેશ વનમનું ગંભીર ઇજાને પગલે મૃત્યુ થયું હતું. આ બાબતે મૃતકના ભાઈ ઉમેશ વનમે અદાવત રાખી હતી. તેણે શૈલેષ પરમારની હત્યા કરવાની યોજના બનાવી હતી. જેમાં ઉમેશ વનમ, સુમિત જાધવ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા, રાજેશ દિવાકર (તમામ રહે. ઘેલખડી) ભેગા મળીને બે રિક્ષામાં પાઇપ,ચાકુ, કુહાડી જેવા હથિયાર લઈને શૈલેષ પરમારના ઘર પાસે પહોંચ્યા હતા અને શૈલેષ પરમાર ઘરની બહાર નીકળતા તેના પર હથિયારથી રવિવારે રાત્રે જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં શૈલેષને માથાના ભાગે ચાર ઘા અને પીઠ તથા કમરના ભાગે દસેક મળી કુલ 15 જીવલેણ ઘા માર્યા હતા. જેને પગલે શૈલેષ પટેલને ગંભીર ઈજા પહોંચતા તેના સગા હાર્દિક નાયકા (રહે. સંજયનગર, ઘેલખડી) તેને સારવાર અર્થે રિક્ષામાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં શૈલેષની ઈજા ગંભીર હોય વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શૈલેષનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં 6 હત્યારા પૈકી ઉમેશ વનમ સહિત 4ની ધરપકડ કરી હતી. જ્યારે બે ને ફરાર જાહેર કર્યા હતા.

મૃતકના માતા-પિતા અને પત્ની નિરાધાર બન્યા
સ્થાનિકોના જણાવ્યા મુજબ શૈલેષ પરમાર અનેક સામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો અને ભાજપના માજી યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી હતી. હાલમાં મૃતક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતો અને તે ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતો. જેની હત્યાથી માતા-પિતા અને પત્ની નિરાધાર બન્યા છે.

અગાઉની હત્યામાં સમાધાન થયાની વાત
મળતી માહિતી મુજબ વર્ષ-2017માં નિલેશ વનમની હત્યા થતા મૃતક શૈલેષ પરમાર અને તેના મિત્રોએ સમાધાન પેટે કેટલીક રકમ મૃતક નિલેશની પત્નીને આપી હતી અને સમાધાન થયાની પણ ચર્ચા છે. ભાઈના મનમાં ભાઈના હત્યાના બદલામાં હત્યા કરવાનું ચાલતું હતું. અંતે રવિવારે શૈલેષ પરમારની હત્યા કરી વેર વાળી દીધું હતું.

2 આરોપી હજુ ફરાર
ઘેલખડીમાં થયેલી હત્યામાં ટાઉન પોલીસ તુરંત ઘટનાસ્થળે ધસી ગઈ હતી. મૃતકના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મૃતકના હત્યારાઓને પકડવા પોલીસે ટીમ બનાવી અને ગણતરીના કલાકોમાં 6 પૈકી 4 હત્યારા સુમિત જાદવ, ઉમેશ વનમ, પિયુષ રાજપૂત અને અજીત મિશ્રાની ધરપકજ કરી તપાસ હાથ ધરી છે. > મયુર પટેલ, પીઆઈ, નવસારી ટાઉન

અન્ય સમાચારો પણ છે...