કોરોનાથી સાવચેતી:નવસારીમાં સતત બીજા વર્ષે પણ તાજીયા ઝુલુસ નહીં નીકળે, સ્થાપનાની જગ્યાએ જ ઠંડા કરાશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી ટાઉન અને ખેરગામ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય

નવસારીમાં કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે તાજીયા ઝુલુસનું નહીં કાઢવા તેમજ તાજીયાનું સ્થાપન થાય ત્યાં જ તાજીયા ઠંડા કરવાની વિધિ કરવા પોલીસે શાંતિ સમિતિની મળેલ બેઠકમાં જણાવ્યું હતું. ખેરગામમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા ઝુલુસ ઠંડા કરવા અને ઝુલુસ નહીં કાઢવાનો નિર્ણય કરાયો હતો.

નવસારી શહેરમાં તાજીયા અંગે શાંતિ સમિતિની મિટીંગનું આયોજન પીઆઇ મયુર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ અગ્રણીઓ અને દરગાહવાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હાલ કોરોના મહામારી હોય અને તેનું સંક્રમણ વધે નહીં તે માટે સાદાઈથી તાજીયા ઝુલુસ કાઢવાની ચર્ચા કરાઈ હતી. મુસ્લિમ અગ્રણીઓએ હાલની પરિસ્થિતિને માન્ય રાખી તાજીયા ઝુલુસ નહીં કાઢવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જેમાં મોટી દરગાહના સંચાલકો તરફથી એક જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું કે હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં સરકારના સૂચનો અને ગાઈડલાઈન મુજબ કોરોના નિયંત્રણના ભાગરૂપે મોટી દરગાહના તાજીયા 19મીને ગુરૂવારે શહાદતની રાત્રિ (કતલ કી રાત)એ સાંજે 5.30 વાગ્યે અલાવ ઉપર નવડાવવાની વિધિ કરવામાં આવશે. 20મીએ તાજીયા ઝુલુસ નહીં કાઢી સ્થાપન પર જ તાજીયા ઠંડા કરવાની ધાર્મિક વિધિ કરવામાં આવશે.

દર્શન અને માનતા માટે સ્થાનક ઉપર જ જવાનું રહેશે
સ્થાનક ઉપર જ તાજીયા દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવશે. તાજીયાના પારંપરિક રીતે દર્શન કરી માનતા પુરી કરી લોકોની આસ્થાને માન આપી સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને સેનેટાઈઝ જેવા નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવી વિધિ પૂર્ણ કરાઈ તેવી જવાબદારી નિભાવવા સૂચના અપાઇ છે. > અખતરભાઇ દરગાહવાલા, નવસારી શહેર તાજિયા કમિટી, નવસારી.

અન્ય સમાચારો પણ છે...