પાલિકાનો એકશન મોડ:નવસારીમાં પ્રથમવાર વેરા બાકીદારોના નામ જાહેર, મિલકત હરાજીની પણ નોટિસ જારી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી- વિજલપોર પાલિકાનો એકશન મોડ
  • નળ-ગટર કનેકશન કપાતા, મિલકત સીલ કરાતી પણ હવે પાલિકાનું એથીય વધુ કડક પગલુ

નવસારી ઇતિહાસમાં પ્રથમવાર પાલિકાએ વધુ વેરા બાકીદારોના નામ જાહેર કરી જાહેર નોટિસ દ્વારા મિલકત જપ્ત કરી હરાજીની તજવીજ શરૂ કરી છે. કોઈપણ નગરપાલિકાની જેમ અહીંની નવસારી વિજલપોર નગરપાલિકાની પણ પોતીકા એવા સ્વભંડોળની મુખ્ય આવક શહેરમાં આવેલા મિલકતોના વેરાની વસુલાતની છે.

શહેરમાં આવેલ 1.31 લાખ મિલકતોનો વેરો દરેક વર્ષ આકારની મુજબ વસૂલ કરે છે. જોકે કેટલીય મિલકતોનો વેરો જે તે એક યા બીજા વર્ષે વસૂલ કરી શકાતો નથી અને તેને લઈને ભૂતકાળના એક, બે યા તેથી વધુ વર્ષની વેરા બાકી અનેક મિલકતોની બાકી બોલે છે. આમ તો પાલિકા આવી વધુ વેરા બાકી હોય તેમની મિલકતોના નળ, ગટર કનેક્શન કાપતી આવી છે.

વધુમાં મિલકતોના સીલ પણ મારતી આવી છે. જોકે હાલમાં નગરપાલિકાએ એથીય વધુ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ નગરપાલિકાએ અખબારમાં વધુ વેરો બાકી હોય એવા મિલકતધારકોના નામ અને રકમ સાથે જાહેર નોટિસ જારી કરી છે. જેમાં ઉકત બાકીદારો જો 7 દિવસોમાં બાકી વેરો ભરપાઇ નહીં કરે તો મિલકત જપ્ત કરી હરાજી કરવામાં આવશે એમ સ્પષ્ટ જણાવી દીધું છે.

પ્રથમ 38ની નામાવલી બાદ આગામી દિવસોમાં વધુ બાકીદારોની નામાવલી પાલિકા જાહેર કરી શકે એમ છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર પાલિકાએ આવું અત્યંત કડક પગલુ લીધાનુ જૂના નગરસેવકો જણાવી રહ્યાં છે.

હજુ 31મી માર્ચ સુધી જૂની બાકીની સ્કિમ છે ત્યારે કડકાઇ આશ્ચર્યજનક
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘જૂના વેરા માંગણા’ માટે પાલિકાની પ્રોત્સાહક યોજના હાલ અમલી છે જેમાં કરદાતા 1લી એપ્રિલ 2021થી 31મી માર્ચ 2022 અંતિત અથવા તે પહેલાના પણ માંગણા બીલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ 31મી માર્ચ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી માફી છે.

આ યોજનાની મુદત પૂર્ણ થઇ નથી તે અગાઉ જ નવસારીમાં પાલિકાએ અગાઉના વર્ષોના વેરા બાકીદારો સામે જાહેર નોટિસમાં નામ જાહેર કરી મિલકત હરાજી કરવાની વાત કરી છે. જોકે મુદત પૂરી થવા અગાઉ જ કડકાઇ કરી શકાય કે નહીં યા કડકાઇ શા માટે કરાઇ તે જાણી શકાયું નથી.

નગરપાલિકામાં સ્વભંડોળની આવક સામે ખર્ચા વધી જતા મુશ્કેલી ?
છેલ્લા કેટલાક મહિનાઓથી નવસારી-વિજલપોર પાલિકાની આર્થિક સ્થિતિ ચર્ચાસ્પદ બની છે. સરકારી ગ્રાંટની રકમ તો કરોડોની છે પણ પાલિકાની પોતિકી સ્વભંડોળની આવક સામે ખર્ચાઓ વધી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. ખર્ચાઓની ચૂકવણીમાં પણ વિલંબ થઇ રહ્યો છે.

હાલ વધુ ચર્ચાસ્પદ મુદ્દો પાલિકામાંથી નિવૃત્ત થયેલા અનેક કર્મચારીઓને તેમના લેણાં તુરંત ચૂકવી શકાયા નથી અને કર્મચારીઓ લેણાં માટે પાલિકાના પગથિયા ઘસી રહ્યાં છે. હાલ બાકી વેરાની વસૂલાત યા અન્ય સ્વભંડોળની આવક વધારવા પાલિકા એડીચોટીનું જોર લગાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...