તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:નવસારીમાં પ્રથમવાર પ્રિમિયમ પેટ્રોલ 100ને પાર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુણવત્તાની દૃષ્ટિએ સારા ગણાતા પ્રિમિયમ પેટ્રોલનો ભાવ શુક્રવારે નવસારીના પેટ્રોલ પમ્પ પર 100.28 રૂપિયા સુધી પહોંચ્યો
  • શહેરમાં સાદા પેટ્રોલનો ભાવ પણ લિટરના 96.25 જ્યારે ડીઝલ સાદા પેટ્રોલ કરતા 5 પૈસા વધુ રૂપિયા 96.30 થઈ ગયો છે

નવસારી શહેરમાં શુક્રવારે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 1 લીટરનો પ્રથમવાર જ 100 ને વટાવી 100.28 રૂપિયા થયો હતો.સાદા પેટ્રોલનો ભાવ પણ 96.25 અને ડિઝલનો તેનાથી 5 પૈસા વધુ 96.30 રૂપિયા થઈ ગયો છે.દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લિટરે 100 રૂપિયાને ક્યારનો ય થઈ ગયો છે અને સતત વધતા ભાવ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે નવસારીમાં પેટ્રોલ યા ડિઝલનો ભાવ લિટરે 100ને સ્પર્શ કર્યો ન હતો. જોકે નવસારી શહેરમાં પણ શુક્રવારે લોકોએ પ્રથમવાર જ પેટ્રોલનો લિટરનો ભાવ 100 રૂપિયાથી વધુ લખાયેલ જોયો હતો.

છેલ્લા કેટલાક વર્ષોથી સાદુ અને પ્રિમિયમ એમ બે પ્રકારે પેટ્રોલ વિતરણ થાય છે. પ્રિમિયમ પેટ્રોલમાં ઓક્ટોન આંક 95 હોય છે અને તે ગુણવત્તાની રીતે વધુ સારું અને સાદા પેટ્રોલ કરતા થોડું મોંઘું હોય છે. આ પ્રિમિયમ પેટ્રોલની ખપત ઓછી છે, જેના ભાવ 5-7 દિવસથી 99 ને વટાવી ગયા હતા અને શુક્રવારે તો લિટરનો ભાવ 100ને વટાવી 100.28 રૂપિયે પહોંચ્યો હતો. નવસારીના પેટ્રોલ પમ્પ પર પહેલીવાર પેટ્રોલનો ભાવ 100થી વધુ લખાયેલ જોવા મળ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં સાદા પેટ્રોલનો ભાવ પણ સતત વધી જ રહ્યો છે અને શુક્રવારે 96.25 રૂપિયા હતો. બીજી તરફ ભૂતકાળમાં પેટ્રોલ કરતા જે સસ્તું હતું એ ડિઝલનો લિટરનો ભાવ પેટ્રોલ કરતા 5 પૈસા વધુ 96.30 પૈસા હતો.

આઝાદી સમયે લિટરનો ભાવ 28 પૈસા હતો
ભૂતકાળમાં નવસારીમાં પણ વાહનોની સંખ્યા ખુબ જ ઓછી હતી અને પેટ્રોલનો વપરાશ પણ ઓછો હતો. ભાવ પણ ઓછો હતો. મળતી માહિતી મુજબ આઝાદીના સમયે 1947મા પેટ્રોલનો લિટરનો ભાવ 28 પૈસા હતો. (જોકે તે સમયે 28 પૈસાની પણ મોટી કિંમત હતી) જોકે ત્યારબાદ વધતો રહ્યો છે. માર્ચ-2012માં પેટ્રોલનો ભાવ 69.50 અને એપ્રિલ-2014માં 75.48 રૂપિયા હતા. 2017 બાદ ભાવ ઝડપથી વધ્યા છે.

પ્રિમિયમ પેટ્રોલનું વેચાણ ખૂબ ઓછું
છેલ્લા કેટલાક વર્ષોથી વેચાણ થતા પ્રિમિયમ પેટ્રોલનું વેચાણ પેટ્રોલના કુલ વેચાણમાં ખુબ જ ઓછુ (માંડ એકાદ ટકો) છે. મહત્તમ પેટ્રોલ ‘સાદુ’ જ વેચાય છે. જેના ભાવ પણ રૂ. 100 નજીક જઈ રહ્યો છે.

શહેરમાં મહિને પેટ્રોલનો વપરાશ 12 લાખ લિટર
નવસારી શહેરમાં વાહનોની સંખ્યા ‌વધતી રહી છે. જેમાં દ્વિચક્રી, ચાર ચક્રીય યા તેનાથી મોટા વાહનોનો સમાવેશ પણ થાય છે. વાહન વધતા પેટ્રોલની ખપત પણ વધી છે, હાલના સમયે મહિને પેટ્રોલની શહેરમાં ખપત સરેરાશ 11થી 12 લાખ લિટર જેટલી હોવાનું જાણવા મળે છે. જેમાં મહત્તમ સાદુ પેટ્રોલ છે. ડીઝલની ખપત જોકે તેના કરતા ઘણી ઓછી છે.

કોરોના બાદ પેટ્રોલ-ડીઝલના વપરાશમાં સરેરાશ 15થી 25 ટકા ઘટાડો નોંધાયો
કોરોના શરૂ થયો પછી નવસારી શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘણો ઘટાડો થયો છે. માર્ચ-2020મા નવસારી શહેરમાં પેટ્રોલ જે વપરાશ હતો તેના કરતા અંદાજે 15થી 20 ટકા જેટલો ઘટાડો થયો છે. ડીઝલમાં તો તેના કરતા પણ વધુ ઘટાડો અંદાજે 25 ટકા થયાનું શહેરના પેટ્રોલપંપ સંચાલકો સાથેની પૂછતાછમાં જાણવા મળ્યું છે. આ માટેનું મુખ્ય એક કારણ કોરોના કાળમાં લોકડાઉન-અંશત: લોકડાઉનના કારણે અવરજવર ઘટવાનું છે. આ ઉપરાંત ભાવો વધતા અને લોકોની ખરીદશક્તિ થોડી ઘટવાનું પણ એક કારણ જણાવાય છે. જણાવાય છે.

અન્ય સમાચારો પણ છે...