ફટાકડાની ચિનગારીથી આગ:નવસારીમાં ફટાકડા ફોડતી વખતે તણખલા સૂકા ઘાસમાં જતા આગ ભભૂકી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

નવસારી24 દિવસ પહેલા
  • ફાયર વિભાગે તાત્કાલીક આગ પર કાબૂ મેળવી લેતા દુર્ઘટના ટળી
  • ફટાકડા ફોડતી વખતે સલામતી રાખવા નગરપાલિકાએ લોકોને અપીલ કરી

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા એ સહજ બાબત છે. જોકે, ફટાકડા ફોડવાની સાથે સાથે સાવધાની રાખવી પણ જરૂરી છે, નહિતર રહેણાક વિસ્તારમાં કે અન્ય જગ્યાએ મોટી દુર્ઘટના બની શકે છે. નવસારીમાં ફટાકડા ફોડતી વખતે આગની ચિનગારી ખુલ્લા પ્લોટમાં રહેલા સૂકા ઘાસમાં જતા આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગે તાત્કાલીક આગ પર કાબૂ મેળવી લેતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલા સુંદરનગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં રહેલા સૂકા ઘાસમાં ફટાકડાના કારણે આગ લાગી હતી. જેને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા 1 ફાઈટર ૩ ફાયર કર્મીઓ સોસાયટીમાં પહોંચીને તાત્કાલિક ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી.

ફટાકડાનું તણખલું સૂકા ઘાસ પર પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી, તેવી શંકા ફાયર વિભાગે સેવી છે. ત્યારે આ બનાવ અન્ય સોસાયટી અને રહેણાંક મકાનો માટે પણ લાલબત્તી સમાન કહી શકાય. કોઈપણ સોસાયટી કે મહોલ્લામાં ફટાકડા ફોડતી વખતે વાલીઓએ અથવા વડિલોએ બાળકો સાથે રહેવું જરૂરી છે, જેથી આવા પ્રકારનો બનાવ ન બને અને બાળકો ફટાકડાથી દાઝે પણ નહી, તેમજ તહેવારોમાં આગની ઘટના પણ ન બને. આ ઘટનાને રોકવાને લઈને વહીવટી તંત્રએ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વાર તમામને સુચના સાથે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...