નોટિસ:શહેરના હાઇરાઇઝ સહિત 56 બિલ્ડિંગોને ફાયરની નોટિસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી પાલિકાની 3 નોટિસ બાદ ફાયર પ્રાદેશિક કચેરીની નોટિસ

નવસારી શહેરમાં આવેલી 56 જેટલી હાઈરાઈઝ અને કોમર્શિયલ બિલ્ડીંગોને ફાયર એનઓસીની નોટિસ આપી ફાયર સર્ટીફિકેટ મેળવી લેવા જણાવ્યું છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ આગના ગંભીર બનાવ બન્યા બાદ મામલો હાઇકોર્ટમાં ગયો અને કોર્ટે કડક દિશાસૂચન આપ્યા છે. ઉચ્ચ કક્ષાએથી આવેલા આદેશ અંતર્ગત અહીંની નવસારી વિજલપોર નગરપાલિકાએ પણ દોઢ-બે વર્ષથી આ અંગે કાર્યવાહી આરંભી હતી, જેમાં અગાઉ ત્રણ-ત્રણ નોટિસ પાલિકાએ આપ્યા બાદ હવે હાઈકોર્ટના દિશાસૂચન પગલે ફાયરની રિજનલ ઓફિસે પણ આપી છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં 56 જેટલા બાંધકામોને નોટિસ અપાઈ છે. જેમાં હાઇરાઈઝ બિલ્ડિંગો, મોલ, વાડી વગેરેનો સમાવેશ થાય છે. આ નોટિસમાં નીતિનિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કર્યા બાદ પ્રાદેશિક ફાયર અધિકારીની કચેરી, કામરેજને જરૂરી પુરાવા સાથે અરજી કરવા જણાવ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ અગાઉ આ મુદ્દો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો હતો, બાદમાં ઠંડો થઈ ગયો અને હવે પુનઃ બહાર આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને રહેણાંક એપાર્ટમેન્ટોમાં નોટિસો જતા ફફડાટ ફેલાવા સાથે નારાજગી પણ જોવા મળે છે.

મહત્તમ સ્કૂલ, હોસ્પિટલમાં સુવિધા થઈ ગઇ
કોમર્શિયલ બિલ્ડિંગો ઉપરાંત સ્કૂલો અને હોસ્પિટલોમાં પણ ફાયર એનઓસી લેવા નગરપાલિકાએ નોટિસ બાદ કડકાઈ દાખવી હતી. જોકે હવે શહેરમાં મહત્તમ સ્કૂલ, હોસ્પિટલોમાં નીતિનિયમ મુજબ સુવિધા ઊભી થઈ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...