મૃત્યુ બાદ ગુનો નોંધાયો!:પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા રીટાયર્ડ ASI સામે FIR નોંધાઈ.કેસના મહત્વના દસ્તાવેજ કોર્ટમાં જમા ન કરતા કાર્યવાહી થઈ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીની ચીફ કોર્ટમાં વર્ષ 2006માં કેસ નોંધાયો હતો. જેમાં કોર્ટના દિશા- નિર્દેશ મુજબ જલાલપોર પોલીસે તપાસ હાથ ધરી હતી અને પુરાવાઓની ખરાઈ માટે એફ.એસ.એલ., ગાંધીનગર ખાતે જરૂરી કાગળો મોકલ્યા હતા. તેના રિપોર્ટ, કેસને લગતા દસ્તાવેજો જલાલપોર પોલીસ પાસે આવ્યા હતા. ત્યારે ચાર્જમાં એ.એસ.આઈ. રક્યુદ્દીન મોહસીન મિંયા સૈયદ હતા. આથી તમામ ડોક્યુમેન્ટ તેમની પાસે હતા. વર્ષ 2007થી 2011 સુધી ફરજ નિભાવનાર એ.એસ.આઈ. રફ્યુદ્દીન સૈયદે આ તકરારી કેસના બે દસ્તાવેજો, એફ.એસ.એલ. પૃથ્થકરણ નમૂનાના 6 અને કુદરતી મળી કુલ 8 દસ્તાવેજો સમય મર્યાદામાં કોર્ટમાં રજુ કર્યા ન હતા. તેમજ તેમના સ્થાને નવા આવેલા ક્રાઈમ રાઈટરને પણ ચાર્જ છોડતી વેળા આપ્યા ન હતા. દરમિયાન સાત વર્ષ અગાઉ 2016માં ૨હ્યુદ્દીન સૈયદ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. હવે કોર્ટમાં 17વર્ષ અગાઉનો કેસ ચાલુ થતા.કોર્ટે કેસનાં જરૂરી દસ્તાવેજો પોલીસે કેમ જમા કર્યા નથી ? એવો પ્રશ્ન ઉપસ્થિત કરી જે-તે સમયે ફરજ ઉપર રહેલા પોલીસ કર્મચારી વિરૂદ્ધ કેસના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ/પુરાવાનો નાશ કરવા બદલ કાયદેસર કાર્યવાહીનો હુકમ કર્યો હતો.

જલાલપોર પોલીસે તત્કાલીન એ.એસ.આઈ. રફ્યુદ્દીન સૈયદ વિરૂદ્ધ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં જલાલપોરના પી.આઈ. એન.એમ. આહીરે નિવૃત્ત એ.એસ.આઈ.ની તપાસ કરતા જાણવા મળ્યું કે, પોલીસે જેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે તે એ.એસ.આઈ. રક્યુદ્દીન સૈયદ (મૂળ રહે. ગોધરા, હાલ-નવસારી)નું પાંચ વર્ષ અગાઉ 2018માં મૃત્યુ થયું હતું. પોલીસે તેના મરણનો દાખલો પરિવાર પાસે માંગ્યો હોવાનું જાણવા મળે છે. આમ સમગ્ર કેસ વિચિત્ર જગ્યા ઉપર આવીને અટક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે