ખેરગામ તાલુકાના કાકાડવેરી ગામે નિશાળ ફળિયા અને આદિમજૂથ મહોલ્લામાં પાણીની સમસ્યા બાબતે ફળિયાની મહિલાઓએ ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરતા બુધવારે ગામમાં પાણીયાત્રા યોજવામાં આવી હતી અને પાણીની સમસ્યા ઉકેલવા લોકોએ રજૂઆત કરી હતી. ખેરગામ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં ઉનાળો આવે કે પાણીની બૂમો ઉઠતી હોય છે.
કાકડવેરી ગામે નિશાળ ફળિયા અને આદિમજુથ મહોલ્લામાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવતા આ અંગે ગ્રામજનો અને મહિલાઓ દ્વારા વાંસદા-ચીખલી ખેરગામના ધારાસભ્ય અનંત પટેલને પાણી સમસ્યા અંગે જાણ કરી હતી. બુધવારના રોજ ધારાસભ્યની આગેવાનીમાં શંકરભાઇ પટેલના આંગણામાં લોકો ભેગા થયા હતા.
જ્યાં પાણીની સમસ્યા બાબતે લોકોની રજૂઆત સાંભળી નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું તેમજ શંકરભાઈ પટેલના ઘરેથી પાણીયાત્રા નિશાળ ફળિયા સુધી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય બાલુભાઈ, યુવા કોંગ્રેસના પુરવભાઈ, તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ, ગામના આગેવાન બિપીનભાઈ ગરાસિયા સહિતના આગેવાનો, મહિલાઓ અને ગ્રામજનો પાણીયાત્રામાં જોડાયા હતા.
બોરમાં પાણી છે, પણ તેને ધામવાથી 5-6 બેડા નીકળે છે
પાણીની સમસ્યા અંગે મહિલાઓ દ્વારા જાણ થતા બુધવારે નિશાળ ફળિયામાં પાણીની યાત્રા યોજવામાં આવી હતી. ગામમાં જે બોરમાં પાણી છે તેને ધામવાથી માંડ પાંચથી છ બેડા પાણી નીકળે છે,પછી બોરમાં પાણી આવતું જ નથી. બે થી ત્રણ કલાક બાદ ફરી પાછુ ધામવામા આવે તો પાણી નીકળે છે. નલ સે જલ યોજનામાં કામો થાય છે પરંતુ લોકોને પાણી મળતું નથી. આ યોજના ખરેખર સાકાર કરવામાં આવે તો લોકોના ઘરે ઘરે પાણી મળવું જોઈએ. - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી
ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ પાણીની ગંભીર સમસ્યા અંગે નોંધ લીધી
અમારા ગામમાં અને ફળિયામાં પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરતા તેમણે બુધવારે અમારા ગામની રૂબરૂ મુલાકાત લઈ લોકોને પડતી પાણીની ગંભીર સમસ્યાની નોંધ લીધી હતી. તેમણે પાણીની સમસ્યા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પાણીની સમસ્યાના નિરાકરણ માટે આશ્વાસન આપ્યું છે. - શોભાબેન પટેલ, સ્થાનિક રહીશ, કાકડવેરી
સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે
કાકડવેરી ગામે નિશાળ અને આદિમજુથ મોહલ્લામાં પાણીની સમસ્યા અંગે ગામના સરપંચની રજૂઆત આવેલી છે, જેના પગલે ગુરૂવારે જરૂરી સરવે કરાવી બોર કરવા માટે યાંત્રિક વિભાગને જાણ કરી લોકોની પાણીની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે એવા પ્રયાસો કરવામાં આવશે. - દિવ્યાબેન પટેલ,અધિકારી, પાણી પુરવઠા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.