નવસારીમાં રેતીના વ્યાપાર સાથે સંકળાયેલા વેપારીએ તેના પુત્રના હાથમાં રિવોલ્વર પકડાવીને ફોટો પાડી તેને સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈ જાગૃત નાગરિકોએ વાંધો ઉઠાવી કલેક્ટર પાસે હથિયારનો પરવાનો રદ કરવાની માંગ કરતા કલેક્ટરે રેતીના વેપારીનો હથિયારનો પરવાનો રદ કરી દીધો હતો.
નવસારીમાં બંદર રોડ પર રહેતા ધર્મેશ નારાયણ ઓડની પાસે રિવોલ્વર છે અને તેનું લાયસન્સ પણ હતું. આ રિવોલ્વર ધર્મેશ ઓડના પુત્રએ હાથમાં પકડી ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈ આ બાબતે નવસારીના જાગૃત નાગરિકે કલેક્ટરની કોર્ટમાં આ રિવોલ્વરવાળો ફોટો મૂકી હથિયારનો પરવાનો રદ કરવા ફરિયાદ કરી હતી. જેને પગલે કલેક્ટરની કોર્ટમાં જરૂરી વિચારણા કરતા કોર્ટે નોંધ કરીને ધર્મેશ નારાયણ ઓડ (રહે. બંદર રોડ, નવસારી)નો હથિયાર પરવાનો રદ કરવા માટે આદેશ આપ્યો હતો. આ હથિયાર ટાઉન પોલીસમાં જમા કરાવવા પણ આદેશ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.