લોકડાઉન:મોટીપેથાણમાં પિતા-પુત્રી ઉંઘતા રહ્યાં ને તસ્કરો 1.73 લાખની મતા ચોરી ગયા, પોલીસ બંદોબસ્ત સામે સવાલ

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કરફ્યુ હોવા છતાં તસ્કરો ખેપ કરી જતા પોલીસ બંદોબસ્ત સામે સવાલ

દાંડીરોડ ઉપર આવેલા મોટી પેથાણ ગામના તળાવ ફળિયામાં દિપીનભાઈ બાબુભાઇ પટેલ પત્ની રમીલાબેન તથા દીકરી નિધિ સાથે રહે છે. દિપીનભાઈ છાપરારોડ સ્થિત પરમેશ ડાયમંડમાં ઇલેક્ટ્રીશિયન તરીકે અને પત્ની રમીલાબેન છાપરારોડ સ્થિતિ મોંઘાભાઈ દેસાઈ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. દીપિનભાઈ પટેલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગતરોજ તેમની પત્નીની નાઈટ ડ્યૂટી હોવાથી તેઓ સાંજના 6 વાગ્યાની આસપાસ ઘરેથી નોકરીએ નીકળી ગયા હતા.

બાદમાં રાતનાં 9 વાગ્યાના અરસામાં દીપિનભાઈ અને દીકરી નિધિ જમી પરવારીને રાત્રિના 11.45 વાગ્યાના અરસામાં ઘરનાં પાછળના દરવાજાને અડાગરો મારી અને આગળના દરવાજાને તાળું મારી ઘરના ઉપરના માળે સુવા ગયા હતા. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉઠીને દીપિનભાઈ નીચે આવ્યા ત્યારે ઘરનાં બારણામાં મારેલું તાળું ગાયબ હતું અને ઘરના પાછળના દરવાજા પણ ખુલ્લા જોવા મળ્યા હતા. તેમણે ઘરમાં તપાસ કરતા ઘરના પ્રથમ રૂમમાં શોકેસના ખાનાં તેમજ અંદરના બીજા રૂમમાં લોખંડના બે કબાટ કોઈ સાધન વડે તોડેલા જણાયા હતા અને કબાટનો સરસામાન પણ વેરવિખેર પડેલો હતો.

કબાટમાં મુકેલા રોકડા રૂ. 50 હજાર, 4 તોલા સોનાનો સેટ કિંમત રૂ. 33 હજાર, અઢી તોલાના 2 કંગન કિંમત રૂ. 15 હજાર, 1 નંગ હાથનું સોનાનું લુઝ કિંમત રૂ. 25 હજાર તેમજ સોનાની વીંટી નંગ 10 કિંમત રૂ. 50 હજાર અને તેમને કંપનીમાંથી મળેલા ચાંદીનો પેન્ડન્ટ આશરે 10 ગ્રામ (કિંમત ખબર નથી) ગાયબ જણાયા હતા. આ તમામ વસ્તુના ખાલી બોક્ષ ઘરના કિચન તથા પાછળ વાડામાં પડેલા જોવા મળતા આ તમામ દાગીનાની ચોરી થયાનું જણાયું હતું. દિપીન પટેલે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી અંદાજિત 1.73 લાખની મતાની ચોરી થયાની ફરિયાદ જલાલપોર પોલીસમાં નોંધાવતા પી.આઇ.વાળા તથા તેમની ટીમે ઘટનાસ્થળે ધસી જઈ ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં રાત્રિ કરફ્યુ હોવા છતાં ચોરીની ઘટનાથી પોલીસ બંદોબસ્ત સામે સવાલ ઉભા થયા છે. 

અન્ય સમાચારો પણ છે...