અમી છાંટણા:શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ થી શાકભાજી ચીકુ ને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂત ચિંતામાં મુકાયા

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી માટે કમોસમી વરસાદ જોખમી સાબિત થશે
  • પાછોતરા વરસાદને લઈ ખેતી પાકોમાં નુકસાનની ભીતિ

હવામાન વિભાગે 18 થી 21 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે જેના પગલે આજે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા હતા. જિલ્લાના બીલીમોરા, ગણદેવી સહિતના પંથકમાં હળવો વરસાદ વરસ્યો હતો.

પાછોતરા વરસાદને કારણે જિલ્લાનો મુખ્ય પાક ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન પણ થઈ રહ્યુ છે. ભૂતકાળના નુકસાનના કળમાંથી હજી જિલ્લાના ખેડૂતો બહાર આવ્યાં નથી ત્યાં આ વર્ષે ફરીવાર પાછોતરા વરસાદનો ભય ખેડૂતોમાં પેસી ગયો છે. વરસાદી છાંટા થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

જો વરસાદ આવે તો રવિ પાક સહિત ઉનાળુ પાકને નુકસાન થશે.રવિ પાકમાં હાલ શાકભાજી મુખ્યત્વે વાવવામાં આવે છે. જેમાં ઉપરથી વરસાદ પડે તો શાકભાજીના પાક ઉપર આવેલા ફૂલો ખરી પડે છે, જેને લઇને શાકભાજીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, સાથે જ ચીકુ જે સમગ્ર ઉત્તર ભારત સહિત વિવિધ પ્રાંતમાં એક્સપોર્ટ થાય છે, તેને પણ મોટું નુકસાન થઈ શકે છે. બીજા અન્ય પાક એવા કેરીની વાત કરવામાં આવે તો હાલમાં કેરીના ઝાડ ઉપર મોર આવવાની શરૂઆત થઇ છે.

જેમાં વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે.નવસારી જિલ્લાના ત્રણ પાક એવા છે જે માટે વરસાદ આફતરૂપ બની શકે છે, જેથી જગતનો તાત વિધાતાને કમોસમી વરસાદનો ન આવે તે માટે આકાશ સામે હાથજોડી પ્રાર્થના કરી રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન શાંત થાય અથવા ફટાય તો દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના ખેડૂતોને રાહત થશે.

કાપણી બાદ ડાંગરનો પાક ખેતરમાં જ હોવાથી તે ભીંજાઇ જતા મોટુ નુકશાન
વાંસદા વિસ્તારમાં અચાનક આવેલા વરસાદને લઈ અમારો ડાંગરનો પાક ખેતરમાં હોવાથી વરસાદથી ભીંજાઈ ગયો છે અને મોટું નુકસાન થવાની આશંકા ઉભી થઇ છે. > પ્રવિણભાઈ મીઠલભાઈ, ખેડૂત, વણારસી

બીલીમોરામાં ઓવરબ્રિજનાં કામથી કીચડ વધશે
બીલીમોરા નગરપાલિકા દ્વારા એસ.વી.પટેલ માર્ગ પર ઓવરબ્રિજને કારણે કરવામાં આવેલ ખાડાને કારણે હવે વરસાદ પડવાના કારણે કાદવ કીચડ ફેલાશે. ચિમોડિયા નાકા વિસ્તારમાં રહેતા લોકો માટે રહેવું હાલ મુશ્કેલીભર્યું બન્યું છે. આર એન્ડ બી અને નગરપાલિકાના સંકલનના અભાવના કારણે ઓવરબ્રિજનું કામ માથાના દુ:ખાવા સમાન બન્યું છે. આ રેઢિયાળ કામગીરીને કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી.

ગિરીમથક સાપુતારા સહિતના િવસ્તારોમાં મોડી સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ
ડાંગ જિલ્લામાં ભારતીય હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરૂવારે મોડી સાંજે વીજળીનાં કડાકા ભડાકામાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.

ડાંગના ગામડામાં ગુરૂવારે પડેલ કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોનાં ઉભા ડાંગર સહિત કાપેલા ડાંગરનાં પાકને નુકસાન થયું હતું. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં ગામડામાં મોડી સાંજે વીજળીનાં કડાકા ભડાકામાં થોડાક અરસા માટે ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. સાપુતારાનાં તળેટી વિસ્તાર માર્ગો પર પાણી ફરી વળતા સ્થિતિ ચોમાસામય ભાસી ઉઠી હતી. સાપુતારામાં વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા દૃશ્યો મનમોહક બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...