નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન નવસારીના સહયોગથી વધુ વરસાદના પરિણામે ડાંગર પાકમાં લેવી પડતી કાળજીઓ વિશે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારી હરેશભાઈ ગજેરાએ ઉપસ્થિત મહાનુભાવનો પરિચય આપીને આ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો. આ કાર્યક્રમના ઉદઘાટન અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલે હાલમાં વધુ પડતા વરસાદને લીધે થયેલ ખેતીપાકમાં નુકસાન અને ડાંગરના ધરૂવાડિયા નષ્ટ થવાને લીધે ખેડૂતોને પડેલી મુશ્કેલીના સંજોગોમાં હવે આગામી સમયમાં કયા પાક લઈ શકાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટી ખેડૂતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સતત વિવિધ પાકોમાં અવનવા સંશોધન કરીને ખેડૂત ઉપયોગી ભલામણો કરે છે તથા કેવિકે અને અન્ય સંસ્થાના માધ્યમથી ભલામણો ત્વરીત ખેડૂત સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. નિકસિંહ ચૌહાણે જુલાઈ મહિનાના ટૂંકાગાળામાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત જિલ્લામાં ખૂબ જ વરસાદ થવાથી ડાંગર ફેરરોપણી કરતાં ખેડૂતોના ધરૂવાડિયા નષ્ટ થવાથી ડાંગરની અન્ય વૈકલ્પિક ખેત પદ્ધતિ અપનાવી પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા ખાતર, નિંદામણ, પિયત વ્યવસ્થાપન અપનાવવા ભાર મૂકયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. પથીક પટેલે વધુ પડતા વરસાદમાં જો ધરૂની ઉપલબ્ધતા નહીં હોય તો ઓરાણ ડાંગરની ખેતી તથા ફણગાવેલ ડાંગરની ખેત પદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. નવસારી કેવિકેના વૈજ્ઞાનિક ડો. કે.એ.શાહે આકસ્મિક કુદરતી પરિસ્થિતિમાં ડાંગર સિવાય અન્ય વૈકલ્પિ પાકો જેવા કે ટૂંકાગાળાના મગ, અડદ, ચોળા, ઘાસચારા બાજરી, જુવાર વગેરે તથા છોડપાપડી અથવા તો પિયતની સુવિધા હોય તો શેરડી જેવા અન્ય પાકો કરીને સારી આવક મેળવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.