નવસારી જિલ્લામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે. જે માટે સુરક્ષાની જાત તપાસ કરવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારીની મુલાકાતે આવ્યાં હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ તેઓએ સંબોધી હતી. જેમાં વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં નવસારીની યુવતીના પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને હત્યારા હજુ સુધી ઝડપાયા નથી આ મામલે પ્રશ્ન પૂછાતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, SIT અને તપાસ એજન્સી આજે પણ એ જ ઉત્સાહથી કામ કરી રહી છે. તેમજ પીડિત પરિવારને ચોક્કસ ન્યાય મળશે તેવી હૈયાધારણા આપી હતી.
શું હતો સમગ્ર મામલો?
3જી નવેમ્બરે 2021 ના રોજ વલસાડના ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાંથી ભેદી સંજોગોમાં નવસારીની યુવતીની લાશ મળી હતી. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં આ યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને 6 મહિના વિતવા છતાં પણ આ મામલે પોલીસને કોઈ નક્કર પુરાવા હાથ ન લાગતાં પીડિતાની માતાએ હર્ષ સઘવીને મળીને વહેલી તકે આરોપીને પકડી પાડવા અપીલ કરી હતી. આ ઘટનાને 6 મહિના થયા હોવા છતા આજ સુધી પીડિતાના પરિવારને ન્યાય મળ્યો નથી.
15થી વધુ ટીમો આ કેસમાં તપાસ કરી રહી છે
આ કેસમાં વડોદરા એલસીબી સહિત એટીએસ અને 15થી વધુ ટીમો કામ કરી રહી હતી. છતાં પણ આ મામલે આરોપીએ ન પકડાતા પીડિતાની માતાએ પણ સુરતની ગિષ્માંનો કેસ જે ગતિ થી ચાલ્યો તે જ ગતિએ તેમનો પણ કેસ વહેલી તકે પૂર્ણ થાય અને આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાય તેવી પીડિતાની માતાએ ભૂતકાળમાં માગ કરી હતી, પણ ન્યાય હજી સુધી મળ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.