ચાર બાળકો માતા વિહોણા બન્યા:બીલીમોરા નગરપાલિકાના ટ્રેક્ટરની અડફેટે શ્રમજીવી મહિલાનું મોત, પરિવારનો માળો વિખેરાયો

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટર ચાલકે મહિલાને અડફેટે લેતા તેની પાંસળીઓને ગંભીર ઈજા થઈ હતી
  • બીલીમોરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી

ગફલતભરી રીતે વાહન હંકારતા ક્યારેક મોટો અકસ્માત થતો હોય છે. છેલ્લા 20 વર્ષથી નવસારીના બીલીમોરાના ચિમોડિયા નાકા પાસે રહેતા મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારની પરણિતાને ટ્રેક્ટર ચાલકે કચડી નાખી હતી. ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરતાં તેના ચાર નાના બાળકોએ વ્હાલસોયી માતા ગુમાવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આરોપી ચાલક મયંક ભરત પટેલ
આરોપી ચાલક મયંક ભરત પટેલ

વાહન ચાલકો મોટા વાહનો ભારે સ્પીડ અને બેજવાબદાર બનીને વાહન હંકારતા ક્યારેક નિર્દોષનો જીવ જતો રહે છે. મૂળ મહારાષ્ટ્રના અને બીલીમોરામાં છેલ્લા 20 વર્ષથી રહેતા વિનોદ પવારની પત્ની ગીતા મજૂરી કામ કરી પતિને મદદરૂપ થતાં હતાં. ત્યારે ગઈકાલે શુક્રવારે સાંજે 4 વાગ્યાના સુમારે મજૂરીએથી પરત આવ્યા બાદ બીલીમોરા ખાડા માર્કેટ આગળ આવેલા ઓવર બ્રિજ પાસે મહિલા કેરબો સાફ કરતી હતી. તે વેળા બીલીમોરા પાલિકાના ટ્રેક્ટર ચાલક મયંક ભરત પટેલે ટ્રેક્ટરને પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી મહિલાને અડફેટે લેતા તેની પાંસળીઓને ગંભીર ઈજા થઈ હતી.

અકસ્માતની ઘટના બનતાં તેણીનો પતિ દોડી આવ્યો હતો અને મહિલાને રીક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં મહિલાને વધુ સારવાર માટે સુરત ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન જ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ટ્રેક્ટર નગરપાલિકાનું હોવાની માહિતી મળી હતી. જેમાં બીલીમોરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...