તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની આળસ:તળાવ બ્યુટીફિકેશન માટે કરોડોનો ખર્ચ કરનાર નવસારી પાલિકા સર્કલની જાળવણીમાં નિષ્ફળ

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં આવેલી પ્રતિમાઓ અને જાહેર સર્કલની માત્ર રાષ્ટ્રીય પર્વે જ સફાઇ થાય છે
  • મોટા ભાગના સર્કલો કંપનીઓની જાહેરાતના સ્થળ બન્યા છે, સ્ટીકર અને પોસ્ટર દૂર કરવામાં તંત્રની આળસ

નવસારી ધીમે ધીમે વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. ઓવરબ્રિજ હોય કે પછી તળાવોની બ્યુટીફેકેશનની કામગીરી હોય કરોડોનો ખર્ચ કરીને શહેરને સુવિધાથી સજ્જ બનાવાઇ રહ્યું છે. પરંતુ વર્ષો પહેલા શહેરમાં સ્થપાયેલ સર્કલની જાળવણી કરવામાં નગરપાલિકાને કોઇ રસ નથી.નવસારી શહેરમાં જોવા જઇએ તો ઘણા જાહેર સર્કલો બનાવવામાં આવ્યા છે, પણ તેની જાળવણી રાખવામાં નવસારી-વિજલપોર નગરપાલિકાને જાણે કોઇ રસ ન હોય તેમ ઘોર નિંદ્રામાં પોઢી ગઇ હોય તેમ જણાઇ રહ્યું છે. વિજલપોરના શિવાજીચોક ખાતે ગત વર્ષે ગરબા રમતા ખેલૈયાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા હતા.

આ સ્ટેચ્યુમાં એક સ્ટેચ્યુ મુકાયાના થોડા સમયમાં જ તુટી ગયુ હતું. ત્યારબાદ આજદિન સુધી ન તો તેનું સમારકામ કરવામાં આવ્યું છે અને ન તો તેની જગ્યાએ નવું પુતળું મુકવામાં આવ્યું. આ ઉપરાંત સર્કલના ફરતેની ઘણી ટાઇલ્સો પણ તુટી પડી છે. આ ઉપરાંત આશાપુરી મંદિરથી સુશ્રૃષા હોસ્પિટલ તરફ જતા રોડ પરના સર્કલની પણ હાલત એવી જ કઇ છે. સર્કલમાં ફાઉન્ટેન બનાવવામાં આવ્યો છે પણ હાલ તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગત સમયમાં ક્યારે આ ફાઉન્ટેન શરૂ કરવામાં આવ્યું હતું તે પણ સ્થાનિકોને યાદ નથી.

આ સર્કલોની માત્ર કોઇ તહેવાર હોય ત્યારે દેખાવ પુરતી સાફ-સફાઇ કરીને તેને રંગબેરંગી લાઇટોથી સજાવી દેવામાં આવે છે, પરંતુ તેની સામાન્ય રીતે કોઇપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી. સ્ટીકર ચોંટાડનારા લોકોએ પણ શહેરને પોતાનું સમજીને સુંદર રાખવાના પ્રયાસ ન કરે તો કઇ નહી પણ આવી રીતે જાહેર પ્રોપર્ટીને નુકશાન ન થાય તેની તકેદારી રાખવી જોઇએ.

મહિનાઓથી લાગેલા પોસ્ટર જૈસે થે
જાહેર પ્રોપર્ટીને લોકો પોતાની જાગીર સમજીને તેનો બેફામ રીતે ઉપયોગ કરે છે. શહેરના મોટાભાગના સર્કલ પર રાજકીય પાર્ટી, ઘર બેઠા કમાણી કરો અને અવનવી ઇવેન્ટના સ્ટીકરો લોકો ચોંટાડી જતા હોય છે. ચૂંટણી હોય કે ઇવેન્ટ પુર્ણ થયા બાદ પણ મહિનાઓ વિતી ગયા હોવા છતા જાહેર સર્કલ પર સ્ટીકર કે પોસ્ટર દૂર કરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...