જાનહાનિ ટળી:જલાલપોરના મછાડગામમાં ઇ-બાઇકની બેટરીમાં સ્પાર્ક થતાં ધડાકો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના મછાડ ગામે રહેતા યુવાને 9 માસ પહેલા જમાલપોરમાં આવેલ સ્ટોરમાંથી ઇલેક્ટ્રોનિક બેટરીથી ચાલતી ઈ-બાઇકની ખરીદી હતી. બુધવારે રાત્રિના સમયે ઘરઆંગણામાં પાર્ક કરેલી ઈ-બાઈકની બેટરીમાં સ્પાર્ક થતા ધડાકો થયો હતો. આ ખામીવાળી ઇ-બાઇકની ફરિયાદ કરવા જતાં ડિલરો તેમની ફરિયાદ સાંભળી ન હતી પરંતુ કાર્યવાહી કરવાનું કહેતા ડિલરોએ આ બાઇક બદલી આપતા મામલો થાળે પડ્યો હતો.

મળતી માહિતી મુજબ જલાલપોર તાલુકાના મછાડના રહીશ અને ધોરણ-11મા અભ્યાસ કરતા છાત્રએ 2જી માર્ચે નવસારીના કાલિયાવાડી સ્થિત આવેલા ઇ-બાઇક સ્ટોરમાંથી રૂ. 63000માં ઇલેક્ટ્રિકથી ચાલતું બાઈક ખરીદ કર્યું હતું. દરમિયાન છાત્રએ ગત 15મી નવેમ્બરે રાત્રિના સમયે ઇ-બાઇક ઘરના પાછળના ભાગે પાર્ક કર્યું હતું ત્યારે લગભગ રાત્રિના 11 વાગ્યાના સમયે બ્લાસ્ટનો અવાજ આવ્યો. જ્યારે છાત્રના પિતાએ ઘરના પાછળના ભાગે જોયું તો તેઓએ લીધેલ ઇ-બાઈક સળગતું હતું.

બીજા દિવસે જ્યારે કંપનીના ડિલરને ટેલિફોનિક જાણ કરી તો કંપનીના માણસે પહેલા તો આનાકાની કરી ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી તો ડિલરના માલિકે બાઈક બદલી આપવાની વાત કરી અને જે બાઈકમાં બ્લાસ્ટ થયો હતો એ લઈ ગયા હોવાની માહિતી મળી છે.

નુકશાનગ્રસ્ત બાઇક આખરે બદલી અપાઇ
મછાડમાં ઇ-બાઇકમાં બ્લાસ્ટ થયો હતો તે નુકસાનગ્રસ્ત બાઇક પરત લીધી અને નવી ઇ-બાઇક આપી છે. નુકસાન થયેલી ઇ-બાઇકમાં કયા કારણસર ધડાકો થયો એ જાણવા કંપનીમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે. ધડાકો થવાના કારણ ઘણા હોઈ શકે. > સ્વપ્નિલ ભાવસાર, કર્મચારી, ઇ-બાઇક શોપ

રાતના બદલે દિવસે ધડાકો થયો હોત તો..
મછાડ ગામે ઇ-બાઇકમાં સીટની નીચે આવેલ બેટરીમાં રાત્રિના સમયે ધડાકો થયો હતો. જેને લઈ ઘરવાળા શું થયું તે જોવા બહાર નીકળ્યા હતા. જો ચાલુ બાઈકે આ ધડાકો થયો હોત તો જાનહાનિ થઈ શકે એમ હતી. રાત્રિના સમયે બાઇકમાં ધડાકો થયો જેથી જાનહાનિ ટળી હતી અને પરિવારે ભગવાનનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...