દેવુ વધી જતાં રાતોરાત રૂપિયા કમાવાનો કીમિયો વિચારી વિજલપોરના રૂના વેપારીને ત્યાં કામ કરતા પૂર્વ કર્મચારીએ પોતના મિત્ર સાથે ભાઈના નામે ફોન કરી, એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાની વાતે શહેરમાં ચકચાર જગાવી હતી. ઘટનાની ફરિયાદ થતાની સાથે જ હરકતમાં આવેલી નવસારી LCB પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંને આરોપીઓને ઝડપી પાડયા હતા.
નવસારી-વિજલપોર શહેરના ઉદ્યોગનગર ખાતે આવેલ રીગલ ટ્રેડર્સના અનસ મુલતાનીને ત્યાં 32 વર્ષીય અફઝેન મેમણ છેલ્લા ત્રણ વર્ષોથી નોકરી કરતો હતો. દરમિયાન અફઝેનને મૂત્રરોગ થતા 6 મહિના અગાઉ જ નોકરી છોડી હતી. સાથે જ તેના મિત્ર 24 વર્ષીય ઝૈદ શેખ પાસેથી ઓછીના લાખો રૂપિયા લીધા હતા. જેથી રાતોરાત રૂપિયા કમાવવાના વિચાર સાથે અફઝેને કરોડોનો કારોબાર કરતા પોતાના પૂર્વ શેઠ અનસ મુલતાનીને ધમકાવી રૂપિયા કમાવવાનો પ્લાન ઘડ્યો હતો.
અફઝેને તેના નામથી અલગ સીમ કાર્ડ મેળવ્યુ હતુ અને બાદમાં તેના મિત્ર ઝૈદ શેખ પાસેથી શેઠ અનસને ફોન કરાવ્યો હતો. ઝૈદે ફોન કરી, 'ભાઈ કા આદમી બોલ રહા હું, ભાઈ કો પૈસે પહોચાને કે હૈ, એક ખોખે કા ઇન્તઝામ કર નહીં તો તુઝે ઔર તેરે પરિવાર કો માર દુંગા' કહીને ધમકાવ્યો હતો. વારે વારે એક કરોડની ખંડણી માંગતા ધમકીભર્યા ફોન કરતા અનસ મુલતાનીએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હરકતમાં આવેલી નવસારી LCB પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ આરંભતા ધમકીભર્યા ફોન જે મોબાઈલ નંબર પરથી આવ્યો હતો એ અફઝેન મેમણનો હોવાનું ધ્યાને આવ્યા બાદ પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા તેણે તેના મિત્ર ઝૈદ ની મદદથી એક કરોડ રૂપિયાની માંગણી કરતા ફોન કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ઝૈદ શેખને પણ પકડી, બંનેની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ આરંભી છે.
પોલીસે મોબાઇલ અને 6500નો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ખંડણી અને મારી નાંખવાની ધમકી આપનારાં 2 ને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી.એ દરમિયાન તેમની પાસેથી રૂપિયા 6500 રોકડા અને 3 મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા.આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા શોર્ટકટથી વધુ નાણાં કમાવવા આ રસ્તો અપનાવ્યાનું તપાસમાં જાણવા મળ્યું છે.વધુ તપાસ વિજલપોર પોલીસને સોંપાઇ છે. - ડી.એસ.કોરાટ, પીઆઇ, એલસીબી, નવસારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.