તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને ફાટકે રોજીંદી હાલાકી:ભૂમિપૂજનના 5 માસ થયા પણ વિજલપોર ફ્લાયઓવરનું કામ જૈસે થે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે ફ્લાઇઓવરના અભાવે અવિજલપોર રેલવે ફાટકે અવારનવાર ટ્રાફિકજામ. - Divya Bhaskar
રેલવે ફ્લાઇઓવરના અભાવે અવિજલપોર રેલવે ફાટકે અવારનવાર ટ્રાફિકજામ.
  • અંદાજે 39 કરોડના ખર્ચે રેલવેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ ફાટક ઉપરથી પસાર થનાર રેલવે ફ્લાયઓવર બનાવવાનું આયોજન
  • 7 જાન્યુઆરીએ રેલવે ફ્લાયઓવરનું ભૂમિપૂજન થયા બાદ કામ શરૂ થયુ નથી

આજથી સવા પાંચ મહિના અગાઉ જેનું વાજતેગાજતે ભૂમિપૂજન કરાયું એ વિજલપોરના રેલવે ફ્લાયઓવરનું કામ હજુ નહિવત થયું છે. કામ સ્થળ ઉપર ન થતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. રેલવેની ફ્રાઈટ કોરિડોર યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં રેલવે ફાટક ઉપર યા નજીક 10 જેટલા ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરાયું છે,જેમાં બે ફ્લાયઓવર તો બની પણ ગયા છે.

આ 10 ફ્લાયઓવરમાંનો એક વિજલપોર રેલવે ફાટક ઉપર બનાવવાનું આયોજન છે. રેલવેની પૂર્વ અને પશ્ચિમ બન્ને બાજુ અંદાજે 39 કરોડ રૂપિયાના કુલ 938 મીટર જેટલી લંબાઈના બનનારા વિજલપોર ફ્લાયઓવરમાં ઘણો વિલંબ થયો છે. આખરે 7 જાન્યુઆરી 2021 એ આ ફ્લાયઓવરના કામનું ભૂમિપૂજન નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન સમયે આ કામ પૂરું કરવાની સમયમર્યાદા નવેમ્બર 2021 રાખવામાં આવી હતી અને ટેસ્ટીગ જેવું કામ શરૂ પણ થયું હતું.

જોકે ત્યારબાદ ફ્લાયઓવરના રૂટ પર સ્થળ ઉપર કોઈ કામ કરાયું હોય એ જણાયું નથી. શરૂઆતમાં તો નજીકના ગાંધીફાટક પરનો ફ્લાયઓવર ઉપર ટ્રાફિક શરૂ થયા બાદ વિજલપોર ફ્લાયઓવરનું કામ શરૂ થવાની વાત બહાર આવી હતી પણ ગાંધી ફાટક ફ્લાયઓવર શરૂ થયાને બે મહિના થયા છતાં વિજલપોરમાં કામ શરૂ કરવામાં આવ્યું નથી જેને લઇને તર્કવિતર્ક શરૂ થયા છે.

રેલવે પોર્સનની ડિઝાઈન બદલાઈ તેથી વિલંબ
રેલવેવાળાએ તેમના પોર્સનમાં ફ્લાયઓવરની ડિઝાઈન બદલી છે, જેને લઈને અમારે અમારી (રેલવે પોર્સન સિવાયના ફ્લાયઓવરની) ડિઝાઈન પણ બદલવી પડે એમ છે. બીજો કોઈ પ્રોબ્લેમ નથી. > ડી.સી.ભટ્ટ, ડી.ઈ., એક્ઝિક્યુશન અધિકારી, વિજલપોર ફ્લાયઓવર

ભૂમિપૂજન અગાઉ ડિઝાઈન કેમ ફાઈનલ ન થઈ ?
સામાન્યત : કોઈપણ પ્રોજેકટનું ભૂમિપૂજન કરાય ત્યારે ખર્ચ-ડિઝાઈન બધુ નક્કી જ હોય છે. ભૂમિપૂજન બાદ કામ શરૂ થઈ જાય છે. વિજલપોર ફ્લાયઓવરમાં પણ ટેસ્ટીંગ વગેરે કામ શરૂ થયું હતું. બાદમાં ફરી ‘ડિઝાઈન’ની ઘોંચ આવી છે. અહીં પ્રશ્ન એ છે કે, ભૂમિપૂજન અગાઉ કેમ ડિઝાઈન ફાઈનલ ન થઈ ?

નવસારી ફ્લાયઓવરનું ભૂમિપૂજન મોડુ છતાં..
વિજલપોર રેલવે ફાટકથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલા નવસારી રેલવે ફાટક નજીક પણ એક ફ્લાયઓવર બનનાર છે. આ નવસારી રેલવે ફ્લાયઓવરનું ભૂમિપૂજન વિજલપોર ફ્લાયઓવરના ભૂમિપૂજનના 15 દિવસ બાદ 22મી જાન્યુઆરીએ કરાયું હતું. જોકે નવસારી ફ્લાયઓવરનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે.

પૂર્વ બાજુએ સંપાદનની જટીલ પ્રક્રિયા
વિજલપોર રેલવે ફ્લાયઓવર બનાવવા ખાસ કરીને રેલવેની પૂર્વ બાજુએ જમીન સંપાદન કરવી પડે છે. મળતી માહિતી મુજબ અહીં જમીનો સરવે નંબરની ઉપરાંત ‘ગામતળ’ની પણ છે. સરવે નંબરવાળી જમીનોની સંપાદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે ગામતળની જમીન સંપાદન પ્રક્રિયા માટે ‘લેન્ડ ટુ બી ટ્રાન્સફર’ જેવી કામગીરી કરવી પડે એમ છે અને તે પ્રક્રિયા હાલ ચાલી રહ્યાની જાણકારી મળી છે. આ પ્રક્રિયા થોડી જટીલ છે.

ફ્લાયઓવર બનાવવાની તજવીજ 12 વર્ષથી
વિજલપોર રેલવે ફ્લાયઓવર બનાવવાનું આયોજન બે-ચાર વર્ષથી કરાયું નથી પરંતુ 12 વર્ષથી ય વધુ અગાઉથી તેની તજવીજ કરાઈ રહી છે. કન્સલ્ટન્ટો નિમાયા, ડિઝાઈનો બની અને બદલાઈ, રેલવેમાં મંજૂરીમાં કામ અટવાતું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...