નામ બડે ઔર દર્શન ખોટે:નગરપાલિકાની ઝોન કચેરીઓ નામ પૂરતી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 43 ચો કિમી હદ વિસ્તાર અને 3.40 લાખની વસતીવાળી રાજ્યની સૌથી મોટી પાલિકાની વહીવટી સરળતા માટે ઝોન કચેરી બનાવાઇ હતી
  • નવસારીની 4 ઝોન કચેરીમાં પૂરતી સત્તા, સ્ટાફ નથી તો અહીં એકાદ-બે કામગીરી જ થાય છે, લોકોને મુખ્ય કચેરીએ જ ધરમધક્કા

વસતીની દ્રષ્ટિએ રાજ્યની સૌથી મોટી નગરપાલિકા નવસારી-વિજલપોર નગરપાલિકાની ઝોન કચેરીઓ પૂરતી સત્તા, સ્ટાફ અને કામગીરીના અભાવે લગભગ નામ પૂરતી જ રહી છે. આમ તો નગરપાલિકાઓમાં ઝોન કચેરીઓ હોતી નથી અને હોય તો એકાદ જ હોય છે પરંતુ આજથી બે વર્ષ અગાઉ વિજલપોર અને નજીકના 8 ગામોને નવસારી સાથે જોડી નવસારી વિજલપોર નગરપાલિકા બનાવાઈ ત્યારે આ નવી પાલિકાની હદ 43 ચોરસ કિલોમીટરની વિશાળ થઈ અને 3.40 લાખ જેટલી વસતી સમાવિષ્ટ થતા રાજ્યની સૌથી મોટી પાલિકા બની હતી.

હદ અને વસ્તી જોતા મિની ‘મહાપાલિકા’ થઈ જતા ઝોન કચેરીઓની આવશ્યકતા જણાઈ હતી. જે બાબતને ધ્યાને લઈ શહેરમાં 4 ઝોન કચેરીઓ બનાવાઈ છે. જેમાં વિજલપોર, જલાલપોર, જમાલપોર અને કબીલપોર ઝોન કચેરીનો સમાવેશ થાય છે.

આ ઝોન કચેરીઓમાં જવાબદાર ઝોન ઇનચાર્જની પણ નિમણૂક કરવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઝોન કચેરીઓમાં પૂરતી સત્તા, સ્ટાફ અને કામગીરીના અભાવે ઝોન કચેરીઓ નામપૂરતી જ રહી છે. વેરા વસૂલાત અને અન્ય એકાદ-બે કામ સિવાય નક્કર કોઈ કામગીરી આ કચેરીઓમાં થતી નથી અને લોકોએ અનેક કામ માટે દુધિયા તળાવ સ્થિત મુખ્ય કચેરીએ જ ધરમધક્કા ખાવા પડે છે. ઝોન કચેરીનો ઉદ્દેશ હજુ સુધી સિદ્ધ થયો નથી.

વિજલપોરની ઝોન કચેરીએ 4 વોર્ડ પણ ક્રમશ: સ્ટાફ જ ઓછો કરી દેવાયો
સૌથી મોટી ઝોન કચેરી વિજલપોરની છે. 1 લાખની વસતીવાળી 4 વોર્ડની આ ઝોન કચેરી હોવા છતાં માંડ 5થી 6 જેટલો સ્ટાફ જ છે. અહીંનો મહત્તમ સ્ટાફ એક પછી એક નવસારીની મુખ્ય કચેરીમાં લઈ લેવાતા આ ઝોન કચેરીમાં વધુ કામગીરી રહી નથી. વેરામાં પણ કેટલીક સત્તા નથી.

સામાન્યત: ઝોન કચેરીએ જ 85થી 90 ટકા કામ થઇ જાય છે પણ નવસારીમાં…
ઝોન કચેરીનો મુખ્ય ધ્યેય સત્તા-કામગીરીનું વિકેન્દ્રીકરણનો હોય છે, જેના થકી લોકોની મુશ્કેલી દૂર કરવાનો છે. મહાપાલિકામાં જે ઝોન કચેરી હોય છે. તેમાં 85થી 90 ટકા કામ ઝોન કચેરીએ થાય છે, મુખ્ય કચેરીએ માત્ર નીતિવિષયક નિર્ણય અને થોડા જ કામ હોય છે. જ્યારે નવસારીમાં ઊલટું છે. મહત્તમ કામગીરી મુખ્ય કચેરીએ થાય છે અને ઝોન કચેરીએ થોડી કામગીરી જ છે.

3 ઝોન કચેરીને તો 1-1 વોર્ડ જ અપાયા
ઝોન કચેરીઓ જે બનાવાઈ છે તેમાં જલાલપોરની કચેરીમાં વોર્ડ-1, જમાલપોર કચેરીમાં વોર્ડ-13 અને કબીલપોરની કચેરીમાં વોર્ડ-5 અને અડધો છઠ્ઠો વોર્ડ છે. બીજી તરફ ચોથી જે વિજલપોરની ઝોન કચેરી છે, તેમાં 4 વોર્ડ છે. જલાલપોરની ઝોન કચેરીમાં પશ્ચિમનો વોર્ડ-2 નથી અને કબીલપોર કચેરીમાં પૂરો 6ઠ્ઠો વોર્ડ પણ સમાવિષ્ટ કરાયો નથી.

હાલની ઝોન કચેરીઓ અર્થહિન
નગરપાલિકાની જે ઝોન કચેરી બનાવવામાં આવી છે ત્યાં ખાસ કામગીરી થતી નથી અને લોકોએ મુખ્ય કચેરીએ જ કામ માટે જવું પડે છે. જેથી એમ કહી શકાય કે ઝોન કચેરીઓ શોભાના ગાંઠિયા સમાન અને અર્થહિન છે. > રમેશ ચુડાસમા, રહીશ, વિજલપોર

સ્ટાફ, કામગીરી વધારવાનું પ્લાનિંગમાં છે
ઝોન કચેરીમાં વિવિધ વિભાગોની કામગીરી સ્થાનિક લેવલે જ કરાઇ તે માટે સ્ટાફ અને કામગીરી વધારવાનું પાલિકાની પ્લાનિંગમાં છે. > જગદીશ મોદી, ચેરમેન, બાંધકામ સમિતિ, નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...