એસ.ટી ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરો પોતાની સીટ મેળવવા માટે ભાગદોડ કરતા હોય છે. જોકે, આનું ક્યારેક ગંભીર પરિણામ પણ ભોગવવું પડે છે. ત્યારે આવો જ બનાવ નવસારી ડેપોમાં ગઈકાલે સાંજે બન્યો હતો. જેમાં સુરત ખાતે રહેતા એક વૃદ્ધને ગણદેવી જતી બસમાં બેસવાનું હતું. જેથી તેઓએ વહેલા સીટ મેળવવા માટે બારી પર લટકતા હાથ છૂટી ગયો હતો. જેના કારણે બસના પાછળના વ્હીલમાં તેમનો પગ કચડાઇ ગયો હતો. જેને લઈ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે દરમ્યાન આજે તેમનું મોત નીપજ્યું છે. આ મામલે ટાઉન પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.
સુરત ખાતે રહેતા 60 વર્ષીય વસંતભાઈ દુધનાથ યાદવ પોતાની દીકરી જે નવસારી રહે છે તેને ત્યાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ કામ અર્થે ગણદેવી જઈ રહ્યા હતા. ત્યારે નવસારી ડેપોમાં ગણદેવી જઈ રહેલી બસ પ્લેટફોર્મ નંબર 4 પર પાર્ક થઈ રહી હતી. આ દરમિયાન આ વુદ્ધ બસમાં સીટ રોકવા માટે બારી ઉપર લટકીને પોતાનો રૂમાલ મૂકીને જગ્યા રોકવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે બારી પરથી હાથ છુટી જતા તેઓ નીચે પટકાયા હતા અને બસના પાછળના વ્હીલમાં આવી જતા તેઓનો પગ કચડાઈ ગયો હતો. જેથી તેઓને ગંભીરઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેઓનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાને લઇને તેમના જમાઈ જવાન સિંહ જાડેજા દ્વારા નવસારીના ટાઉન પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. બસનો ડ્રાઈવર વિપુલ પટેલ નોકરીમાં માત્ર એક માસ થયો છે અને રિવર્સ લેતી વખતે તેમના દ્વારા અકસ્માતથી આધેડનો પગ કચડી નાખતા હાલ તેઓની ધરપકડની તજવીજ હાથ ધરવામાં કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.