ભાસ્કર ઓરિજિનલ:સંક્રમિત થયેલા 18 વિદ્યાર્થી ઘરે જ સારવારથી સપ્તાહમાં સાજા થયા

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરદી, ખાંસી, તાવના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ

નવસારીમાં સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓમાં મોટાભાગના હોમ આઇસોલેશનમાં હતા. ડોકટરની સલાહ સૂચન મુજબ તમામ વિદ્યાર્થીઓને એન્ટીબાયોટીક અને પેરાસિટામોલ આપવામાં આવી હતી. હાલ સંક્રમિત થયેલા પૈકી 18 વિદ્યાર્થીઓ સ્વસ્થ થઇ પુન: શાળામાં ઓફલાઇન વર્ગમાં હાજરી આપી રહ્યા છે.

સંક્રમિત થયેલા આ વિદ્યાર્થીઓમાં શરદી, ખાંસી સાથે તાવના લક્ષણ જોવા મળ્યા હતા. તેમની તપાસ બાદ તેઓ સંક્રમિત થવાનું માલૂમ પડ્યું હતું. ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓમાં આવા લક્ષણો જણાયા ન હતા છતાં તેઓ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓ એક સપ્તાહની અંદર જ સાજા થયા હતા. જોકે કેટલાકે 12 દિવસ હોમ આઇસોલેટ રહેવુ પડ્યુ હતું.

દરેક શાળા કક્ષા સુધી ગાઈડલાઇન આપવામાં આવી જ છે
શરૂઆતના તબક્કામાં જ રાજ્ય સરકાર દ્વારા કોવિડ ગાઇડલાઇન આપી દેવામાં આવી હતી. પ્રથમ અને બીજી લહેરમાં તેનુ પાલન કરાયું છે. હાલમાં પણ સરકારે આપેલી ગાઈડલાઈન SOPનું પાલન થાય તે માટે આરોગ્ય વિભાગે જરૂરી તમામ કાર્યવાહી કરી જ છે. નવસારી જિલ્લામાં આવતી તમામ શાળાઓમાં પણ ગાઇડલાઇન અપાઇ છે. વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક, સેનેટાઈઝેશન અને અન્ય જરૂરી સાવચેતી રાખવા તાકિદ કરાઇ છે. > ડો. સુજીત પરમાર, મદદનીશ અધિકારી, આરોગ્ય વિભાગ

કેટલાકમાં લક્ષણો દેખાયા તો કેટલાક વિના લક્ષણે સંક્રમિત : વાલીઓ
મારી બેબી ધોરણ-10મા અભ્યાસ કરે છે. એને થોડા દિવસ પહેલા શરદી, ખાંસી અને થોડો તાવ લાગતા આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારી બેબી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી પરિવાર 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન થયો હતો. સીએચસીમાંથી દવા લીધી હતી. જોકે 5 જ દિવસમાં બેબી સારી થઈ ગઈ હતી પરંતુ તે પછી પણ ઘરમાં જ રહ્યાં. હવે ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થતા બેબી સ્કૂલ જાય છે, એકદમ સ્વસ્થ છે. > વિદ્યાર્થીના વાલી

મારૂ બાળક રાબેતા મુજબ સ્કૂલે જતુ હતું. તે દરમિયાન તેમના વર્ગમાં એક બાળક પોઝિટિવ આવતા શાળા સંચાલકોએ સમગ્ર વર્ગમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જે પૈકી મારૂ સંતાન પણ કોરોના પોઝિટિવ જણાયું હતું. જેને કારણે તેને વિટામીન-સી અને બી કોમ્પલેક્ષ સહિતની દવા આપવામાં આવી હતી. હાલ બાળક અગાઉની માફક સ્વસ્થ જ છે. તેને શરદી, ખાંસી કે તાવ જેવી કોઇપણ અસર જોવા મળી ન હતી. છતાં પણ તેને સંક્રમણ થયાનું મેડિકલ ટેસ્ટમાં જણાયું હતું. જેથી 12 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયું હતું. જોકે અે દરમિયાન પણ ઓનલાઇન અભ્યાસ બાળકો કરતા હતા જેથી તેમને અભ્યાસમાં મુશ્કેલી નહીં પડે. હવે તેઓ ઓફલાઇન વર્ગ ભરે છે. બાળકો માટે ડોકટરોએ આપેલા સૂચનનું પાલન કરવું હિતાવહ છે. > નિલય નાયક, વાલી

બે છાત્ર PHCમાં સારવારથી સ્વસ્થ
આશ્રમમાં રહી અભ્યાસ કરતા ધો.-9માં અભ્યાસ કરતો 1 દીકરો અને ધો.-11મા અભ્યાસ કરતી દીકરીને શરદી-ખાંસી સાથે તાવ જણાયો હતો. બે દિવસ સુધી સતત આવી સ્થિતિ રહેતા આખરે પ્રા.આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવતાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આથી પ્રાથમિક સારવાર પીએચસીમાં આપી ઘરે મોકલી દીધા હતા. તે બંને હવે સ્વસ્થ છે અને શાળાએ આવી ગયા છે. હાલ તેઓ રાબેતા મુજબ શાળાએ જઇ અભ્યાસ કરી રહ્યાં છે. > કાળીદાસભાઈ પટેલ, આશ્રમશાળાના સંચાલક

એન્ટીબાયોટીકથી બાળકો સાજા થયા
નવસારી જિલ્લામાં હાલ જે કોરોના સંક્રમિત કેસ નોંધાઇ રહ્યા છે તે મહત્ત્મ ડેલ્ટાના છે. ઓમિક્રોનનો હજુ સુધી કેસ નોંધાયો નથી. હાલ જે કેસ આવી રહ્યા છે તેમાં ધીમેધીમે બાળકોની સંખ્યામાં તેનુ પ્રમાણ વધતુ જોવા મળી રહ્યું છે. જોકે, તેમાં કોઇ ગંભીર પ્રકારની જે અગાઉ પહેલા અને બીજા વેવમાં જણાતું હતું તેવુ હાલના તબક્કે જણાતું નથી. ખેરગામ છાત્રાલયમાંથી જે બાળકો પોઝિટિવ આવ્યા હતા તે તમામ બાળકોને શરદી, ખાંસી અને તાવની અસર જોવા મળી હતી. તેના આધારે ટેસ્ટ કરત તેઓ સંક્રમિત થયાનું જણાતા તેમને એન્ટીબાયોટીક તેમજ પેરાસીટામોલ સહિતની દવા આપવામાં આવી હતી. હાલ તમામ બાળકો સ્વસ્થ છે. > ડો. ભરતભાઇ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી

ઓફલાઇન સાથે ઓનલાઇનનો વિકલ્પ ખુલ્લો
જિલ્લાની તમામ શાળામાં SOPનીનું પાલન કરવા તાકિદ કરી જ છે. ઉપરાંત ટીમ બનાવી આ કામગીરી થાય છે કે નહીં તેની ચકાસણી પણ કરાઈ રહીં છે. સ્કૂલોમાં સામાન્ય શરદી, ખાંસી કે તાવ જણાય તો તેવા વિદ્યાર્થીનું તાત્કાલિક ચેકઅપ કરાવી તેની જાણ કરવા અને જરૂર જણાય તો ઓનલાઈન શિક્ષણ આપવા સૂચના આપી છે. જ્યાં કેસ મળ્યાં છે ત્યાં વિદ્યાર્થી ઉપરાંત વર્ગ કે તેની સાથે સંપર્કમાં આવેલા તમામનો રેપીડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરવા સૂચન કર્યું છે. આ ઉપરાંત વધુ વિદ્યાર્થી સંક્રમિત હોય તો વર્ગ કે શાળા બંધ કરવા નિર્ણય લેવા પણ શાળા સંચાલકોને કરી જ છે. જોકે, જિલ્લામાં હજુ સુધી એવી બાબત ધ્યાન પર આવી નથી. > રોહિત ચૌધરી, જિ.શિ.પ્રા. શિક્ષણાધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...