નવસારીના ઉપેશ એમ. પટેલ, પીનાકીન પટેલ સહિત ખેડૂતોએ કલેકટરને મળી કેરીના પાકને આ વખતે આબોહવાને કારણે નુકસાન થયું હોય સરકાર પાસે સહાય મળે તે માટે માગ કરતું આવેદન અધિક કલેકટરને આપ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો છે. ખેડૂતો ફક્ત ખેતી ઉપર જ પોતાનું ગુજરાન ચલાવે છે.
ગત વર્ષે જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે ખેડૂતોને કેરી સહિત તમામ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલી, સરકાર દ્વારા રાહત પેકેજની પણ જાહેરાત થઇ હતી પરંતુ એકને ખોળ અને બીજાને ગોળની નીતિથી સહાય અપાઇ હતી. હાલ પણ બદલાયેલા વાતવરણ અને અસહ્ય ગરમીને કારણે જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોને 90 % જેટલી નુકસાની સહન કરવાની ભીતિ સતાવી રહી છે.
કેરીના પાક માટે ખેડૂતો દ્વારા આંબાના ઝાડો ઉપર દવાના છંટકાવ કરવો પડે છે, ખાતર, પાણી આપવું પડે છે. મોંઘવારીમાં ખેડૂતો માટે આ ખર્ચ અસહ્ય છે. સરકાર સમક્ષ જેથી સહાય બાબતે તેમની માગ સ્વીકારાય તેવો અનુરોધ કર્યો હતો.
તાત્કાલિક સરવે થાય તે અમારી માંગ
નવસારી જિલ્લામાં કેરીના પાકના નુકસાન સંદર્ભે તાત્કાલિક સરવે કરાવી સરકારને રજૂઆત કરી જિલ્લાના ખેડૂતોને અને એમના પરિવારોને ધ્યાનમાં લઇ તાત્કાલિક આર્થિક સહાય આપવાની માંગણી કરીએ છીએ. - ઉપેશ પટેલ, ખેડૂત અગ્રણી, જમાલપોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.