તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Earlier, The March From Sabarmati To Kheda Was Considered But Due To The Short Distance, The Stalk Was Selected To Reach In Three Weeks.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી યાત્રા:પહેલા સાબરમતીથી ખેડા સુધી કૂચ વિચારાઇ પણ ટૂંકુ અંતર હોવાથી ત્રણ સપ્તાહે યાત્રા પહોંચે તેવા દાંડીની પસંદગી થઇ

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરદાર પટેલે મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ
 • દાંડી પાસેના ગામોમાં ગાંધીવાદી પ્રવૃત્તિ ફેલાવનાર મણીભાઇ પટેલ અને સ્વામીજી ધનજીશા દરબારીની મહેનત રંગ લાવી અને દાંડી અમર થઇ ગયું

સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉપર અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલા કરનો વિરોધ કરવાના આશયથી નમક સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું અને સ્થળ પસંદગી સહિતની તૈયારી કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને જવાબદારી અપાઇ હતી.

મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ વર્ણવતા નવસારીના ઇતિહાસવિદ કેરસીભાઇ દેબુએ જણાવ્યું હતું કે, મીઠાના સત્યાગ્રહ માટે પ્રથમ પ્રશ્ન સ્થળની પસંદગી અને સત્યાગ્રહનો માર્ગ નક્કી કરવાનો હતો. સત્યાગ્રહના અંતિમ સ્થાન માટે વિવિધ સ્થળોની ચકાસણી કરવામાં આવી. ખેડા જિલ્લામાં ખંભાતનો દરિયો જેવા કે બોરસદ તાલુકાના કેટલાક સ્થળે મીઠાનું ઉત્પાદન થતું હોવાથી સાબરમતીથી ખેડા સુધી કૂચ કરવાનું વિચારમાં લેવામાં આવ્યુ. પરંતુ સાબરમતી આશ્રમથી ખેડાનું અંતર બહુ ઓછુ હતુ અને તે કૂચ માત્ર પાંચ દિવસમા પૂર્ણ થઈ જાય તેમ હતી. આ કૂચ ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા ચાલે અને લગભગ 250-300 માઈલનું અંતર હોય તેવા સ્થાનની તપાસ શરૂ થઈ.

દક્ષિણ ગુજરાતના તે સમયના સુરત જિલ્લા જેમાં હાલના નવસારી અને વલસાડ જિલ્લાનો પણ સમાવેશ થતો હતો અને લાંબો દરિયા કાંઠો ધરાવતા ધરાસણા, તિથલ, ઉદવાડા, દાંડી વગેરે સ્થળ માટે વિચારણા કરવામાં આવી. સ્થળ તપાસ માટે સરદાર પટેલ દરેક જગ્યાએ જઈ નિરીક્ષણ કરી આવ્યા હતા. સરદાર પટેલે અનેક પરિબળોને ધ્યાનમા લઈ અંતિમ સ્થાન માટે દાંડી પર પસંદગી ઉતારી. અમદાવાદથી દાંડી સુધી 243 માઈલની કૂચ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય પણ લાગી શકે અને સત્યાગ્રહની અસર પુરા ગુજરાત પર પડી શકે.

દાંડીની પસંદગી કરવા પાછળ બીજુ મહત્વનું કારણ એ હતું કે, આ વિસ્તારમાં આવતા કરાડી, મટવાડ, કોથમડી, આવડા ફળિયા, આટ, બોદાલી, સામાપુર, મછાડ, ઓંજલ વગેરે વિસ્તારમા લાંબા સમયથી ગાંધીવાદી પ્રવૃતિઓ ચાલી રહી હતી. ગાંધીજીની માનીતી એવી મધ નિષેધની કે સ્વદેશી ઉત્પાદન ખરીદ કરવાની ખાદીની પ્રવૃતિ અહીં લાંબા સમયથી ચાલી રહી હોવાથી આ વિસ્તારમાં અગાઉથી જનજાગૃતિ ફેલાઇ હતી.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ સમયે પણ આ વિસ્તારના કોળી અને પારસી ભાઈઓ ભાગ લઈ ચૂક્યા હતા એટલે આ વિસ્તારના લોકોનું ખમીર ગાંધીજી પારખી ચૂક્યા હતા. સત્યાગ્રહ પૂર્ણ થયા પછી ગાંધીજીએ સ્વાભાવિક રીતે પૃચ્છા કરી હતી કે, આ વિસ્તારમા ગાંધીવાદી પ્રવૃતિઓ થકી આટલી જનજાગૃતિ કેવી રીતે આવી? ત્યારે આ વિસ્તારમા ગાંધીવાદી પ્રવૃતિના પ્રયોજકો એવા મણીભાઈ શનાભાઈ પટેલ અને દરબારી સાધુના નામથી ઓળખાતા સ્વામીજી ધનજીશા બહેરામજી દરબારી નામની બે વ્યક્તિઓના પુરૂષાર્થની વાતો ગાંધીજી સમક્ષ આવી અને આ બે મહાનુભાવોએ તૈયાર કરેલા વાતાવરણના કારણે સત્યાગ્રહ માટે દાંડીની પસંદગી થઇ એટલું જ નહીં સફળતા પૂર્વક દાંડીકૂચ પૂર્ણ થઇ અને દાંડી ઇતિહાસમાં અમર થઇ ગયું.

મીઠું ચોરવા બદલ મણીભાઇ અને સ્વામીજીની ધરપકડ
દાંડીના દરિયા કિનારે મીઠાનું ઉત્પાદન થતું નથી પરંતુ દરિયાનું પાણી સુકાવાના કારણે ખાજણમાં કુદરતી મીઠુ મોટા પ્રમાણમા પેદા થતું. સત્યાગ્રહ પૂર્ણ થયા પછી લોકો આ ખાજણમાંથી મીઠુ ઉપાડી જવા લાગ્યા. સત્યાગ્રહીઓ અહીં મીઠુ ઉપાડી પડીકીઓ બનાવતા અને વહેંચણી કરતા. તા.9મી એપ્રિલે ખાંજણમાંથી મીઠુ કાઢવા માટે મણિભાઈ અને સ્વામીજી ખાજણમાં ઉતર્યા હતા.

પોલીસની મોટી ફોજ દરિયાકિનારે હતી પરંતુ કાદવ કીચડથી પોલીસ દૂર ઉભી હતી. ઉપરી અધિકારીના ઓર્ડરથી ચાર પોલીસ કર્મીઓ કાદવમાં ઉતર્યા. મણિભાઈ અને સ્વામીજીની મીઠું ચોરવા બદલ ધરપકડ કરીને સાબરમતી જેલ મોકલી દીધા હતા. આઝાદીની લડતમાં આ વિસ્તારમાંથી સૌથી વધુ સમય જેલવાસ ભોગવનાર સ્વામીજી હતા.

ચરોતરના પુત્ર મણીભાઇ પટેલે કર્મભૂમિ દાંડી અને મટવાડને ગાંધી વિચારોના રંગે રંગી દીધા
સન 1920-21માં ગાંધીજીની પ્રેરણાથી દેશભરમાં રાષ્ટ્રીય શાળાનો ઉદય થયો હતો. આ શાળાઓ સરકારની ગ્રાન્ટ નહી લેતા સ્વખર્ચે સંચાલિત શાળાઓ હતી. કરાડી ખાતે શરૂઆતમા એક નાનકડી કાચી ઓરડીમા શરૂ થયેલી શાળા માટે દેશવિદેશથી સ્થાનિક વ્યક્તિઓએ ફંડ ફાળા ઉઘરાવી શાળાનું પાકું મકાન બનાવ્યું હતું.

આ શાળાના આચાર્યપદે ચરોતર વિસ્તારના અને ગાંધી વિદ્યાપીઠમાંથી સ્નાતક થયેલા મણિભાઈ શનાભાઈ પટેલની નિમણૂંક થઈ. પ્રખર ગાંધીવાદી મણીભાઇએ આ વિસ્તારમા ગાંધીવાદી મૂલ્યોના પ્રસાર માટે ખાદી ચરખાનું કામ અને મદ્યપાન નિષેધના કામની શરૂઆત પણ કરી હતી, પરંતુ આખા વિસ્તારમા સબળ નેતૃત્વના અભાવે જોઈએ એટલું કામ કરી શકતા ન હતા.

અહીં જાગૃતિ ફેલાવે તેવી સ્વયંસેવકોની ફોજ હાજર હોય તે પણ સ્થળ પસંદગીનું કારણ
બારડોલી સત્યાગ્રહ પછીના સમયે બારડોલી ખાતે મણિભાઈ દરબારી સાધુના નામે ઓળખાતા ધનજીશાહ દરબારના સંપર્કમાં આવ્યા. બારડોલી આશ્રમ ખાતે બધા તેઓને સ્વામીજી તરીકે સંબોધન કરતા હતા. મણિભાઈએ તેઓને નવસારી કાંઠા વિભાગમાં આવી નેતૃત્વ પૂરૂં પાડવા અનુરોધ કર્યો. સ્વામીજીએ નવસારીના કાંઠા વિભાગને પોતાના કાર્યક્ષેત્ર તરીકે સ્વીકારી ગાંધીવાદી પ્રવૃતિ ચાલુ કરી. આ વિસ્તારના ગામડાઓમાં ફરી સ્વામીજી પ્રવચનો આપતા ગાંધીવાદી પ્રવૃતિઓ જેવી કે ખાદી કાંતણ અસ્પૃશ્યતા નિવારણ અને મધનિષેધ જેવી પ્રવૃતિઓ શરૂ કરી. રોજ સાંજે દારૂ તાડીના પીઠા બહાર સ્વયંસેવકો સાથે હાજર રહી લોકોને દારૂ-તાડી ન પીવા સમજાવતા અને પીકેટીંગ કરતા.

આ બધી પ્રવૃતિઓને કારણે કેટલાક લોકો સાથે સંઘર્ષમાં પણ આવવું પડતું હતું છતાં સ્વામીજીની પ્રવૃતિઓથી લોકો પ્રભાવિત થયા હતા અને આખા વિસ્તારમા રાષ્ટ્રીયભાવના અને ચેતનાસભર એવું વાતાવરણ ઉભું થયું હતું. આ બંને મહાનુભાવોએ આ વિસ્તારમા શિષ્તબધ્ધ સ્વયંસેવકો તૈયાર કર્યા હતા. દાંડીયાત્રા માટે આ સ્થળની પસંદગી પાછળ મુખ્ય કારણ એ પણ હતું કે, અહીં જનજાગૃતિ ફેલાવે તેવા સ્વયંસેવકોની ફોજ હાજર હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો