વિકાસ કામ:વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત રૂા.33.58 કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ - લોકાર્પણ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંભવિત રીતે દિવાળી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. જેને લઇને રાજ્ય સરકાર મોટાભાગના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે દિવસ રાત એક કરી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં પણ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વાસથી વિકાસ યાત્રા’ના ભાગરૂપે 20 વર્ષના ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત રાજ્ય માટે રૂા. 2646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રામજી મંદિર હોલ, નવસારી ખાતે ધારાસભ્ય પિયુષ દેસાઈના વરદ હસ્તે રૂા.33.58 કરોડના ખર્ચે વિકાસ કર્યોનો ઇ -લોકાર્પણ -ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

નવસારી જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમમાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે રૂા.23.71 કરોડના કુલ 496 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂા. 9.87 કરોડના ખર્ચે કુલ 169 કામોનું ઇ- લોકાર્પણ કરાયું હતું. જે પૈકી રૂા.5.19 કરોડના ખર્ચે 6 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂા.2.01 કરોડના ખર્ચે એક કામનું ઇ-લોકાર્પણમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના કામનો સમાવેશ થાય છે .

નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ જણાવ્યું કે , રાજ્યના છેવાડાના વિસ્તારોને તમામ સુવિધા પૂરી પાડી સર્વાંગી વિકાસ કરવા રાજ્ય સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે. તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલુ સૂત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ સૂત્ર સાથે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વિકાસની યાત્રાને જનતાના વિશ્વાસથી આગળ ધપાવવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક સરકાર કરી રહી છે

વધુમાં ધારાસભ્ય જણાવ્યું કે, રાજ્યમાં રોડ, ડ્રેનેજ, એરપોર્ટ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો સહિતની માળખાગત સુવિધાઓમાં છેલ્લા બે દાયકામાં ધરખમ વધારો થયો છે. જેના કારણે જનસુખાકારીમાં પણ દિનપ્રતિદિન વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેલ્લા 20 વર્ષમાં લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્ય કન્યા કેળવણીમાં નવા સિમાચિહ્નો સર કરી રહ્યું હોવાનું તેમણે ગર્વથી જણાવ્યું હતું.

ધારાસભ્યના ઉદબોધન બાદ ઉપસ્થિત રહેલા મહાનુભવો અને શહેરીજનો અને ગ્રામજનોએ અમદાવાદ સાયન્સ સેન્ટરથી મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નવસારી ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીભાઈ શાહ, અધિક નિવાસી કલેકટર કેતન જોશી સહિત અન્ય અધિકારીઓ મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...