ભાદરવામાં ભરપૂર:નવસારી શહેરમાં વરસાદ વરસતા સખી મેળાના સ્થળ પર અને શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા

નવસારીએક મહિનો પહેલા
  • પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી
  • વરસાદી પાણીનો નિકાલ યોગ્ય સમયે ન થતા નોકરીયાત અને વિદ્યાર્થીઓ અટવાયા

નવસારી શહેરમાં મોડીરાત્રીએ પડેલા વરસાદના કારણે નવસારી શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જેમાં દાબુ લો કોલેજ પાસે આવેલા સખીમેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શન પંડાલમાં પાણી ભરાતા 50થી વધુ સ્ટોલ ધરાવતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.તાત્કાલિક વેપારીઓએ પોતાનો કિંમતી સામાન પંડાલમાંથી શિફ્ટ કરવાની નોબત આવી હતી.

શહેરને પૂર્વ પશ્ચિમ સાથે જોડતા એકમાત્ર પ્રકાશ ટોકીઝ ગરનાળામાં પણ પાણી ભરાતા લોકોને માનવ કલાકનો વેડફાટ કરીને ફરજિયાત રેલવે ફાટક પર ટ્રાફિક જામમાં ફસાવવું પડ્યું હતું. વહેલી સવારે શાળાએ જતા બાળકો સહિત નોકરીયાત વર્ગને આ પાણી ભરાતતા મુશ્કેલી વેઠી પડી હતી.

વિજલપોરને રેલવે સ્ટેશન સુધી જોડતા મુખ્ય માર્ગમાં પણ પાણી ભરાતા લોકો જોખમી રીતે પોતાના વાહનને પાણીમાંથી લઈ જવા મજબૂર બન્યા હતા. શહેરમાં અનેક વર્ષોથી પ્રિમોનસૂન કામગીરી બાબતે પાલિકા વેઠ ઉતારતી હોય તેમ વરસાદી પાણીનો નિકાલ વરસાદ થોભ્યા બાદ પણ અનેક કલાકો સુધી ન થતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.

સખી મેળામાં વેપારીઓ એ તાત્કાલિક પંડાલમાંથી પોતાના સામાન્ય સુરક્ષિત સ્થળે ખસેડવો પડ્યો હતો. દાબુ લો કોલેજ ગ્રાઉન્ડમાં છેલ્લા અનેક વર્ષોથી સખી મંડળ અને હસ્તકલા ના વેપારીઓ વેપાર અર્થે આવે છે પરંતુ આ વર્ષે વરસાદે મજા બગાડતા ખરીદી અર્થે આવનાર ખરીદદારો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

છેલ્લા લાંબા સમયથી શહેરમાં બફારા અને ગરમીની મોસમ થી શહેરીજનો ઉકડી ઊઠ્યા હતા ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા તેમને રાહત થઈ હતી.આ વરસાદ કેટલાક લોકો માટે આફતો અનેક લોકો માટે ગરમીથી મુક્તિ અપાવનારો સાબિત થયો છે. કેટલાક ગણેશ મંડળોએ પોતાનો મંડપ વોટરપ્રૂફ ન બનાવતા તેમને પણ મૂર્તિને નુકસાની ન થાય તેને લઈને ચિંતા વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...