ખેડૂતોમાં હરખની હેલી:ધોધમાર વરસાદના પગલે ગણદેવીની અંબિકા નદીમાં નવા નીર આવ્યાં, દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ

નવસારી3 મહિનો પહેલા
  • ગત 24 કલાકમાં નવસારી જિલ્લામાં સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા 10મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગત 24 કલાકમાં નવસારી જિલ્લામાં સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેથી નદીઓમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે. અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમમાં પાણીની ભરપુર આવક થઈ છે.

ડેમમાં જોખમી રીતે માછલી પકડતા સ્થાનિકો
રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. ત્યારે અંબિકા નદીમાં પણ નવા નીર આવતા દેવધા ડેમમાં પાણીનું ભરપૂર આવક થઈ રહી છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જોકે, ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા દરિયા કિનારે તેમજ નદી અને એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાય છે ત્યાંથી લોકોને દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે છતાં પણ અનેક લોકો આ તાકીદને ધ્યાને લેતા નથી. દેવધા ડેમની વચ્ચે ઉભા રહી જીવના જોખમે માછલી પકડતા લોકોના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. ઘસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચે જોખમી રીતે સ્થાનિકો માછલી પકડી રહ્યા છે.
વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
દેવધા ડેમમાંથી બીલીમોરા અને ગણદેવીને આખું વર્ષ પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે છે. ત્યારે ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જિલ્લામાં ડાંગરનો પાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. આ પંથકના ખેડૂતો દેવદાર ડેમના પાણી ઉપર નિર્ભર રહે છે. હાલ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...