જૂના નવસારી પાલિકા હદ વિસ્તારની પાણી યોજના નહેર આધારિત હોય નહેરનું પાણી ઓછું મળે, વિલંબ થાય તો શહેરને પાણી આપવામાં મુશ્કેલી પડે છે. આવું હાલ ફરી બન્યું છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ નહેરનો રો વોટરનો જથ્થો 40 દિવસ મરામત અને અન્ય કારણોથી મળે એમ નથી. જેને લઇને શહેરીજનોને અપાતા પાણીના રોટેશનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. બે ટાઇમની જગ્યાએ હાલ એક જ ટાઇમ મીઠું પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં બોરનું પાણી મિક્સ કરી આપનાર હોવાનુ પણ એક યાદીમાં જણાવાયું છે.
અહી ઉલ્લેખનીય છે કે પાણી યોજનામાં જે 2 તળાવ ઉપયોગમાં લેવાય છે એ દુધિયા તળાવ અને જલાલપોરના દેસાઈ તળાવની સ્ટોરેજ કેપેસિટી જરૂરિયાતના પ્રમાણમાં ઓછી હોય નહેરના પાણીનું રોટેશન મોડું થાય તો કાયમ જ મુશ્કેલી પડે છે. આમ તો આ પ્રશ્ન હલ કરવા પાલિકાએ ત્રણેક વર્ષથી દુધિયા તળાવને સરબતિયા અને ટાટા તળાવ તથા દેસાઈ તળાવને થાણા તળાવ સાથે જોડવાની યોજના બનાવી છે પણ તે હજુ પૂર્ણ નહીં થતાં હજુ ય પાણીકાપ મૂકવો જ પડે છે અને હાલ પણ મૂકવાની ફરજ પડી છે.
તળાવ ડેવલપમેન્ટમાં 3 વખત ટેન્ડરીંગથી વિલંબ થયો
તળાવોનું એકત્રીકરણ થયા બાદ ઉક્ત તળાવોમાં એચડીપી લાઈનિંગ (પ્લાસ્ટીક નાંખવાનું) સહિતના ડેવલોપમેન્ટમાં પ્રથમ ટેન્ડરીંગથી કામ થયું ન હતું. ત્રીજા પ્રયત્ને ટેન્ડરીંગ સફળ થયું ઉપરાંત મંજૂરી મળવામાં પણ વિલંબ થયાનું જાણવા મળ્યું છે.
તળાવ સંલગ્ન કામગીરીના વર્ક ઓર્ડર અપાઇ ગયા છે
તળાવ ડેવલપમેન્ટ માટેના ટેન્ડરીં ગ થઈ ગયા છે. ચૂંટણી અગાઉ વર્કઓર્ડર અપાઇ ગયા હતા અને કામ શરૂ પણ થઇ જશે. વહેલી તકે કામ પુરૂ કરવાની નેમ છે. > વિનય પટેલ, સિટી ઈજનેર, પાલિકા
પાણીકાપ વિજલપોર વિસ્તારમાં નહીં
હાલ જે પાણીકાપ મુકવામાં આવ્યો છે તે જૂની નવસારી નગરપાલિકા વિસ્તારમાં જ મુકવામાં આવ્યો છે. વિજલપોર વિસ્તારમાં તો બે ટાઈમ જ બોરમિક્ષ પાણી અપાનાર હોવાનું જાણવા મળ્યું છે.
બોરનું પાણી મિક્ષ કરવું પડશે
નહેરની મરામત યા અન્ય કારણોથી 40 દિવસ પાણી નહીં મળતા પાલિકાએ કરકસર કરવી પડે એમ છે. જેથી હાલ એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોરનું પાણી પણ મિક્ષ કરવું પડે એમ છે. -પ્રશાંત દેસાઇ, ચેરમેન, પાણી કમિટી, નવસારી પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.